Editorial

સરહદ સુરક્ષા બાબતે નવી એક સમસ્યા: પાકિસ્તાન તરફથી ઘૂસી આવતા ડ્રોન્સની સંખ્યામાં મોટો વધારો

પાયલોટ વિહોણા વિમાનો તરીકે ઓળખાતા ડ્રોન નામના ઉડતા વાહનોનો ઉપયોગ છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાભરમાં ખૂબ વધી ગયો છે. આ ડ્રોનનો ઉપયોગ અનેક રીતે થઇ શકે છે. લશ્કરી હેતુસર અને જાસૂસી માટે તો તેનો ઉપયોગ થતો જ હતો પરંતુ હવે તો દુર્ગમ વિસ્તારોમાં માલસામાન પહોંચાડવા કે ખેતરોમાં દવા છાંટવા માટેના કામોમાં પણ આ સાધન ઉપયોગી બનવા માંડ્યું છે. પરંતુ ત્રાસવાદીઓ પણ હવે આ સાધનનો દુરૂપયોગ કરવા માંડ્યા છે. તેઓ પોતાના લક્ષ્ય પ્રદેશમાં શસ્ત્રો, દારૂગોળો, કેફી દ્રવ્યો વગેરે ઘૂસાડવા આ સાધનનો ઉપયોગ કરવા માંડ્યા છે અને હાલમાં ભારત આ દુરૂપયોગનો સખત રીતે સામનો કરી રહ્યું છે.

જે મુખ્યત્વે ભારતની પશ્ચિમી સરહદ સાચવે છે તે દળ બીએસએફ દ્વારા હાલમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરના ત્રણેક વર્ષોમાં પાકિસ્તાન તરફથી ભારતમાં ઘૂસી આવતા ડ્રોન્સની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. સરહદ સલામતી દળને પશ્ચિમી મોરચે પાકિસ્તાનની સરહદ પર પાકિસ્તાન તરફથી આવતા પાયલોટ વિહોણા ઉડતા વાહનો(ડ્રોન)નો મોટા પાયે સામનો કરવો પડી રહ્યો છે. આ ઉડતા વાહનો કેફી દ્રવ્યો, શસ્ત્રો અને દારૂગોળો લાવી રહ્યા છે અને વર્ષ ૨૦૨૨માં આવી વસ્તુઓ લઇને પાકિસ્તાન તરફથી આવતા ડ્રોનોની સંખ્યા બમણા કરતા વધુ થઇ ગઇ છે એમ બોર્ડર સિક્યુરિટી ફોર્સ(બીએસએફ)ના ડિરેકટર જનરલ પંકજ કુમાર સિંહે જણાવ્યું છે.

ડ્રોનના દૂષણનો સીધો સામનો સરહદ સલામતી દૃળ એટલે કે બીએસએફને જ મોટા ભાગે કરવાનો આવે છે. ડ્રોન એ તાજેતરના સમયમાં વધુ ઉપયોગમાં લેવાતું સાધન બન્યું છે. એક તો આ વાહન કોઇ પણ પાયલોટ વિના ઉડે છે તેથી જો તેને તોડી પાડવામાં આવે તો પણ તેમાં કોઇ જાનહાનિનો સામનો મોકલનારે કરવાનો રહેતો નથી અને તેના બીજા લાભો એ છે કે તે કોણે મોકલ્યું તે સ્પષ્ટ થઇ શકતું નથી અને તે સરહદી મોરચાઓને બાયપાસ કરીને પુરતી ઉંચાઇએ ઝડપથી ઉડી શકે છે.

શત્રુ તરફથી આવતા ડ્રોન્સની સંખ્યામાં થયેલા વધારા અંગેની વિગતો આપતા બીએસએફના ડીજીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦માં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે ૭૯ જેટલી ડ્રોન ફ્લાઇટો બીએસએફે શોધી કાઢી હતી, જે ગયા વર્ષે વધીને ૧૦૯ થઇ હતી અને આ વર્ષે તે બમણા કરતા વધુ થઇને ૨૬૬ થઇ છે. અને આ વર્ષ હજી તો પુરુ થવાને એક મહિના કરતા વધુ સમયની વાર છે. સરહદ પારથી આવતા ડ્રોન્સમાં સૌથી વધુ ડ્રોન્સ પંજાબમાં આ વર્ષે દેખાયા છે જે ૨૧૫ જેટલા છે જ્યારે જમ્મુ પ્રદેશમાં ડ્રોનોની ૨૨ જેટલી ઉડાનો જોવા મળી છે એ મુજબ તેમણે માહિતી આપી હતી.

આ ડ્રોન દ્વારા જમ્મુ-કાશ્મીરમાં શસ્ત્રો અને દારૂગોળો ફેંકવામાં આવ્યા હોય તેવી અનેક ઘટનાઓ તાજેતરના સમયમાં પકડાઇ છે અને પકડાયા વિનાના કેટલાયે ડ્રોન્સ સ્થાનિક ત્રાસવાદીઓ માટે શસ્ત્રો ઠાલવી ગયા હશે તેવી શંકા નકારી શકાય નહીં. પંજાબમાં કેફી દ્રવ્યો ઘૂસાડવા માટે આ ડ્રોન્સનો ઉપયોગ થતો હોવાની શંકા છે. આમ તો આ ડ્રોનની સમસ્યાનો સામનો કરવાનુ઼ં મુશ્કેલ છે પરંતુ બીએસએફ દ્વારા તેનો ઉપાય શોધવાની કોશિશ કરવામાં આવી છે.

સરહદની સલામતીની જવાબદારી જે સંભાળે છે તે અર્ધલશ્કરી દળ બીએસએફ દ્વારા તાજેતરમાં દિલ્હીમાં એક કેમ્પ ખાતે એક અત્યાધુનિક લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે જે લેબોરેટરી ડ્રોન ફોરેન્સિક્સનો અભ્યાસ કરવા માટે રચવામાં આવી છે અને તેના પરિણામો ઘણા પ્રોત્સાહક રહ્યા છે. બીએસએફ શરૂઆતમાં એ બાબતે મૂંઝવણમાં હતું કે આ સમસ્યાનો સામનો કેવી રીતે કરવું? પરંતુ આ લેબોરેટરીની સ્થાપના થયા બાદ પકડાયેલા ડ્રોન્સનું ફોરેન્સિક વિશ્લેષણ કરી શકાય છે અને તેનાથી ડ્રોનનો ઉડ્ડયન માર્ગ, લોન્ચિંગ અને લેન્ડિંગ પોઇન્ટ્સ, ટાઇમિંગ, જીપીએસ, તેમણે કરેલી મેસેજોની આપ-લે વગેરે જાણી શકાય છે અને તેના પરથી અમુક ડ્રોન કોણે મોકલ્યું હતું તે સાબિત કરી શકાય છે.

જો ડ્રોનની આ વિગતો જાણી શકાય તો પકડાયેલું ડ્રોન કોણે મોકલ્યું હતું તે વિશ્વ સમક્ષ સાબિત કરી શકાય. ભારતમાં ઘૂસી આવતા ઘણા ડ્રોન્સ ખુદ પાકિસ્તાનના લશ્કર કે તેની ગુપ્તચર પાંખ આઇએસઆઇ દ્વારા મોકલવામાં આવતા હોય તેવી શંકા સેવવામાં આવે જ છે ત્યારે આ ઘૂસી આવતા ડ્રોન્સનું પગેરૂ઼ કાઢી શકાય તો અને શસ્ત્રો કે દારૂગોળો લઇને આવેલું અમુક ડ્રોન કોણે મોકલ્યું હતું તે જો સચોટ રીતે સાબિત કરી શકાય તો કાશ્મીરમાં પાકિસ્તાન ત્રાસવાદને સહાય કરે છે તે બાબત વિશ્વ સમક્ષ વધુ સારી રીતે સાબિત કરી શકાય
તેમ છે.

Most Popular

To Top