કાબુલ : તાલિબાને (Taliban) કાબૂલ (Kabul)ની નજીકનું એક વ્યુહાત્મક પ્રાંતીય પાટનગર (Capital) કબજે કર્યું છે અને અફઘાનિસ્તાન (Afghanistan)ના ત્રીજા ક્રમના સૌથી મોટા શહેરની સંરક્ષણ હરોળ તોડીને તેણે આ હેરાત શહેર કબજે કર્યું છે, જે સાથે અમેરિકા (America)ના લશ્કરી મિશનનો અહીં અંત આવે તેના થોડા સપ્તાહો પહેલા જ દેશની મુશ્કેલીગ્રસ્ત સરકારનું શાસન વધુ સંકોચાયું છે કારણ કે આજે ગઝની અને હેરાત કબજે કરવા સાથે તાલીબાનોએ 11 પ્રાંતીય પાટનગરો કબજે કરી લીધા છે.
ગઝનીને કબજે કરીને તાલિબાનોએ અફઘાન રાજધાનીને દેશના દક્ષિણી પ્રાંતો સાથે જોડતો મહત્વનો ધોરીમાર્ગ કાપી નાખ્યો હતો, જે પછી મોડી રાતના અહેવાલ મુજબ હેરાત પણ તાલીબાનોના કબજામાં ગયું છે જે કાબૂલ નજીકનું મહત્વનું શહેર છે. અને આ શહેર જો તાલિબાનના કબજામાં આવી જવા સાથે તો લગભગ આખું પશ્ચિમ અફઘાનિસ્તાન તાલિબાનના કબજા હેઠળ આવી ગયું છે. દેશની રાજધાની કાબૂલ હજી સીધા હુમલા હેઠળ નથી પરંતુ ગઝનીના ગુમાવવાથી તથા અન્ય સ્થળોની લડાઇઓથી મક્કમ તાલિબાનની દેશ પરની પકડ વધુ મજબૂત બની છે અને અંદાજે બે-તૃતિયાંશ અફઘાનિસ્તાન પર હવે તાલિબાનોનો કબજો છે. આજે હેરાત પર કબજો મળ્યો તે તાલીબાનોની ઘણી મોટી સફળતા માનવામાં આવે છે.
હજારો લોકો તાલિબાનોનું દમનકારી શાસન ફરીથી આવશે એવા ભયથી પોતાના ઘર છોડીને ભાગી ગયા છે. કતારમાં ચાલતી મંત્રણાઓ થંભી ગઇ છે, જો કે રાજદ્વારીઓ આજે પણ મળ્યા હતા પણ મંત્રણાઓમાં પ્રગતિ થઇ ન હતી. તાલિબાનોની આ આગેકૂચ ઘણાને આશ્ચર્યજનક લાગે છે નવેસરથી એ પ્રશ્નો ઉઠયા છે કે અમેરિકા દ્વારા અફઘાન દળોને તાલીમ અને રિકન્સ્ટ્રકશન માટે ખર્ચવામાં આવેલા 830 અબજ ડોલર ક્યાં ગયા? ખાસ કરીને તાલિબાન લડાકુઓ અમેરિકામાં બનેલી હમ્વી જીપો અને પિકઅપ ટ્રકોમાં જ ફરી રહ્યા છે ત્યારે આ પ્રશ્નો ખાસ ઉઠી રહ્યા છે.