Business

રજવાડા વખતનો ડેલો એટલે આજનું ડહેલી

વાલિયા તાલુકાનું જાણીતું ગામ એટલે ડહેલી. રાજા રજવાડા વખતે રાજપીપળા નરેશ વિજયસિંહે અંતરિયાળ જંગલ પ્રદેશમાં અતિરુદ્ર યજ્ઞ કર્યો હતો. એ વખતે એ જગ્યાનું નામ રૂદ્રપુરી ગામ રાખવામાં આવ્યું હતું. જંગલ પ્રદેશમાં રાજા વિજયસિંહે એક સમયે શિકાર કરવા માટે આ જગ્યાએ “ડેલો” નાંખતાં સમયાંતરે ગામનું નામ ડહેલી નામ પાડવામાં આવ્યું હતું. સમગ્ર દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં સૌથી વધુ દરબારોની વસતી ધરાવતું આ ગામ આજે ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રે મોખરે કામ કરી રહ્યું છે. ડહેલી ગામમાં સુવિધા સજ્જ કરવા માટે ભૂતકાળના પ્રશ્નો અને ઊભી થતી માળખાગત સુવિધાથી નવી પેઢીને તકલીફો પડી રહી છે. તેમ છતાં ડહેલી ગામની નવી પેઢી વિકાસ ઝંખે છે. ગામને હવે રળિયામણું અને સુવિધાસજ્જ બનાવવા માટેની તમન્ના છે.

કોઈપણ કાળે માળખાગત સુવિધા માટે ડંકો વગાડીને આગળ વધી રહ્યા છે. આજે પણ સવલતો માટે તમામ તૈયારીઓ કરી રહ્યા છે. ક્યારેક દેશમાં મહિલાઓને આરક્ષણનો મુદ્દો ચગતો હોય તેમાં પણ ૩૦ ટકાની વાતો થતી હોય તો હજુ કેટલાક લોકો અલગ રહેતા હોય છે. તેમ છતાં ડહેલી ગ્રામ પંચાયતમાં હોદ્દાની દૃષ્ટિએ સરપંચ અને ડેપ્યુટી સરપંચ પદ મહિલાના હાથમાં હોવાથી પુરુષ કરતા અગ્રેસર છે. ડહેલી ગ્રામ પંચાયતમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચ મહિલાઓ પાસે હોવાથી પુરુષ સમોવડી બની છે.

ડહેલી ગામે લગભગ ૮ હજાર જેટલી વસતી ધરાવતું ગામ છે. ડહેલી ગામમાં અનેક સહકારી, શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે કામ કરીને ગામને હરિયાળું બનાવવાનો દ્રઢ સંકલ્પ નવી રાહ ચીંધી રહ્યો છે. ડહેલી ગામે ચોથી પેઢીથી ૭૦ વ્યક્તિનો સંયુક્ત કણબી પરિવાર આનંદિત જિંદગી જીવે છે. જે આજના વિભક્ત થતી કુટુંબી પ્રથામાં અજોડ લેખી શકાય. એ સાથે ડહેલી અને વાઘોડિયામાં શાકભાજી સહિત અનેક પાકોની ખેતી કરે છે.

-ડહેલી ગામનો ઈતિહાસ

ભરૂચ જિલ્લાના હેડ ક્વાર્ટરથી ૩૩ કિલોમીટર દૂર આવેલા ડહેલીની સૌથી વધુ વસતી ધરાવતું ગામ હોવાથી ધીમે ધીમે તમામ પ્રયાસથી વિકાસની ડગલાં માંડ્યાં છે. ડહેલી ગામનું નામ કઈ રીતે પડ્યું એ માટે લોકવાયકા છે કે, ભૂતકાળમાં સાતપુડાની ગાઢ જંગલ વચ્ચે રાજપીપળાના રજવાડાના તાબામાં હતું. સાતપુડાની તળેટીમાં નૈસર્ગિક વાતાવરણ અને જંગલી જાનવરોનો પ્રદેશ હતો. લાટ પ્રદેશ ગણાતો આ વિસ્તાર એ સૌના માટે એક અલગ જ જગ્યા હતી. રાજા રજવાડાને આવા વિસ્તારમાં શિકાર કરવા માટેનો પડાવ હતો. એ વખતે રાજા વિજયસિંહને શિકાર કરવાનો શોખ હોવાથી આ વિસ્તારમાં હરહંમેશ ‘ડેલો’ નાંખતા હતા. રજવાડાનો ડેલો એ ધીમે ધીમે અપભ્રંશ થતા હવે ડહેલી ગામ તરીકે ઓળખાય છે. રજવાડા વખતે મૂળ તો ડહેલીના રાજપૂત સમાજના લોકો એ મૂળ તો સુરત જિલ્લાના વતની હતા. એ વખતે મહારાજ વિજયસિંહે રાજપૂત સમાજના લોકોને ખેતીમાં રસ હોવાથી ડહેલી વિસ્તારમાં આવીને ગાઢ જંગલ સમતળ કરીને ખેતી કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જે આવીને ખેતી કરે એને જમીન આપવાની તૈયારી બતાવી હતી. એ માટે મોટા પ્રમાણમાં લોકો રહેવા આવ્યા હતા. ખેતી સાથે દિવસે દિવસે શિક્ષણ ક્ષેત્રે જાગૃતતા આવતાં નોકરિયાત વર્ગ મોટા પ્રમાણમાં જોવા મળે છે. સાથે વિદેશની ધરતી ઉપર અમેરિકા, લંડન, કેનેડા સહિતના દેશોમાં ડહેલીના લોકોનો વસવાટ મોટા પ્રમાણમાં છે. રજવાડા વખતે આ ગામમાં ધાર્મિક રીતે અતિરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. એ વખતે વિજયસિંહ ડહેલી ગામે આવીને ગામના અદીસિંહ આડમારને ત્યાં રોકાતા હતા. સાથે આજ જગ્યાએ ક્યારેક છોટા ઉદેપુરના રાજા-રાણી રહેવા આવતા હતા. ડહેલી ગામના સંગાથને લઈ રાજા રજવાડા માટે આ જગ્યા વાતાનુકૂલિત લાગતી હતી. એ સમયે સોળે કળાએ ખીલેલી પ્રકૃતિ હતી.

ડહેલી ગામની વસતી

ડહેલી ગામ આઠ હજારની વસતી ધરાવે છે. સૌથી વધુ આદિવાસી સમાજની લગભગ ૫૬.૬ ટકા વસતી છે. જો કે, ડહેલી ગામમાં લગભગ 300 ઘર રાજપૂત સમાજના હોવાથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ રાજપૂત સમાજની વસતી ધરાવતું ગામડું છે. ડહેલીમાં આ સિવાય કોળી પટેલ, પાટીદાર, ઠાકોર, પાટણવાડિયા, મુસ્લિમ, પંચાલ, લુહાર, કુંભાર, પ્રજાપતિ, મારવાડી, રાજસ્થાની બ્રાહ્મણ, હરિજન સમાજના લોકો વસે છે. ગામમાં સાક્ષરતાનું પ્રમાણ ૬૮.૩ ટકા છે. ગામમાં લોકો વ્યવસાયે મોટા ભાગે નોકરિયાત અને કામધંધો લઈને જોડાયેલા છે. ડહેલી ગામમાં તમામ લોકો કામધંધા અર્થે પ્રવૃત્ત છે. ડહેલી ગામમાં આવતીકાલ વિઝનરી જોનારાની સંખ્યા વધતી જાય છે.

– મુંબઈ દ્વિભાષી રાજ્યમાં વાલિયા તાલુકામાં સૌથી પહેલાં ડહેલી શારદા મંદિર હાઈસ્કૂલ ચાલુ થઈ હતી

દેશની આઝાદી મળી એ વખતે નિરક્ષરતાની પ્રમાણ વધુ હોવાથી શિક્ષણનો કોઈ અવકાશ ન હતો. આઝાદી મળતા ગુજરાત અને મહારાષ્ટ્ર ભેગું હોવાથી મુંબઈ દ્વિભાષી રાજ્યમાં વડવા પરંપરામાં વાલિયા તાલુકામાં ૧૯૫૨ની સાલમાં ડહેલી ગામે શ્રી શારદામંદિર હાઈસ્કૂલ ચાલુ કરવામાં આવી હતી. જ્યાં લગભગ ૧૫થી ૨૦ ગામના લોકો અભ્યાસ કરવા માટે આવતા હતા. એ વખતે શારદામંદિર સ્કૂલમાં આજે ૬૯ વર્ષમાં મોટી સંખ્યામાં ડોક્ટરો, એન્જિનિયરો અને વન વિભાગમાં અભ્યાસ કરીને નોકરિયાત થયા છે. ખાસ કરીને મોટા પ્રમાણમાં શારદામંદિર હાઈસ્કૂલમાં અભ્યાસ કરનારા વિદેશની ધરતી પર સેટલ થયા છે.

આજે પણ ધો-૫થી ૧૨ કોમર્સમાં આજુબાજુનાં ગામોમાંથી શારદામંદિર હાઈસ્કૂલમાં લગભગ ૧૦૦ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. અને શારદામંદિર હાઈસ્કૂલમાં ૯૫ વિદ્યાર્થીઓ આદિવાસીઓ ભણે છે. ભરૂચ જિલ્લામાં પહેલી વખત ૧૮ જેટલી સ્કૂલ ઓફ એક્સિલન્સ પસંદ પામી છે. જેમાં ડહેલીની શારદામંદિર સ્કૂલ આવનારા સમયમાં ફેસિલિટી સાથે સ્કૂલ ઓફ એક્સિલન્સ તરીકે સિલેક્ટ થઇ છે. સ્કૂલ ઓફ એક્સિલન્સમાં ઈવેલ્યુએશન કરી શારદામંદિર સ્કૂલને અદ્યતન ક્લાસ રૂમ, ડિજિટલ અને અદ્યતન લેબોરેટરી સહિત હાઈટેક સુવિધાથી સજ્જ કરવામાં આવશે. જે બાબતે શારદામંદિર હાઈસ્કૂલમાં બે વર્ષથી પ્રિન્સિપાલ પદે નિયુક્ત થયેલા ૩૭ વર્ષીય પારૂલબેન ડુમસિયા કહે છે કે, વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી નહીં પરંતુ સર્વાંગી વિકાસ કરવાનો અમારો ધ્યેય છે.

નોકરી મેળવવા કરતાં અન્યને નોકરી બની શકે. આજના જમાનામાં નોકરિયાત બનવા કરતાં જો તેની ધગશને વેગ આપવામાં આવે તો સ્વાવલંબી બનવાની તાકાત હોય છે. વિદ્યાર્થીઓમાં બુદ્ધિ ક્ષમતા છે. તેમને યોગ્ય રસ્તો આપવા માટે શારદામંદિર હાઈસ્કૂલના પ્રમુખ પદે ૭૫ વર્ષીય ગેમલસિંહ કોસાડા કામ કરી રહ્યા છે. ગેમલસિંહ કોસાડા કહે છે કે, હું પહેલા શિક્ષક તરીકે કામ કરતો હતો. પરંતુ નિવૃત્તિ બાદ સ્કૂલની જવાબદારી મને મળી. ડહેલી ગામનું શિક્ષણ ઉચ્ચ અને આગામી દિવસોમાં પણ આ પરંપરા જળવાઈ રહેશે એમાં કોઈ મીનમેખ નથી. શારદામંદિર સ્કૂલના નવા આવેલા પ્રિન્સિપાલનો લાભ સ્કૂલને અવશ્ય મળશે. તેમજ ધો-૧થી ૧૦માં શિશુમંદિર સ્કૂલ પણ ચાલે છે અને ધો-૧થી ૮ કુમાર પ્રાથમિક શાળા અને કન્યા શાળામાં લગભગ ૪૫૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને કુમાર અને કન્યા છાત્રાલય પણ ચાલે છે.

-ડહેલી ગામને ધાર્મિકતા સાથે નાતો

ડહેલી ગામ આધ્યાત્મિકતા સાથે જોડાયેલું ગામ છે. ડહેલી ગામમાં હમણા સુધીમાં બે વખત અતિરુદ્ર યજ્ઞ થયા છે. પહેલાં રાજા વિજયસિંહ વખતે અતિરુદ્ર યજ્ઞ અને બીજો અતિરુદ્ર યજ્ઞ કાશ્મીરીબાપુએ કર્યો હતો. આજે પણ ડહેલી ખાતે રહેતા કાશ્મીરીબાપુએ લગભગ ચારેક દાયકાથી ધૂણી ધખાવીને ધાર્મિક કામ કરે છે. તેમણે સંત સંમેલન, રામરક્ષા યજ્ઞ, અતિરુદ્ર યજ્ઞ કર્યા છે. ડહેલીમાં પ્રાચીન શિવાજી મંદિર, ગંગનાથ મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, દીનેશ્વર મંદિર, પાઠશાળા, ખોડિયાર મંદિર, દશામા મંદિર, રામજી મંદિર, હનુમાનજી મંદિર, વેરાઈ માતા, જળદેવી મંદિર, ભાથીજી મંદિર, રામદેવ પીર મંદિર, ચર્ચ અને એક મસ્જિદ આવેલી છે.

-ડહેલી ગામનાં ફળિયાં

મંદિર ફળિયું, નગરશેઠ ફળિયું, પારસી ફળિયું, ખોડિયાર ફળિયું, દેવધરા ફળિયું, જાદવ ફળિયું, ખાડી ફળિયું, હરિજન ફળિયું, તળાવ ફળિયું, કાળા ઓવારા ફળિયું, લુહાર ફળિયું, પંચાલ ફળિયું, ઘાંચી ફળિયું, હરિજન ફળિયું, બસ સ્ટેન્ડ ફળિયું, તુણા રોડ ફળિયું, દશામા મંદિર ફળિયું, નવા છાપરા ફળિયું, ભાથીજી મંદિર ફળિયું, મોટા ઘર ફળિયું, જાંબા ફળિયું, આમલી ફળિયું. 

-ડહેલી ગામના રાજનીતિ ક્ષેત્રના આગેવાનો 

ડહેલી ગામમાં વસતી વધારે છતાં પણ લીડરશીપ લેવામાં પહેલાં ઉણા ઊતરતા હતા. જેને કારણે વિકાસનાં કામોમાં થોડી અગવડ પડતી હતી. જો કે, હવે ગામમાંથી રાજકીય ક્ષેત્રે ખમતીધર આગેવાનોએ તાલુકા અને જિલ્લા કક્ષાએ નામ અંકિત કર્યાં છે. ડહેલી બેઠક પર જિલ્લા પંચાયતના ભાજપનાં સભ્ય તરીકે ૩૫ વર્ષીય સાહીસ્તાબાનુ લતીફ કડીવાલા કામ કરે છે. સાથે ડહેલીના વાલિયા તાલુકા પંચાયતના ભાજપનાં સભ્ય તરીકે ટીનલબેન પ્રવીણસિંહ પાટણવાડિયા ચુંટાયેલાં છે.

સાથે ૪૨ વર્ષીય લતીફ કડીવાલા લગભગ ૧૫ વર્ષથી પ્રજાકીય કામો માટે અવિરત તત્પર હોય છે. આજે પણ ડહેલી ગામમાં કોઈ ગૂંચવાયેલું કામ હોય ત્યારે લોકો લતીફ કડીવાલાને યાદ કરતા જ તેનો ઉકેલ મળી જાય. ભાજપ અગ્રણી લતીફ કડીવાલા કહે છે કે, અમારા માટે પહેલું અમારું ગામડું હોય. કોઈપણ પ્રસંગ હોય અને કોઈપણ કામ હોય ત્યારે અમારા કાને સેવાનું કામ અથડાઈ તો અમે કરી આપવા માટે તત્પર રહીએ છીએ. ગરીબ હોય કે તવંગર કોઈનું પણ કામ કરવામાં અમને સંતોષ થાય છે. અમારો ધ્યેય પહેલાં અમારું ગામ હોય. ગામની ધૂળ પણ અમારા પર પડી હોય ત્યારે તેમનું કામ કરવામાં અમારી જવાબદારી હોય એ સ્વાભાવિક છે.

-ડહેલી ગામના ૧૦૮ સેવા જેવા અડીખમ યુવાન યોદ્ધા

ગામમાં કોઈને આરોગ્યનો પ્રશ્ન ઉદ્દભવે એટલે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની માફક ચંપકસિંહ કપ્લેટિયાને યાદ કરાય. કોઈપણ વ્યક્તિને ત્વરિત આરોગ્યની જરૂરિયાત હોય ત્યાં ૪૫ વર્ષીય ચંપકસિંહ ભગવાનસિંહ કપ્લેટિયા પહોંચી જાય. આ સાથે ડહેલી ગ્રામ ટ્રસ્ટના પ્રમુખ પદે, ગામની શારદામંદિર હાઈસ્કૂલના કમિટી સભ્ય-ડહેલી રુદ્રપુરી સેવા સહકારી મંડળીના કમિટી સભ્ય તરીકે કામ કરી રહ્યા છે. ચંપકસિંહ કહે છે કે, અમારા માટે ગામનું કામ પહેલું હોય. ગામની કોઈપણ વ્યક્તિ બીમારીમાં પીસાતી હોય ત્યારે મદદરૂપ થઈ દવાખાને લઇ જવાય છે. લોકોનું કામ કરીએ એ જ અમારો સંતોષ. એ જ પ્રમાણે ખેડૂતો માટે દ્રઢ સંકલ્પ રાખનારા ૪૫ વર્ષીય નરેન્દ્રસિંહ નરપતસિંહ આડમાર અત્યંત ચીવટાઈથી મદદરૂપ થવાની ખેવના રાખે છે. આજે પણ રુદ્રપુરી સેવા સહકારીમંડળીના કમિટી સભ્ય, વાલિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ સહિત ખેડૂતોને કોઈપણ સમસ્યા હોય ત્યારે તત્પર રહી મદદરૂપ થવાની ભાવના છે. નરેન્દ્રસિંહ આડમાર કહે છે કે, અમને તો ખેડૂતો માટે કંઈક કામ કરવાની તમન્ના છે. ક્યાંક કૃષિ તેમજ ઋષિનું કામ કરવા મારે અમે આગળ રહીએ છીએ. જેમાં કૃષિમાં ખેડૂતોના હિતમાં કામ કરવા માટે અને ઋષિમાં સંતો-મહંતો અતે અમે તત્પર હોય છે.

ડહેલી ગામના ૪૪ વર્ષીય રાજેન્દ્રભાઈ વેચાણભાઈ વસાવા પણ ગામના કામ માટે તત્પર રહેતા હોય છે. ડહેલી ગામમાંથી ૫૬  વર્ષીય ખુમાનભાઈ વેચાણભાઈ વસાવા લગભગ ૨૬ વર્ષથી અંદાજે ૭૦૦ લોકોને ડહેલીથી ભાવનગર નજીક રાજપરા ખોડિયાર માતાના મંદિરે પગપાળા ચાલતા લઇ જવાની ટેક લે છે, જેમાં નિષ્કામ સેવા કરનારાઓ ટ્રેક્ટર, ટેમ્પો સહિત પગપાળા ચાલનારને સેવા આપવા માટે સેવકો જોડતા હોય છે. એટલે જ તમામ વર્ગો માટે ડહેલી ગામ વર્ષોથી ધાર્મિકતા સાથે અતૂટ નાતો છે.

ડહેલી ગામના ઉત્સાહી ડો.દિગ્વિજયસિંહ બળવંતસિંહ બોરસીયા નવી લીડરશીપ તરીકે કામ કરવામાં આગળ આવી રહ્યા છે. આજે પણ તત્પર થઈ કામો કરવામાં આગળ આવતા હોય છે. જેને કારણે પ્રવૃત્ત થઇ ગયા છે. તેમનાં પત્ની ડહેલી ગ્રામ પંચાયતનાં ડેપ્યુટી સરપંચ વૈશાલીબેન બોરસીયા હોવાથી ગામનાં કામો કરવામાં આગળ હોય છે. ગામમાં પેવર બ્લોક, શક્ય હોય એમ આરસીસી રોડ, ગટરલાઈન સહિતનાં કામો કરાવતા હોય છે. હજુ તો શરૂઆત હોવાથી ભવિષ્યમાં વધારે કામ કરાવવાનું આયોજન કર્યું છે.

– ડહેલી ગ્રામ પંચાયતના હોદ્દેદારોની ટીમ

સરપંચ-કવિતાબેન ખુમાનભાઈ વસાવા
ઉપ સરપંચ- વૈશાલીબેન દિગ્વિજયસિંહ બોરસીયા
તલાટી કમ મંત્રી-યોગીનીબેન ભટ્ટ                ૨)નારસિંગ વસાવા 
સભ્યો-૧) નારસિંગ સોમાભાઈ વસાવા
       ૨) કાર્તિક અરવિંદભાઈ વસાવા
       ૩)દિનેશભાઈ છીતુભાઈ મકવાણા
       ૪)વનિતાબેન વિનુભાઈ વસાવા
       ૫)પદ્માબેન સુરેશભાઈ વસાવા
       ૬)લીલાબેન ગોમાનભાઈ વસાવા
       ૭)મનીષાબેન મહિપાલસિંહ બોરસીયા

-ડહેલી ગામના પદાધિકારીઓની વિકાસ બાબતની વાત

ડહેલી ગામનાં સરપંચ ૫૫ વર્ષીય કવિતાબેન વસાવા કહે છે કે, અમારું વસતીના ધોરણે મોટું હોવાથી વિકાસનાં કામો કરવામાં તમામ પ્રયાસો કર્યા છે. તેમ છતાં હજુ ઘણાં કામો બાકી રહ્યાં છીએ અને ભવિષ્યમાં કરવામાં અમે તત્પર રહીશું. ડહેલીનાં ડેપ્યુટી સરપંચ વૈશાલીબેન બોરસીયા કહે છે કે, અમારો ધ્યેય વિકાસનાં કામો કરવાનો હતો. જેમાં અમે તમામ ફેસિલિટી ઊભી કરવામાં પ્રયાસમાં શક્ય એટલી સફળતા મેળવી છે. બાકી રહેલાં કામો પણ અમે ભવિષ્યમાં કરવાની અમારી તત્પરતા છે.

-ડહેલી ગામમાં વિકાસનાં કામો

ડહેલી ગામમાં ૧૫મુ નાણાપંચ, એટીવીટી, ગુજરાત પેટર્ન સહિતની અંદાજે ૫૦ લાખની ગ્રાન્ટ મળે છે, જેમાં હમણા સુધીમાં પેવર બ્લોક, આરસીસી રોડ, ગટર લાઈન, નાળાનાં કામો, વોટર વર્કસમાં પાણીની ટાંકી, બોર ટ્યુબવેલનાં કામો, ચારમાંથી ત્રણ આંગણવાડીનાં નવાં બનેલાં બિલ્ડિંગ્સ, કુમાર પ્રાથમિક શાળાની અદ્યતન બિલ્ડિંગ્સ, શારદા મંદિરના રિનોવેશનની કામગીરી સહિતનાં કામો થયાં છે.

-ડહેલી ગામ માટે ભવિષ્ય માટે આયોજન

૧) સીસીટીવી
૨)સંમ્પ
૩)૫ લાખ લીટર પાણીની ટાંકી
૪)લાઇબ્રેરી
૫)કોમ્યુનિટી હોલ
૬)ડોર ટુ ડોર કચરા માટે ટ્રેક્ટર લાવવાનું આયોજન
૭)આરઓ પ્લાન્ટ
૮)ત્રણ એન્ટ્રી ગેટ
૯)સ્ટ્રીટ લાઈટ
૧૦) ગેસ પાઈપલાઈન

-ચાર પેઢીના ૭૦ માણસોનું ડહેલીનું સંયુક્ત કુટુંબ

એક સૂર અને એક તાલ હોય તો સંયુક્ત કુટુંબની પરંપરા હોય છે. સાંપ્રત યુગમાં દિવસે ને દિવસે વટવા પરંપરા તૂટતી જાય છે. બીજી પેઢીમાં નોખા રહેવાનો હવે રિવાજ બની જતો હોય છે. પણ ડહેલી ગામમાં એક પાટીદાર પરિવાર “હમ સાથ સાથ હૈ”ના અતૂટ નાતો ચાર પેઢીથી નિભાવે છે. વર્ષો પહેલાં ડહેલીમાં પારસી કોમ્યુનિટીની લગભગ ૧૬૦ એકર જમીન છાણીના કણબી પાટીદાર ગોપાળભાઈ નાનાભાઈ પટેલે વેચાતી વસાવી હતી. એ વખતે આ જગ્યા ડુંગરાળ અને ટેકરાવાળી જમીનમાં ગોપાળભાઈએ ભારે પરિશ્રમ કર્યા બાદ આજે ફળદ્રુપ જમીન બની ગઈ. તેમના સંતાનમાં સાત દીકરાઓ પણ ખેતીના કામમાં જોતરાયેલા હતા. મહેનત કરવામાં ક્યારેય પાછીપાની ન કરી. ખેતીને જાણે પ્રોફેશનલ બનાવી હોય એમ હવે વાઘોડિયામાં નવી જમીન ખરીદી હોવાથી બે ભાઈ ત્યાં વ્યસ્ત રહે છે. તેમનાં બાળકો પણ એજ્યુકેટેડ થયા છતાં પણ ખેતીમાં વ્યવસાયમાં જોતરાઈ ગયા હતા. ખેતીમાં શાકભાજી, પપૈયાં, શેરડી અને કપાસનો પાક બનાવે છે. જો કે, ગોપાળભાઈ પટેલ હવે હયાત નથી. તેમ છતાં આજે પણ ચાર પેઢીના ૭૦ માણસો એક ચૂલે જમણવાર બનાવીને જમે છે. પરિવારમાં સમૂહ જીવન એ એક પારાશીશી છે. દિવસે દિવસે વડવાની પરંપરા તૂટતી જાય છે. સમૂહ જીવન એ આજના સમય માટે શક્યતા ઓછી છે. છતાં હજુ પણ એ જ પરંપરા ડહેલીના ચાર પેઢીના પાટીદાર સમાજે જીવંત રાખી છે. આજે પણ આ પરિવાર અનેક સમાજ માટે દૃષ્ટાંતરૂપ છે. જે ઘરમાં સમૂહ વ્યવસ્થા ન હોય ત્યાં આ ઘરની વ્યવસ્થા ઉદાહરણરૂપ વાત કરી શકાય એમ છે. શહેરીકરણના ઝાકઝમાળમાં ગામડાંમાં સંયુક્ત કુટુંબમાં સુખી જિંદગી વ્યતીત કરી રહ્યા છે.

-ડહેલીમાં સહકારી સંસ્થાઓ

૧) રુદ્રપુરી સેવા સહકારી મંડળી-ડહેલી
    પ્રમુખ-બળવંતસિંહ જમોલસિંહ બોરસીયા
૨) આઈશ્રી ખોડિયાર દૂધમંડળી
   પ્રમુખ-રમીલાબેન આર.વસાવા
    મંત્રી-રાજેન્દ્રભાઈ વસાવા

– ડહેલીમાં અનોખા શેરી ગરબા

નવલી નવરાત્રિમાં ડહેલી ગામે શેરી ગરબાનો અનોખો લ્હાવો મળે. જેના શ્વાસમાં ગરબા રમતા હોય એવા ડહેલીનાં જ શિક્ષિકા અને ગાયિકા ઇલાબેન જાદવ તથા કલાકાર અલ્પેશભાઈ પટેલ સહિત કલાકાર વૃંદો દ્વારા માંના ગરબા અલગ જ અનુભૂતિ કરાવે. ગરબા કોઈ પ્રોફેશનલ ન હોવા છતાં આદ્યા શક્તિના ગરબાનો અલગ જ અંદાજ કરાવતા હોય છે. વડોદરાના જાણીતા અતુલ પુરોહિતના ગરબા સાંભળવાનું મન થાય એ જ રિધમથી ડહેલીના ગરબા એક જ તારથી ગવાતા હોય છે. ઘણા સમયથી નવરાત્રિના ગરબા પણ ખલૈયાઓને હિલોળે ચઢાવે છે. આ વખતે વડોદરાના સંગીતના કલાકારોએ ડહેલી ગામે આવીને ગરબામાં રમઝટ બોલાવી હતી.

-ડહેલી ગામે કીમ નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં

વાલિયા-વાડી રોડ ઉપર ડહેલી ગામે ક્વોરી ઉદ્યોગ માટે ઉપયોગી કીમ નદી પર ૫૬ વર્ષ જૂના જર્જરિત બ્રિજને રિપેર નહીં કરવામાં આવે તો ગ્રામજનોએ આગામી ગ્રામસભામાં પ્રચંડ વિરોધ કરીને મુદ્દો ઉછાળવાનો તખ્તો તૈયાર કર્યો છે. આ બ્રિજ ૧૯૬૫માં કીમ નદી પર ભારેખમ વાહનોના વિકલ્પરૂપ તૈયાર કરાયા બાદ આજે ૫૬ વર્ષ પૂરાં થયાં છે. દર વખતે વાલિયા વાડી રોડ મરામત થતો હોવા છતાં આ બ્રિજ રિપેર કે નવો બનાવવાની કોઈનેય ફૂરસદ નથી. જેના કારણે જો ધ્યાન ન આપવામાં આવે તો કોઈ હોનારત થઈ શકે છે. ભૂતકાળમાં આ બ્રિજ પર પેરાફીટ તૂટી ગયા બાદ ભારે રજૂઆતોના પગલે મંદ વહીવટી તંત્રએ રિપેર કરાવી હતી. છતાં આ બ્રિજના કીમ નદી પરના બે પીલ્લર(પાયો)માંથી એક પાયો જમીનમાંથી લગભગ ૬ ફૂટ અધ્ધર થઇ ગયો છે. છતાં તંત્ર દ્વારા રખેવાળી કરાતી નથી. આ રોડ બ્લેક સ્ટોન ઉદ્યોગના ટ્રાન્સપોર્ટેશન માટે અતિ મહત્ત્વનો હોવા છતાં તંત્ર તદ્દન આળસુ હોવાથી બેદરકાર છે. ખાસ કરીને ડહેલી ગામના નોકરિયાતો માટે આ બ્રિજ વિકલ્પરૂપ છે. ગ્રામજનોનું કહેવું છે કે, વારંવાર રજૂઆતો છતાં કોઈ પડી નથી. જો અકસ્માત થાય તો તેની જવાબદારી રોડ અને બાંધકામ વિભાગ રહેશે. 

Most Popular

To Top