SURAT

વિધવાને તરછોડી: યુપીના યુવકે માંગમાં સિંધુર ભરી લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો

સુરત: શહેરના જહાંગીરપુરા ખાતે રહેતી વિધવા (Widow)ને શાદી ડોટ કોમ (Shaadi.com) મેટ્રોમોનિયલ સાઈટ પર સંપર્કમાં આવેલા યુપી (UP)ના યુવકે સુરત (Surat) આવી માંગમાં સિંધુર ભરી લગ્ન (Marriage)ની લાલચ આપી શરીર સંબંધ (Sex) બાંધ્યો હતો. ત્યારબાદ દિલ્લી (Delhi), અમદાવાદ (Ahmadabad)માં પણ લઈ ગયો હતો. બાદમાં લગ્ન કરવાની ના પાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

જહાંગીરપુરા ખાતે રહેતી 41 વર્ષીય પ્રાજક્તાબેન (નામ બદલ્યું છે) ના પતિનું વર્ષ 2018 માં બિમારીથી નિધન થયું હતું. પ્રાજક્તાબેન તેમના પુત્ર સાથે રહે છે અને ગુજરાન ચલાવવા પોતે ઓનલાઈન ફૂડ પાર્સલની કંપનીમાં નોકરી કરે છે. દોઢ વર્ષ પહેલા શાદી ડોટ કોમ મેટ્રોમોનિયલ સાઇટ ઉપર હર્ષવર્ધન ઉર્ફે મુકેશ આત્મા પ્રકાશ વર્મા (રહે, વિષ્ણુ વિહાર, જ્વાલાનગર, ઉત્તરપ્રદેશ) સાથે ઓળખ થઈ હતી. હર્ષવર્ધન સાથે વોટ્સએપ મેસેજ, વિડીયો કોલથી તથા ફોન પર વાતચીત કરતા હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા હર્ષવર્ધન પ્રાજક્તાને મળવા સુરત આવ્યો હતો.

28 નવેમ્બર 2020 ના રોજ સુરત આવી પ્રાજક્તાના પુત્રની સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. બાદમાં રાત્રે પ્રાજક્તાએ પુત્રને મિત્રના ઘરે મોકલી આપ્યો અને હર્ષવર્ધન સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ દિલ્લીમાં પાંચ દિવસ સાથે રહ્યા હતા. અમદાવાદમાં ગેસ્ટ હાઉસમાં ત્રણ દિવસ સાથે રહી બંને વચ્ચે શરીર સંબંધ બંધાયો હતો. લગ્ન માટે પુછતા હર્ષ વર્ધન એકાદ વર્ષનો સમય લાગશે તેમ કહી ટાળતો હતો. ગત 23 જુલાઈ 2021 ના રોજ હર્ષવર્ધને વોટ્સએપ કોલ કરીને પ્રાજક્તાને તુ મેરે ખિલાફ પોલીસ કમ્પ્લેન કીયો તો તેરે કો ઔર તેરે લડકે કો જાનસે માર દુગા ઔર બદનામ કર દુંગા તેવી ધમકી આપી ગંદી ગાળો આપી હતી. આ ઉપરાંત હર્ષવર્ધને બધા સોશિયલ મીડિયામાં પ્રાજક્તાને બ્લોક કરી દીધી હતી.

ફેસબુક ઉપર બીજા આઈડી પરથી પ્રાજક્તાને જાણ થઈ કે હર્ષવર્ધને બીજા લગ્ન કરી લીધા છે. ત્યારબાદ તેનો સંપર્ક નહીં થતા અંતે પ્રાજક્તા પોલીસના શરણે ન્યાય મેળવવા ગઈ હતી. અને રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top