Sports

વર્લ્ડ કપ 2027નું આખું શેડ્યૂલ આવ્યું સામે, 7 ઑક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ભારતની પહેલી મેચ

ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહેરાત કરી દેવામાં આવી છે. ક્રિકેટની આ મોટી ટુર્નામેન્ટ 2 ઓક્ટોબર 2027થી શરૂ થશે અને 21 નવેમ્બરે ફાઇનલ મુકાબલો રમાશે. આ વખતે વર્લ્ડ કપનું આયોજન દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં કરવામાં આવશે. ટુર્નામેન્ટમાં કુલ 14 ટીમો ભાગ લેશે અને 12 સ્થળોએ કુલ 57 મેચ રમાશે. ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાની શરૂઆતની મેચ ઓસ્ટ્રેલિયા સામે કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો મુકાબલો 7 ઓક્ટોબરે કેપટાઉનમાં રમાશે. ત્યારબાદ ક્રિકેટ ચાહકો જે મુકાબલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 10 ઓક્ટોબરે રમાશે. બંને ટીમો જોહાનિસબર્ગમાં આમને-સામને થશે.

ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં સ્થાન આપવામાં આવ્યું છે. પાકિસ્તાન સામેની મેચ બાદ ભારતીય ટીમ 14 ઓક્ટોબરે સેન્ચુરિયનમાં અફઘાનિસ્તાન સામે રમશે. ત્યારબાદ 17 ઓક્ટોબરે ભારતનો મુકાબલો ક્વોલિફાયર-Aમાંથી આવનારી ટીમ સામે થશે. ભારતની લીગ સ્ટેજની છેલ્લી મેચ 24 ઓક્ટોબરે ઝિમ્બાબ્વે સામે રમાશે. 2027નો વનડે વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાના કુલ 12 વેન્યુ પર યોજાશે. તેમાં દક્ષિણ આફ્રિકાના 8, ઝિમ્બાબ્વેના 3 અને નામીબિયાના એક સ્થળનો સમાવેશ થાય છે. ત્રણેય દેશોમાં મળીને ટુર્નામેન્ટની કુલ 57 મેચ રમાડવામાં આવશે.

આ વર્લ્ડ કપમાં કુલ 14 ટીમો ભાગ લેશે. ટૂર્નામેન્ટના પ્રારંભિક તબક્કામાં ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે. બંને ગ્રૂપમાં છ-છ ટીમો હશે, જ્યારે શરૂઆતના તબક્કા બાદ બે ટીમો બહાર થઈ જશે અને બાકીની 12 ટીમો આગળના તબક્કામાં ટ્રોફી માટે સ્પર્ધા કરશે. ગ્રૂપ-Aમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન, ઝિમ્બાબ્વે અને ક્વોલિફાયર-Aમાંથી આવનારી ટીમનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ-Bમાં બાંગ્લાદેશ, ઇંગ્લૅન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને ક્વોલિફાયર-Bમાંથી આવનારી ટીમ રહેશે. હાલમાં 2027 વર્લ્ડ કપ માટે કુલ 10 ટીમોનું સ્થાન નક્કી થઈ ચૂક્યું છે. ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને વનડે રેન્કિંગના આધારે સીધું સ્થાન મળ્યું છે. યજમાન દેશ હોવાના કારણે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને પણ સીધી એન્ટ્રી મળી છે.

નામીબિયા પણ વર્લ્ડ કપનું સહ-યજમાન છે, પરંતુ તે ICCનું પૂર્ણ સભ્ય રાષ્ટ્ર ન હોવાથી તેને યજમાન તરીકે સીધી એન્ટ્રી મળી નથી. બાકીની ચાર ટીમો ક્વોલિફાયર રાઉન્ડમાંથી વર્લ્ડ કપમાં સ્થાન મેળવશે. વેસ્ટ ઈન્ડિઝ પણ આ ક્વોલિફાયર રાઉન્ડમાં રમશે. ભારતીય ટીમ માટે આ વર્લ્ડ કપ ખાસ મહત્વનો રહેશે. 2023માં ભારતમાં યોજાયેલા વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલ સુધીનો પ્રવાસ કર્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થયો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને છઠ્ઠી વખત વનડે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલમાં અગાઉ પણ મુકાબલો થઈ ચૂક્યો છે. 2003માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા વર્લ્ડ કપની ફાઇનલમાં સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો. હવે 2027ના વર્લ્ડ કપમાં ભારત ફરી એક વખત ખિતાબ માટે મેદાનમાં ઉતરશે. ટુર્નામેન્ટની શરૂઆત 2 ઓક્ટોબરે થશે અને 21 નવેમ્બરે ફાઇનલ રમાશે. ખાસ કરીને 10 ઓક્ટોબરે જોહાનિસબર્ગમાં રમાનારી ભારત-પાકિસ્તાન મેચ પર દુનિયાભરના ક્રિકેટ ચાહકોની નજર રહેશે. જોકે આ મેચ પહેલા ભારતીય ટીમ 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે પોતાની વર્લ્ડ કપ સફરની શરૂઆત કરશે.

Most Popular

To Top