Charchapatra

અનોખો સંબંધ

ગુજરાતી વ્યાકરણમાં છઠ્ઠી વિભક્તિનો અર્થ-સંબંધ છે. સંબંધ એટલે જોડાઈ જવું તે. સંયોગ, સંપર્ક, સંસર્ગ, જોડાણ, મિત્રતા-મિત્રાચારીનું સગપણ, નાતો એટલે સંબંધ.એક પ્રકારની સગાઈ કહેવાય. એકબીજા સાથે પરિચય થયા પછી મેળ થતાં બંધુત્વ અને આપ્તભાવનું જોડાણ થાય છે. વિવાહ સગાઈમાં પણ સારી રીતનું બંધન થાય. જો કે સંબંધમાં જોડાયેલ સંબંધીઓ ભિન્ન અથવા એકબીજાના આશ્રિત પણ હોઈ શકે. ટૂંકમાં સંબંધમાં સંયોગ અગત્યનો ભાગ ભજવે છે.  દરેક સંબંધને સારી રીતે ટકાવીને જીવનભર નિભાવવા જોઈએ.

આજે તો સંબંધો જેટલી ગતિથી કેળવાય તેથી બમણી ગતિથી તૂટી જતાં નજરે પડે છે. અહીં એકમેકની વાણી મોટો ભાગ ભજવે છે. કહેવાય છે કે, બેકાળજીથી બોલાયેલા કોઈ શબ્દ નફરતની આગ પેદા કરી શકે છે. ઘાતકીપણે બોલાયેલા કોઈ શબ્દ કોઈના જીવનનો સર્વનાશ સર્જી શકે છે. તેથી વિપરીત, સમયસૂચકતાથી બોલાયેલા શબ્દો કોઈની ચિંતા હળવી કરી શકે છે. તો પ્રેમથી બોલાયેલા શબ્દ કોઈના હૃદયના  ઘા રૂઝવી શકે છે અને આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે. આપણે જાણીએ છીએ કે, કેટલાક સંબંધો ખોટી માન્યતા કે અયોગ્ય વાણીને કારણે અકાળે તૂટી જતાં દેખાય છે.

સંબંધમાં પ્રથમ શરત છે, પરસ્પરના માન અને વિવેકનું ભાન રાખવું. વિચાર્યા વિનાની વાણી-વિલાસ જોખમરૂપ સાબિત થઈ શકે છે અને સામી વ્યક્તિના હૃદયમાં ઊંડો આઘાત આપી શકે છે.  કેટલાક સંબંધોમાં તો જોહુકમી અને વધુ પડતી અપેક્ષાઓને કારણે મુશ્કેલીઓ આવતી હોય છે. અહીં સમજદારી કેળવવી જોઈએ. પરસ્પર પ્રેમ અને માન આપો તો જ પ્રેમ-માન મળે. ગુસ્સામાં કંઈક બોલો તો જીવનભર દુઃખ સહન કરવાનો વારો આવે તેમ બને. હા, સંબંધોમાં વિશ્વાસ જોઈએ, શંકા કે વેરભાવના તકલીફ આપે છે.

એક વાર તૂટી ગયેલ સંબંધના જખ્મોને રૂઝ આવતી નથી. એટલે સંબંધોમાં સ્વસ્થતા જાળવી રાખવી જોઈએ.  એક અનોખા સંબંધની વાત કરવી છે, તે છે લોહીનો સંબંધ. આમ તો આ લોહીનું સગપણ વંશવેલાને લગતું સગપણ છે. પણ જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાનું લોહી આપે તે લોહીનો સંબંધ એક અનોખો સંબંધ કહેવાય. લોહી આપવું એટલે બીજાનું લોહી કોઈ માંદાના શરીરમાં નાખવું તે માટે પોતાનું લોહી કોઈએ કાઢી આપવું. આ લોહીનો સંબંધ અતૂટ રહે છે. જેમાં નિઃસ્વાર્થ ભાવ રહેલો હોય છે. રક્તદાન કરીએ અને લોહીનો સંબંધ નિભાવવાનો સંતોષ મેળવીએ. ચાલો, કોઈ અજાણી વ્યક્તિને જીવનદાન આપી માનવતા છલકાવીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top