Vadodara

પોલીસ કોન્સ્ટેબલ અને બૂટલેગર વચ્ચે જાહેરમાં ઢીસૂમ…ઢીસૂમ…

વડોદરા : મોટાભાગે એક જ જગ્યા પર ઘણો વધારે સમય ફરજ અદી કરી હોય તેવા કર્મચારીઓના ઉચ્ચ કક્ષાએ બદલીના ઓર્ડર કરવામાં આવતા હોય છે. જ્યારે અધિકારીઓ તથા કર્મચારીઓની સામે તેમની કામગીરી પ્રત્યેની બેદરકારી લઇને કોઇ ફરિયાદ કે આક્ષેપ થાય તો તેમની અન્ય જગ્યા પર મુકી દેવામાં આવતા હોય છે. પરંતુ કેટલાક કર્મચારીઓના કાળા કારનામાના કારણે પણ સજાના રૂપે બદલી કરાતી હોય છે. તેવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં નંદેસરી પોલીસ સ્ટેશનમાં અગાઉ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યુવરાજસિંહ ધૂમાડની જે તે સમયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન -1માં બદલી કરી દેવામાં આવી હતી. તેઓએ એલસીબી ઝોન -1માં મુકવામાં આવ્યા હતા. તેઓએ થોડા સમય પ્રામાણિકતાથી ફરજ અદા કરી હતી. જાણવા મળતી માહિતી મુજબ તેઓએ અનગઢ ગામે દારૂનો ધંધો કરતા દેવા ગોહિલ નામના બૂટલેગર પાસેથી ભરણ ઊંઘરાવવાનું શરૂ કર્યું હતું. કોન્સ્ટેબલ મહિને હપ્તો તો લઇ જતા હતા.

જોકે તેની વાત એલસીબી ઝોન-1ના અધિકારીને જાણ થતા તેમને નંદેસરી પોલીસ સ્ટેશનમાં પરત કર્યા હતા. જોકે બદલીની સજા મળી હોવા છતાં હે.કોન્સ્ટેબલ તેમની હરકતોથી વાજ આવ્યા ન હતા. બાદમાં બૂટલેગર પાસે ભરણ લેવા માટે ગયા હતા ત્યારે બૂટલેગરે કહ્યું હતું કે તમે એલસીબીમાં રહ્યા નથી તમને એટલુ ભરણ મળશે નહી તેમ કહેતા જ તેમને બે હજાર રૂપિયા તથા બિયર-દારૂની બોટલો આપી હતી. જેથી ચાર પાંચ દિવસ અગાઉ હે.કોન્સ્ટેબલ અનગઢમાં આવી બૂટલેગર પાસે રૂપિયાની માંગણી કરતા બૂટલેગરે રોષે ભરાઇને કોન્સ્ટેબલની ધોલ ધપાટ મારી હતી. જોકે બંને વચ્ચે મારામારી થતા હેડ કોન્સ્ટેબલ ત્યાંથી ભાગી ગયો હતો. અધિકારીને કોઇના મારફતે જાણ થતા હેડ કોન્સ્ટેબલને પોલીસ સ્ટેશનમાં ગાર્ડ તરીકે મૂકી દીધો હતો. જોકે તેમાં કોઇ પોલીસ ફરિયાદ ન નોંધાઇ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે જેમાં એલસીબી ઝોન-1 અધિકારીને પૂછતા તેમણે ઉપરથી હેડ કોન્સ્ટેબલની બદલી કરાઇ હોવાનું જણાવ્યું હતું.

પોલીસ કહે હેડ કોન્સ્ટેબલનું અવસાનું થયું હોવાથી ત્યાં ગયા છે,
ચૂંટણીમાં ઇવીએમ ગાર્ડ તરીકે મુકાયા હતા ત્યારબાદ તેમને ઉઠાવી લેવામાં આવ્યા હતા
યુવરાજસિંહ ધૂમળના નામના હે.કોન્સ્ટેબલે એલસીબી ઝોન-1માંથી બદલી થઇને મારા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. તેઓની રાજકારણીઓ સાથે ફરે છે તેવી તેમની ફરિયાદો આવી હતી. જોકે કોઇ રાજકીય ઇસ્યૂ ઉભો ન થાય તે માટે તેમને ઇવીએમના ગાર્ડ તરીકે મુકવામાં આવ્યા હતા. હાલમાં તેમને ઉઠાવી લેવામાં આવ્યા છે. તેમને બહેનનું અવસાન થયું હોવાથી ત્યાં ગયા છે. તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થાય પછી તેમને કામગીરી સોંપાશે. તથા તેમને માર માર્યો છે કેમ પણ જાણવા મળશે.
જે.એમ.જાડેજા, પીઆઇ, નંદસેરી

શહેરથી 20 કિમી દૂર આવેલું નંદસેરી પોલીસ સ્ટેશન એટલે પોલીસ કર્મચારી માટે સજાપાત્ર સ્થળ
શહેરમાં 23 જેટલા પોલીસ સ્ટેશન સહિત વિવિધ એજન્સીઓ કામ કરી રહી છે. જેમાં કોઇ કર્મચારી કે અધિકારી પર ફરિયાદ કે ગંભીર આક્ષેપ થયો હોય ત્યારે તેમને કાર્યવાહીમાં બેદરકારી દાખવવા બદલ સજારૂપે શહેરથી 20 કિલોમીટર દૂર આવેલા નંદેસરી પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવે છે. જેથી નંદેસરી પોલીસ સ્ટેશનમાં એટલે ખાખી વરદી ધારી માટે સજાનું સ્થળ.

ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરાય તો ઘણી હકીકત બહાર આવે
વડોદરાના કડક છાપ ધરાવતા પોલીસ કમિશનરે પોલીસ સ્ટેશનમાંથી ડીસ્ટાફનું વિસર્જન કરીને ચાર એલસીબી ઝોન બનાવ્યા હતા. એલસીબી ઝોન -1માં 7 પોલીસ સ્ટેશનનો આવેલા છે.જેમાં સયાજીગંજ,નંદેસરી, છાણી ફતેગંજ, જવાહરનગર લક્ષ્મીપુરા અને ગોરવાનો સમાવેશ થાય છે. તેઓ સીધા ડીસીપીના તાબા હેઠળ કામ કરે છે. એક પોલીસ સ્ટેશનના ડીસ્ટાફની શંકાસ્પદ ભુમિકાના કારણે કમિશનરે તમામ પોલીસ સ્ટેશનમાંથી ડીસ્ટાફનું વિસર્જન કરી નાખ્યું હતું. થોડા મહિના અગાઉ જ એલસીબી ઝોન-3ના હેડ કોન્સ્ટેબલનો બૂટલેગર પાસે રૂપિયા લેતા હોવાની વીડિયો પણ વાઇરલ થયો હતો.ત્યારબાદ અધિકારીએ તેની સામે કડક પગલા ભર્યા હતા. જોકે આ કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરાયો ઘણી હકીકત બહાર આવે તેમ છે.

Most Popular

To Top