Entertainment

લતાજી વિનાનો સૂનકાર તેઓના ગીતોથી જ ભરી શકાય

લતાજી વિનાનાં સમય સાથે મેળ પાડવાનો પ્રયત્ન કરનાર કોઇપણ સંગીતચાહક નિષ્ફળ જ જવાનો. ભારતીય સિનેમા સંગીતના તેઓ અમર સ્વર છે. વિતી જતાં સમયને કોઇ રોકી શકતું નથી. એ સમયે જ આપણને લતાજી આપ્યા અને છીનવી લીધા અને જે આપ્યા છે તે લતાજી એવા છે કે તે આપણામાં ગુંજતા રહે. પાછલા વર્ષોમાં આમ પણ તેમણે ઓછું જ ગાયું અને પોતાના પડઘાં પાડવાથી બચ્યા. હવે તેમના વિનાના સમયમાં સો ગાયિકા ગાઇ તો પણ તેમાંથી એક લતાજી નહીં બની શકે. ફિલ્મ સંગીત એક બજાર છે ને બજારે તો ચાલવાનું હોય છે. ચાલે છે.

લતાજી જેટલું કમાતા તેનાથી અનેકઘણું આ નવી પાર્શ્વગાયિકાઓ કમાય છે. તેમની ગાયકીની ‘કિંમત’ છે, લાંબા સમયનું મૂલ્ય નથી. લેજન્ડ થવાની હેસિયત બધાની નથી હોતી. અત્યારે કોઇમાં એવા પ્રકારની ગંભીરતા પણ નથી. એવા સંગીતકાર, ગીતકાર, સહગાયકોને ફિલ્મસર્જકો પણ નથી. લતાજીના સ્મરણ સાથે અનેક મહાન સંગીતકાર -ગીતકારની પ્રતિભા રસિકોની સામે આવી જશે. લતાજી એકલા નહોતા, આખો કારવાં તેમની સાથે હતો. લતાજી તેના એક અગ્રેસર હતા. પાર્શ્વગાયનનાં કેટલાંક ‘પ્રથમ’ ને યાદ કરવા હશે તો એ ‘પ્રથમ’ માં પ્રથમ લતાજી હોય શકે. બીજા ગાયક – ગાયિકાનું મૂલ્ય જરાય ઓછું આંકયા વિના આ કહી શકાય. પાર્શ્વગાયનની વિદ્યા સમજવી હોય ને તેનું શાસ્ત્ર રચવાનું હોય તો લતાજીના ગીતો સૌથી મોટી સામગ્રી બનશે.

હમણાં તેમનું એક વિધાન વાંચ્યું, ‘હું એમ કહીશ કે પુરાણા જમાનાનાં જે પણ સંગીતકાર હતા, તેમણે પોતાની મૌલિકતા અને હુન્નરમાં કયારેય સમાધાન નથી કર્યા. તમે કદાચ જ કોઇ બીજા સંગીતકારને કોઇના રસ્તે ચાલતા જોશો યા કોઇએ પોતાની ઓળખથી અલગ હટીને બીજાની જેમ કમ્પોઝ કરતા પકડયા હો. સૌની પોતપોતની શૈલી હતી, જે અલગ રીતે જણાય પણ આવતી. તેમના સમયના સંગીતકારો વિશેનું આ નિરીક્ષણ કેટલું બધું સાચું છે! લતાજી અત્યંત સંવેદનશીલ ગાયિકા હતા એટલે અનેક પ્રકારના ગીતોની સમ-વેદના યા સમ-ભાવ તેઓ તરત પામી જતાં અને સંગીતની રીતે બહુ સૂક્ષમતાથી એ ગીતને અભિવ્યકત કરવાની શકિત અને અદમ્ય નિષ્ઠા હતી.

કુદરતે આપેલા સ્વરને તેમણે સતત સાધનાથી કેળવ્યો અને દરેક ગીત તેમના માટે નવી સાધના માટેનું આહવાન હતું. તેમણે ફકત છ વર્ષની ઉંમરે પિતા અને અભિનેતા – ગાયક પં. દીનાનાથ મંગેશકર પાસે પહેલો રાગ શીખેલો. એ રાગ હતો પૂરિયા ધનાશ્રી. તેઓ નવ વર્ષના હતા ત્યારે પિતાજીના નાટક ‘સૌભદ્ર’માં નારદનું પાત્ર ભજવતા એક ગીતા ગાયેલું, ‘પાવન વામના યા મના’ અને વિંગમાં ઊભેલા પિતાએ દિકરીને વન્સમોર મળતા જોયા. આ વન્સમોર આજે પણ કયાં થંભ્યુ છે?! લતાજીનું ગાવું થંભી શકે તેમ નથી. આપણા હૃદયમાં આવી તેઓ ગાતા રહે છે.

લતાજીએ શાસ્ત્રીય ગાયન ક્ષેત્રનાં અનેક ગાયકોને વારંવાર સાંભળ્યા છે અને એ જ રીતે પાર્શ્વગાયકોને ય સાંભળ્યા છે. તેમની ગાયકી લાંબી સાધનાનું પરિણામ છે. પિતા દિનાનાથ મંગેશકરનું અવસાન ૨૪ એપ્રિલ, ૧૯૪૨ માં થયું પણ તેમણે તેમને સતત સામે રાખી તાલીમ જાળવી હતી. પિતા સાથે અભિનય કરતા હતા તે તેમણે થોડી ફિલ્મ પછી છોડી દીધો. ગાયિકા તરીકે તેમને ‘મહલ’થી મોટી ઓળખ મળી ત્યારે રેકોર્ડ પર તો તેઓ ‘કામિની’ હતા. પરંતુ ગીત જ એવું લોકપ્રિય થયું કે લતાજીનું નામ પ્રગટ થઇ ગયું.

લતાજી આમ તોફાની, મસ્તીખોર મિજાજના હતા પણ જોતજોતામાં તેમની ગાયકીના ગાંભીર્ય સાથે વ્યકિતત્વનું ગાંભીર્ય પણ પ્રગટ થતું ગયું. લતાજી શું શાસ્ત્રીય ગાયિકા બન્યા હોત? તેમનો પોતાનો જવાબ છે, ‘જો હું રિયાઝ કરતી હોત, બેસીને ધીરજપૂર્વક ગાતી હોત તો કદાચ હું સારી શાસ્ત્રીય ગાયિકા બની શકી હોત’. પં.દીનાનાથ મંગેશકર તેમની આ દિકરી વિશે એકવાર બોલેલા કે, ‘લતાના ગળામાં ગંધાર બોલે છે.’ આજે આપણે કહી શકીએ કે લતાજીની જરૂરિયાત ફિલ્મક્ષેત્રે જ હતી અને ત્યાં પણ એવું ગાયું કે ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં જેવાથી ઉદ્‌ગાર નીકળેલા કે, ‘કમબખ્ત કભી બેસુરી હી નહીં હોતી!

એકવાર ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં લક્ષમીબાગ ગિરગાંવમાં કાર્યક્રમ માટે આવેલા અને રેડિયો પર લતાજીનું ‘બહાના’નું ગીત, ‘જા રે બદરા બૈરી જા, રે જા રે’…. સાંભળ્યું ને શિષ્યો સામે બોલી બડેલા, ‘જબ સે ઇસ લડકી કા યમન મેરે કાનો મેં પડા હૈ, મેં અપના યમન ભૂલ ગયા હું’. તે રાત્રે તેઓ યમન ગાવાના હતા પણ બીજો રાગ ગાયેલો. લતાજીના પાર્શ્વગાજનો સમય હકીકતે તો ફિલ્મ સંગીતના કાયાકલ્પનો સમય છે. એ સમયે અનેક મહાન સંગીતકારો આવી ચુકયા હતા અને એ બધાની જરૂરિયાત લતાજી બની ગયા. (અપવાદ ઓ.પી. નૈયર) સી. રામચન્દ્ર સાથે પ્રભાવક ઓરકેસ્ટ્રા સાથે આધુનિક શૈલીના મેલડી ગીતો, એસ.ડી. બર્મન સાથે રાગ આધારિત ગીતો, મદન મોહન સાથે ગઝલો, નૌશાદ સાથે શાસ્ત્રીય અને લોક સંગીત આધારીત ધૂનો, સલિલ દા સાથે બંગાળ અને આસામના લોક સંગીત ઉપરાંત વિદેશી મિસૂની આધારીત ગીતો અને એ બધામાં અનિલ બિશ્વાસ, રોશન, ખૈયામ, શંકર જયકિશન જેવા ઉમેરાતા ગયા અને ગાયકીની નવી નવી ઓળખ રચાતી ગઇ. લતાજી અમુક પ્રકારના ગીતોમાં શ્રેષ્ઠ અમુક ઠીક ઠીક એવો ભાગ ન કરી શકો. કોઇપણ સંગીતકાર હોય ને તેમની કોઇપણ શૈલી હોય, ગમે તેવી પડકારરૂપ ધૂન હોય, લતાજી ગાઇ પછી તેમાં અદ્‌ભૂત સંગીત ઉમેરાય જતું.

આ કારણે જ ૧૯૪૩ માં ‘ગજાભાઉ’ માટે પ્રથમવાર ગાયા પછી ૧૯૪૭ માં ‘પા લાગું કર જોરી રે, શ્યામ મોસે ન ખેલો હોરી’ (આપકી સેવા મેં) ગાયું અને આ મા સરસ્વતીને ‘પા લાગું કર જોરી રે’ હતું તે પછી સમજાયું. લતાજીના વ્યકિતત્વની વિશેષતા એ કે કયારેય તેમણે નમ્રતા છોડી નથી અને પોતાને હંમેશા શિષ્યા તરીકે જ જોયા. હા, તેઓ ઘણા સંગીતકાર અને ગાયકો સાથે રિસાયા છે. પણ પછી માની ગયા છે તો કોઇ ઉત્તમ ગીત માટે જ માન્યા છે. સંગીત સામે તેમના બધા ઝગડા મટી જતા. લતાજીને કારણે અનેક પાર્શ્વગાયિકાની કારકિર્દી ધીમી પડી ગઇ અને સમાપ્ત થઇ ગઇ પણ તેનું કારણ લતાજીની શ્રેષ્ઠતા જ છે.

કરુણતા એવી થવા માંડી કે દરેકે લતા મંગેશકર થવું પડે તેમ હતું અને તે તો લતા મંગેશકર જ હોય શકે, તો કઇ રીતે ચાલે? સુમન કલ્યાણપૂરને ઘણો અફસોસ રહ્યો છે કે લતાજીના કારણે તેમને અનેક ગીતો ન મળ્યા પણ તેમને જે ગીતો ગાવા મળ્યા તે લતાજીને કારણે જ મળેલા તે પણ હકીકત છે. મીનાકુમારી, મધુબાલા, નરગીસ, વહીદા રહેમાન, નૂતન, ઉષા કિરણથી માંડી હેમામાલિની, રાખી, રેખા, મુમતાઝ, ડિમ્પલ કાપડિયા કે કાજોલ કે ભાગ્યશ્રી માટે લતાજી સિવાય કોઇ ગાનારું નથી. આજે પાર્શ્વગાયન બહુ વેરવિખેર વર્તાય છે કારણકે તેના પ્રમુખ સ્વર નથી રહ્યા.

જે જાદુ સાયગલ, રફી, તલત, મુકેશ, મન્નાડે, મહેન્દ્ર કપૂર અને કિશોરકુમારથી થયો તે આજે કોઇથી થતો નથી. ઘણા નવા ગાયકોના અમુક ગીત લોકપ્રિયબને છે પણ લિજેન્ડસ બને તેવું નથી. એવું ગાયિકાના ક્ષેત્રે પણ છે. લતાજી પછી અલકા યાજ્ઞિક, શ્રેયા ઘોષાલ સહિત બહુએ ગાયું પણ લતા-આશા જ મનમાં ગુંજે છે. હિમાલયની સાથે અનેક પહાડો હોય ને તે પણ ઊંચા હોય છતાં હિમાલય તો ન જ હોય! આ ૨૮મી સપ્ટેમ્બર (૧૯૨૯) તેમના જન્મ દિવસની છે અને હજુ તેમની વિદાયને એક વર્ષ પણ નથી થયું (૬ ફેબ્રુઆરી ૧૯૨૨) હજુ જન્મ શતાબ્દીને સાત વર્ષ બાકી છે. સમયને ફરિયાદ વિના કહીશું કે લતાજીનો સ્વરદેહ અમારી સાથે છે અને રહેશે. બ.ટે.

Most Popular

To Top