મહાત્મા ગાંધીની વિશાળ મૂર્તિ ઓસ્ટ્રેલિયામાં તોડી પાડવામાં આવી, આ ધાતુમાંથી બનેલી મૂર્તિ ભારત સરકારે ભેટમાં આપી હતી

મેલબોર્ન: ભારત સરકારે (Indian Government) ભેટ (Gift) કરેલી તાંબાથી બનેલી મહાત્મા ગાંધીની (Mahatma Gandhi) વિશાળ મૂર્તિ (Statue) ઓસ્ટ્રેલિયામાં (Australia) ક્ષતિગ્રસ્ત કરવામાં આવી હતી. વડા પ્રધાન સ્કોટ મોરીસને આ કૃત્યની સખત નિંદા કરી તેને શરમજનક ગણાવ્યું હતું. આ બનાવથી ભારતીય-ઓસ્ટ્રેલિયન સમુદાયમાં આઘાત અને નિરાશાની લાગણી ફરી વળી હતી.

ભારતના 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રૂપે વડા પ્રધાન મોરીસને શુક્રવારે ઓસ્ટ્રેલિયન ઈન્ડિયન કમ્યુનીટી સેન્ટરમાં આ મૂર્તિનું અનાવરણ કર્યું હતું તેમની સાથે ભારતીય રાજદૂત રાજ કુમાર અને અન્ય ઓસ્ટ્રેલિયન નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના થોડા જ કલાકોમાં મૂર્તિને ક્ષતિગ્રસ્ત કરવામાં આવી હતી, એમ એક સમાચાર પત્રએ અહેવાલ આપ્યો હતો.

મોરીસને આ બનાવ પર કહ્યું હતું, ‘આ સ્તરનું અવિનયી કૃત્ય જોવું બહુ જ શરમજનક અને નિરાશાજનક છે.’ ‘જે પણ આના માટે જવાબદાર છે તેણે ઓસ્ટ્રેલિયન ઈન્ડિયન કમ્યુનીટી માટે ભારે અનાદર દર્શાવ્યો છે અને તેણે આ કૃત્ય માટે શરમ આવવી જોઈએ’, એમ તેમણે ઉમેર્યું હતું. વિક્ટોરિયા સ્ટેટની પોલીસે જણાવ્યા મુજબ કેટલાંક લોકોએ મૂર્તિને તોડવા પાવર ટુલનો ઉપયોગ કર્યો હતો, આ બનાવ શુક્રવારે સાંજે 5.30 વાગ્યાથી શનિવારની સાંજે 5.30 વાગ્યા વચ્ચે બન્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું આ બનાવની તપાસ શરૂ કરી દેવાઈ છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન ઓફ વિક્ટોરિયાના અધ્યક્ષ સૂર્ય પ્રકાશ સોનીએ કહ્યું હતું, ‘ભારતીય સમુદાયને આઘાત લાગ્યો છે અને તેઓ દુ:ખી છે.’ વિક્ટોરિયા રાજ્યમાં અંદાજે 3 લાખ ભારતીયો રહે છે.

Related Posts