આપણે ત્યાં એવી ઘણી બાબતો છે જે બધે બનતી હોય છે પણ એના તરફ ધ્યાન અપાતું નથી અને બનાવ બન્યા પછી ઊહાપોહ,ફરિયાદ, પોલીસ તપાસ અને એ માટે જવાબદારી નક્કી કરવાનું પીંજણ કરવામાં આવે છે. પહેલાં તો મને એમ કે શાળાઓ નજીકનું આ ન્યુસન્સ હું જે વિસ્તારમાં રહું છું તે પૂરતું જ સીમિત હશે પણ હરતાં ફરતાં મેં બીજી સ્કૂલોમાં પણ જોયું અને તે એ કે શાળાઓ છૂટવાના સમયે જેને ટપોરી કહેવાય છે તેવાં તત્ત્વો ત્રિપલ સવારી સ્કુટર ઉપર શાળાના ગેટ અને સાંકડી ગલીઓ પર ધસી આવે છે અને દબંગ સ્ટાઇલથી વાહન ચલાવી ઘર તરફ જવા સ્કુટી પર નીકળેલી છોકરીઓને ગભરાવી મૂકે છે.
આમાં કયારેક છોકરીઓ પડી પણ જાય છે. આવા એક બનાવનો સાક્ષી હું બન્યો.અને એક નજીક ઊભેલા છોકરાને પૂછયું, તો એણે મને કહ્યું કે અંકલ એ અમારી સ્કૂલના વિદ્યાર્થી જ નથી. આ વાત ગંભીર ગણાય એમ મને લાગતાં ગેટ પાસે સ્ટૂલ પર બેઠેલા વોચમેનનું ધ્યાન દોર્યું.તો નફફટાઇપૂર્વક મને કહ્યું: ‘સાબ, યે કામ હમારા નહિ હૈ ‘.આ આખી ઘટનામાં ધારો કે કોઈ છોકરીને ગંભીર ઇજા થતાં ન બનવાનું બની જાય તો એ માટે કોને જવાબદાર ગણીશું?
સુરત -પ્રભાકર ધોળકિયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.