Entertainment

બી-ગ્રેડ ફિલ્મોથી શરૂ થયેલી સફર, પેટ ભરવા ટેક્સી પણ ચલાવી ‘ધ ડર્ટી પિક્ચર’એ બદલી દીધી કિસ્મત

આજે બોલીવૂડના સૌથી વિશ્વસનીય અભિનેતાઓમાં ગણાય છે રાજેશ શર્મા

બોલીવૂડના જાણીતા અભિનેતા રાજેશ શર્માનું જીવન સંઘર્ષ, મહેનત અને ધીરજનું જીવંત ઉદાહરણ છે. એક સમય એવો હતો જ્યારે ફિલ્મોમાં નાનું કામ મળતું, બી-ગ્રેડ ફિલ્મોમાં અભિનય કરવો પડતો અને પરિવાર ચલાવવા ટેક્સી ચલાવવી પડતી હતી. પરંતુ વર્ષો સુધી સતત સંઘર્ષ કર્યા બાદ ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’એ તેમની કારકિર્દીને નવી ઓળખ આપી અને ત્યારથી તેમણે પાછું વળીને જોયું નથી.

બોલીવૂડમાં સફળતા દરેક કલાકારને સરળતાથી મળતી નથી. કેટલાક કલાકારો વર્ષો સુધી સંઘર્ષ કરે છે, નિષ્ફળતાઓનો સામનો કરે છે અને ત્યારબાદ એક તક તેમની આખી જિંદગી બદલી નાખે છે. અભિનેતા રાજેશ પણ એવા જ કલાકારોમાંના એક છે, જેમણે લાંબા સંઘર્ષ બાદ પોતાની અલગ ઓળખ બનાવી છે. આજે તેઓ હિન્દી, બંગાળી અને અન્ય ભાષાઓની ફિલ્મોમાં મજબૂત પાત્રો માટે જાણીતા છે, પરંતુ તેમની સફર અત્યંત મુશ્કેલ રહી છે.

રાજેશ શર્માએ એક મુલાકાત દરમિયાન પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે અભિનય પ્રત્યેનો જુસ્સો તો હતો, પરંતુ શરૂઆતના દિવસોમાં કામ મળવું ખૂબ મુશ્કેલ હતું. જો કે ફિલ્મોમાં નાના-મોટા રોલ મળતા હતા, પરંતુ તેનાથી પરિવારનું ગુજરાન ચાલતું નહોતું. આવી સ્થિતિમાં તેમણે જીવનનિર્વાહ માટે અનેક નાના કામ કર્યા.તેમણે જણાવ્યું કે એક સમય એવો આવ્યો જ્યારે પૈસાની ભારે તંગી હતી. ફિલ્મોમાં નિયમિત કામ મળતું નહોતું અને ઘર ચલાવવાની જવાબદારી વધી રહી હતી. તે સમયે તેમણે ટેક્સી ચલાવવાનું કામ શરૂ કર્યું. દિવસ દરમિયાન ટેક્સી ચલાવતા અને જ્યારે ઓડિશનની તક મળે ત્યારે અભિનય માટે દોડી જતા.

રાજેશ શર્માના જણાવ્યા મુજબ, તે દિવસો ખૂબ જ મુશ્કેલ હતા. ઘણીવાર તેઓ મુસાફરોને ઉતાર્યા પછી સીધા ઓડિશન માટે પહોંચી જતા. કેટલાક દિવસો એવા પણ હતા જ્યારે આખો દિવસ મહેનત કર્યા બાદ પણ પૂરતી કમાણી થતી નહોતી. છતાં તેમણે અભિનયનું સપનું ક્યારેય છોડ્યું નહીં. સંઘર્ષના સમયમાં તેમણે કેટલીક ઓછી બજેટની અને બી-ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું. તે સમયે તેમના માટે સૌથી મહત્વની બાબત કામ કરતા રહેવાની હતી. તેઓ માનતા હતા કે કેમેરા સામે ઊભા રહેવાની તક ગુમાવવી નહીં જોઈએ. ભલે ફિલ્મ મોટી હોય કે નાની, દરેક અનુભવમાંથી કંઈક શીખવા મળતું હતું.

અભિનય પ્રત્યેની તેમની લગનને કારણે તેઓ સતત થિયેટર સાથે પણ જોડાયેલા રહ્યા. થિયેટરે તેમની અભિનય ક્ષમતાને વધુ મજબૂત બનાવી અને વિવિધ પ્રકારના પાત્રો ભજવવાની તક આપી. તેઓ માને છે કે આજે પણ તેમની સફળતામાં થિયેટરનો સૌથી મોટો ફાળો છે. વર્ષો સુધીના સંઘર્ષ બાદ તેમને ધીમે-ધીમે બોલીવૂડમાં ઓળખ મળવા લાગી. જોકે સાચો વળાંક વર્ષ 2011માં આવ્યો, જ્યારે તેમને ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’માં મહત્વપૂર્ણ ભૂમિકા મળી. આ ફિલ્મમાં તેમણે સેલ્વા ગણેશ (કીડાદાસ)નું પાત્ર ભજવ્યું હતું, જેને દર્શકો અને સમીક્ષકોએ ખૂબ વખાણ્યું. આ ફિલ્મની સફળતાએ તેમની કારકિર્દીને નવી દિશા આપી.

‘ધ ડર્ટી પિક્ચર’ બાદ રાજેશ શર્મા માટે ફિલ્મોના દરવાજા ખુલવા લાગ્યા. નિર્દેશકોને સમજાયું કે તેઓ કોઈપણ પ્રકારનું પાત્ર સહજતાથી ભજવી શકે છે. ત્યારબાદ તેમણે અનેક યાદગાર ફિલ્મોમાં કામ કર્યું અને દરેક પાત્રમાં પોતાની અલગ છાપ છોડી.તેમણે માત્ર કોમેડી જ નહીં પરંતુ ગંભીર, નકારાત્મક અને ભાવનાત્મક પાત્રોમાં પણ પોતાની પ્રતિભા સાબિત કરી. તેમની સ્વાભાવિક અભિનય શૈલીને કારણે દર્શકો તેમને પડદા પર એક સામાન્ય માણસ તરીકે સ્વીકારી લે છે, જે તેમની સૌથી મોટી ખાસિયત માનવામાં આવે છે.

રાજેશ શર્માએ પોતાની કારકિર્દી દરમિયાન અનેક જાણીતા નિર્દેશકો સાથે કામ કર્યું છે. તેઓનું માનવું છે કે દરેક ફિલ્મ તેમને કંઈક નવું શીખવે છે. તેઓ આજે પણ દરેક પાત્ર માટે એટલી જ મહેનત કરે છે જેટલી સંઘર્ષના દિવસોમાં કરતા હતા.
તાજેતરમાં અભિનેતાએ પોતાના સ્વાસ્થ્ય અંગે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે હવે તેઓ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખે છે અને નિયમિત જીવનશૈલી અપનાવવાનો પ્રયાસ કરે છે. લાંબા સમય સુધી સતત કામ અને સંઘર્ષ બાદ તેમણે પોતાની ફિટનેસ પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે.

રાજેશ શર્માનું કહેવું છે કે સફળતા મળ્યા બાદ પણ તેમણે પોતાના ભૂતકાળને ક્યારેય ભૂલ્યો નથી. ટેક્સી ચલાવવાના દિવસો, નાણાકીય મુશ્કેલીઓ અને કામ માટે કરેલો સંઘર્ષ આજે પણ તેમને જમીન સાથે જોડાયેલા રાખે છે.તેઓ નવા કલાકારોને પણ એક જ સલાહ આપે છે કે માત્ર સફળતા વિશે વિચારવાને બદલે સતત શીખતા રહેવું જોઈએ. દરેક નાનું કામ મહત્વનું હોય છે અને કોઈપણ તકને નાની ન સમજવી જોઈએ. ક્યારે કઈ તક જીવન બદલી નાખે તે કોઈ જાણતું નથી.ફિલ્મ ઉદ્યોગમાં આજે રાજેશ શર્મા એક વિશ્વસનીય અભિનેતા તરીકે ઓળખાય છે. મુખ્ય ભૂમિકા હોય કે સહાયક પાત્ર, તેઓ દરેક પાત્રમાં જીવ પૂરતા જોવા મળે છે. તેમની અભિનય ક્ષમતાને કારણે નિર્દેશકો આજે પણ તેમને મહત્વના પાત્રો માટે પસંદ કરે છે.

તાજેતરમાં તેમની ફિલ્મ ‘કિસ્સા કોર્ટ કચહરી કા’ પણ ચર્ચામાં રહી હતી, જેમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે ફરી એકવાર સાબિત કર્યું કે તેઓ વિવિધ પ્રકારના પાત્રો ભજવવામાં સક્ષમ અભિનેતા છે.રાજેશ શર્માની સફર એ વાતનો પુરાવો છે કે પ્રતિભા સાથે ધીરજ સતત મહેનત હોય તો સફળતા એક દિવસ ચોક્કસ મળે છે.ટેક્સી ચલાવવાથી લઈને બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કરવા સુધીનો તેમનો સંઘર્ષ આજે હજારો યુવા કલાકારો માટે પ્રેરણારૂપ બન્યો છે.

એક સમય એવો હતો જ્યારે કામ માટે દરવાજે-દરવાજે જવું પડતું હતું, પરંતુ આજે તેઓ બોલીવૂડના સૌથી વ્યસ્ત અને પ્રતિભાશાળી કેરેક્ટર એક્ટર્સમાં સ્થાન ધરાવે છે. તેમની જિંદગી એ શીખવે છે કે મુશ્કેલ પરિસ્થિતિઓ કાયમી નથી હોતી અને સાચી લગન હોય તો સંઘર્ષનો અંત સફળતામાં જ થાય છે.

Most Popular

To Top