Sports

બેવડી સદી ફટકાર્યા બાદ ઈશાન અને કોહલીનો મેદાન પર જ ડાન્સ, વીડિયો

નવી દિલ્હી: ઈશાન કિશનની બેવડી સદી અને વિરાટ કોહલીની સદીની મદદથી ભારતે બાંગ્લાદેશ સામેની ત્રીજી વન-ડે મેચમાં 409 રનનો વિશાળ સ્કોર ખડક્યો છે. ભારતે 8 વિકેટ ગુમાવી 50 ઓવરમાં 409 રન બનાવ્યા છે. બાંગ્લાદેશને જીતવા માટે 410 રન બનાવવા પડશે.

ભારતના 24 વર્ષીય યુવાન બેટ્સમેન ઈશાન કિશને કારકિર્દીની ત્રીજી વન-ડે મેચ બાંગ્લાદેશ સામે રમતા તોફાની ડબલ સેન્ચુરી ફટકારી છે. માત્ર 124 બોલમાં ઈશાન કિશને બેવડી સદી મારી હતી. આ સાથે જ તે સૌથી ઝડપી બેવડી સદી બનાવનાર ખેલાડી બની ગયો છે. ઈશાને બેવડી સદી ફટકારી ત્યાર બાદ વિરાટ કોહલી અને ઈશાને મેદાન પર જ બલ્લે બલ્લે ડાન્સ કર્યો હતો. ઈશાન કિશન 130 બોલમાં 210 રન બનાવી આઉટ થયો હતો. પોતાની ઈનિંગમાં ઈશાન કિશને 10 સિક્સ અને 24 ચોગ્ગા માર્યા હતા. ઈશાન બાંગ્લાદેશ સામે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. બેવડી સદી ફટકારનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો હતો. ઈશાન કિશને સદી 85 બોલમાં આવી હતી. ત્યાર બાદ 100થી 200 રન સુધીનો સ્કોર માત્ર 41 બોલમાં કર્યો હતો. આમ કિશને ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી ફટકારી હતી. આ ઇનિંગમાં તેની સ્ટ્રાઈક રેટ 160.31ની રહી હતી.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

વિરાટ કોહલીએ પણ સદી ફટકારી હતી. કોહલીએ 85 બોલમાં તેની સદી પૂરી કરી હતી. 3 વર્ષના લાંબા દુકાળ બાદ કોહલીના બેટથી સદી આવી હતી. વન-ડે કેરિયરની 44મી અને ઓવરઓલ 72મી સદી ફટકારી રિકી પોન્ટીંગનો 71 સદીનો રેકોર્ડ તોડ્યો હતો. 91 બોલમાં 113 રન બનાવી કોહલી આઉટ થયો હતો.

ધીમી શરૂઆત બાદ ઈશાન કિશને તોફાન મચાવ્યું
વન-ડે સિરીઝની પહેલી બે મેચ સતત હાર્યા બાદ સન્માન બચાવવા માટે રમવા ઉતરેલી ભારતીય ટીમે પહેલી બેટિંગ કરતા ધીમી શરૂઆત કરી હતી. રોહિત શર્માની ગેરહાજરીમાં શિખર ધવન સાથે ઈશાન કિશન ઓપનિંગ કરવા ઉતર્યો હતો. બંને લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન ધીમી ગતિએ બેટિંગ કરી રહ્યાં હતાં. 5 ઓવરમાં ભારત 17 રન જ બનાવી શક્યું હતું. ભારતની પહેલી વિકેટ શિખર ધવનના રૂપમાં પડી હતી. હસન મિરાજની ઓવરમાં તે એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. શિખર ધવન માત્ર 3 રન બનાવી શક્યો હતો. 5ઓવરના અંતે ભારતનો સ્કોર 17/1 હતો. પરંતુ ત્યાર બાદ ઈશાન કિશને ગિયર બદલ્યું હતું. ધવનના આઉટ થયા બાદ ઇશાન કિશને ગિયર બદલ્યું હતું. મેદાનની ચારેતરફ ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હતા. વિરાટ અને ઇશાન વચ્ચે 290 રનની ભાગીદારી થઈ હતી. શ્રેયસ અય્યર અને કે.એલ. રાહુલ સસ્તામાં આઉટ થયા હતા.

બાંગ્લાદેશે ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી
વન-ડે સિરીઝના (ODI Series) પહેલી બે મેચમાં જીત મેળવ્યા બાદ આજે સિરીઝની છેલ્લી મેચ જીતી ભારતને ક્લીન સ્વીપ આપવાના ઈરાદે બાંગ્લાદેશની (IndiavsBangladesh) ટીમ મેદાને ઉતરી છે. ટોસ જીતીને બાંગ્લાદેશે ભારતીય ટીમને પહેલી બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. કેપ્ટન રોહિત શર્માની (Rohit Sharma) ગેરહાજરીમાં ઉપકપ્તાન કે.એલ. રાહુલ છેલ્લી વન-ડે મેચમાં કપ્તાનની જવાબદારી નિભાવી રહ્યાં છે. સિરીઝમાં બાંગ્લાદેશ 2-0થી આગળ છે ત્યારે ભારત અંતિમ મેચ જીતી સન્માન બચાવવાનો પ્રયત્ન કરશે.

ભારતની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર
ભારતે પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે. કપ્તાન રોહિત શર્માના સ્થાને ઈશાન કિશનનો (Ishan Kishan) સમાવેશ કરાયો છે. તે ઉપરાંત સ્પીનર કુલદીપ યાદવનો (Kuldeep Yadav) પણ ટીમમાં સમાવેશ કરાયો છે. દિપક ચહર (Deepak Chahar) ઈન્જર્ડ (Injured) હોવાના લીધે રમી રહ્યો નથી.

ભારતની પ્લેઈંગ 11: શિખર ધવન, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ. રાહુલ (કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.

બાંગ્લાદેશ (પ્લેઇંગ ઇલેવન): અનામુલ હક, લિટન દાસ (કેપ્ટન), શાકિબ અલ હસન, યાસિર અલી, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, અફીફ હુસૈન, મેહદી હસન મિરાજ, ઇબાદત હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, તસ્કીન અહેમદ.

Most Popular

To Top