Columns

એક દોડ

એક અગિયાર વર્ષનો છોકરો ધવલ , દર રવિવારે તેના પપ્પા સાથે પહાડ પર ટ્રેકિંગ કરવા જાય.એક રવિવારે પપ્પા અને ધવલ પહાડ પાસે પહોંચ્યા અને અચાનક જ ધવલે કહ્યું, ‘પપ્પા, આજે દોડ લગાવીએ જે પહેલા પહાડની ટોચ પર પહોંચશે તે વિજેતા …અને હારનારે આજે આખો દિવસ જીતનાર જે કહે તેમ કરવાનું…’પપ્પા હસ્યા અને બોલ્યા, ‘ચલ, હું તૈયાર છું…પણ મને લાગે છે કે તું એમ માને છે કે દોડ તું જ જીતીશ એટલે મારે તું જે કહીશ તે કરવું પડશે ..પણ હું એમ જલ્દી નહિ હારું.’ દોડ શરુ થઈ, ઘણું લાંબુ અંતર હતું …ધવલ પુર જોશમાં દોડવા લાગ્યો …જયારે તેના પપ્પા એક સરખી ઝડપે આગળ વધી રહ્યા હતા.

હજી થોડા આગળ ગયા ત્યાં પપ્પા અટકી ગયા…ધવલ બોલ્યો, ‘પપ્પા, કેમ બેસી ગયા ?? શું હાર માની લીધી?’પપ્પાએ દુરથી કહ્યું, ‘ના , આ તો મારા શુઝમાં કાંકરા અને પથ્થર ઘુસી ગયા છે તેને કાઢવા રોકાયો છું.’ ધવલ બોલ્યો, ‘કાંકરા અને પથ્થર તો મારા શુઝ્માં પણ ભરાયા છે પણ તે કાઢવા રોકાઇશ તો આ રેસમાં પાછળ થઈ જઈશ..’અને તે આગળ દોડી ગયો.પપ્પા કાંકરા અને પથ્થર કાઢીને આગળ વધ્યા ત્યારે ધવલ બહુ આગળ પહોંચી ગયો હતો …પણ હવે તેના પગમાં શુઝમાં ઘુસેલા કાંકરા અને પથ્થર બહુ વાગી રહ્યા હતા અને તેને પીડા થતી હતી એટલે તેની સ્પીડ ઓછી થતી ગઈ અને પપ્પા તેની પાસે આવી પહોંચ્યા.

પપ્પા સમજી ગયા કે તેને પગમાં વાગે છે તેમણે કહ્યું, ‘પગમાં પથ્થર અને કાંકરા વાગે છે તો પહેલા કાઢી લે..’ ધવલે કહ્યું, ‘ના ના એટલો ટાઇમ નથી ..’તે ઝડપથી આગળ દોડવા લાગ્યો…પણ બહુ ઝડપથી દોડી ન શક્યો અને પપ્પા હવે આગળ નીકળી ગયા.થોડીવારમાં ધવલ ચીસ પાડી નીચે બેસી પડ્યો તેને બહુ દુઃખાવો થતો હતો તેનાથી આગળ એક ડગલું પણ ચલાય તેમ ન હતું.પપ્પા ધવલની ચીસ સાંભળી તેની પાસે આવ્યા.ધવલના શુઝ કાઢ્યા તો તેના પગમાંથી લોહી નીકળી રહ્યું હતું.પપ્પા તેને ઊંચકીને લઇ ગયા.ઘરે જઈ દવા લગાવી ડ્રેસિંગ કર્યું.

મમ્મી દૂધ લઈને આવી અને કહ્યું, ‘ધવલ, તને પપ્પાએ કહ્યું કે શુઝ્માંથી પથ્થર કાઢી લે પછી દોડ તો તે કે સાંભળ્યું નહિ ??’ધવલ બોલ્યો, ‘મમ્મી, મને હતું રોકાઇશ તો પપ્પા આગળ નીકળી જશે અને હું હારી જઈશ.’પપ્પાએ કહ્યું, ‘એવું ન હોય બેટા,જીવનમાં કયારેય કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તેને હમણાં સમય નથી કહીને ટાળવો જોઈએ નહિ , જે સમસ્યા પર આપણે તરત ધ્યાન નથી આપતા તે ધીમે ધીમે મોટી થતી જાય છે અને આપણને વધુ તકલીફ આપે છે.પથ્થર કાઢતા બે મિનીટ લાગત અને તારે આટલી પીડા શન ન કરવી પડત અને દોડ પણ તું પૂરી કરી શકત.’ધવલ પપ્પાની વાત સમજી ગયો. જીવનમાં વચ્ચે આવતા સમસ્યા રૂપી પથ્થરો પહેલા જ દુર કરતા રહેજો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top