Entertainment

‘પાર્વતી’ સોનારિકા બનશે ‘પૂ’?!

સોનારિકા ભદોરિયાને પાર્વતી દેવી તરીકે બધા બહુ જાણે છે. ‘દેવો કે દેવ મહાદેવ’ની આ ભૂમિકા તેના માટે જાણે વરદાન સાબિત થઇ અને પછી ‘પૃથ્વી વલ્લભ-ઇતિહાસ ભી, રહસ્ય ભી’માં મૃણાલનું વિખ્યાત પાત્ર ભજવવા મળ્યું. એક રીતે તે ખૂબ જાણીતા પાત્રો મેળવવા બાબતે નસીબદાર છે કારણ કે ‘દાસ્તાન-એ-મહોબ્બત અનારકલી’માં પણ તેને અનારકલીનું મુખ્ય પાત્ર મળેલું. સોનારિકા જાણે આવા પાત્રોમાટે જ સર્જાયેલી હોય એવું લાગશે. ‘દેવો કા દેવ મહાદેવ’માંથી તે નીકળી ગયેલી પણ ફરી આવી તે ડિમાંડના કારણે આવેલી. તેને ઘણીવાર ફિલ્મોની ઓફર મળે તો સિરીયલ છોડવી પડી છે. તે વખતે તેને બંગાળી ફિલ્મ મળેલી તો ચાર મહિના રજા લીધેલી. આ સિરીઝમાં તે કાલી અને દુર્ગા તરીકે દેખાયેલી ત્યારે ખૂબ વખણાયેલી અને પછી ઘણા લાઇવ શોમાં નિમંત્રણ મહેલા.

સોનારિકા 29 વર્ષની રૂપાળી એકટ્રેસ છે. મૂળ ચંબલ નદી વિસ્તારની રાજપૂત સોનારિકા ભદોરિયા જો કે મુંબઇ જન્મી છે. 2011માં તે ‘તુમ દેના સાથ મેરા’માં અભિલાષા તરીકે પ્રથમવાર આવી પછી પાર્વતીનું પાત્ર મળ્યું અને બસ જામી ગઇ. કલર્સની ‘ઇશ્ક મે મરજાવાં’માં તે નેત્રા શર્મા તરીકે હતી. આ બધી સિરીયલો વચ્ચે તેને તેલુગુ ભાષાની ‘જાદુગુડુ’ ફિલ્મ મળેલી તેમાંય પાર્વતીનું જ પાત્ર ભજવવાનું થયેલું પછી તેલુગુમાં ફિલ્મો મળતી ગઇ અને મુંબઇ-સાઉથ વચ્ચે દોડતી થઇ ગઇ એ ફિલ્મો વચ્ચે તેની ‘સાંસે’ નામની હિન્દી ફિલ્મ પણ મળી અને હવે ‘હિંદુત્વ’ નામની ફિલ્મમાં તે સપના નામની એનઆરઆઇ બની છે જે હિંદુત્વ વિશે સકારાત્મક વિચારે છે. સોનારિકા કહે છે કે આ ફિલ્મને કારણે હું હિંદુત્વને પણ વધારે સમજી છું.

હા, ખૂબ સફળ સિરીયલો છતાં હમણાં તેની ખ્યાતિ પર બ્રેક લાગેલી છે અને તે કહે છે કે ફિલ્મોદ્યોગમાં તો આવા ઉતાર ચડાવ આવ્યા જ કરે છે. મને તો મારા પાત્રોથી મળેલી લકોપ્રિયતા પૂરતી છે. હું બાર વર્ષથી કામ કરું છું ને કરતી રહીશ. સોનારિકા બાર વર્ષથી કામ કરે છે તો પણ કહે છે કે તે કયારેય કાસ્ટિંગ કાઉચનો ભોગ નથી બની.  સારો જ અનુભવ થયો છે. તે ફિલ્મોમાં અંગપ્રદર્શન વિશે પણ કહે છે કે દરેકની પોતપોતાની રીત છે.  જેણે પ્રદર્શન કરવું હોય તે કરે મારે કોઇ વિશે કશું કહેવું નથી. તે કહે છે કે હું મારા કામ અને મારા અભિગમ વિશે જ જવાબ આપી શકું બીજું બધું જવા દો.

Most Popular

To Top