Business

ફ્રાન્સ ફરી એક વાર કામદાર અજંપાની પકડમાં

હાલમાં ફ્રાન્સ એક ગંભીર સામાજિક અને આર્થિક અસ્થિરતાના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને તેમની મધ્યમ-જમણેરી સરકાર દ્વારા આગામી વર્ષના બજેટમાં કરવામાં આવેલા ભારે આર્થિક કાપના પ્રસ્તાવ સામે જનતામાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને અન્ય સરકારી સેવાઓમાં મૂકાતા આર્થિક કાપ તેમજ મોંઘવારીને કારણે દેશભરમાં વિદ્યાર્થીઓ અને વિવિધ જાહેર ક્ષેત્રનાં કર્મચારીઓ રસ્તા પર ઊતરી આવ્યાં છે. \

૨૯મી સપ્ટેમ્બરે ફ્રાન્સનાં અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ અને કામદારોએ રેલીઓ અને વિરોધ પ્રદર્શનો યોજ્યાં હતાં જેના કારણે ૨૦૨૦ના યલો વેસ્ટ વિરોધ પ્રદર્શનોની પણ યાદ તાજી થઇ હતી. વડા પ્રધાન સેબાસ્ટિયન લેકોર્નૂના વહીવટીતંત્રે કૂદકે ને ભૂસકે વધતી રાજકોષીય ખાધને નિયંત્રણમાં લેવા માટે ૫૪ અબજ યુરોની બચત ઝુંબેશનું આયોજન કર્યું હતું. શિક્ષકો, આરોગ્ય સંભાળ સ્ટાફ, પોલીસ અધિકારીઓ અને અગ્નિશામકો કામકાજ છોડીને હડતાળ પર ઊતર્યાં હતાં અને દેશભરમાં આશરે ૧૫૫ વિરોધ પ્રદર્શનો યોજ્યાં હતાં.

બીજી બાજુ વર્ગખંડોમાં વધુ પડતી ભીડ, શિક્ષકોની અછત અને નબળી સુવિધાઓના મુદ્દે હાઇસ્કૂલનાં વિદ્યાર્થીઓએ ડઝનબંધ શાળાઓ બંધ કરાવી દીધી હતી. સોફી બાઇનેટના નેતૃત્વ હેઠળના CGT સહિતનાં મુખ્ય યુનિયનોએ સરકારને સરકારી ખર્ચમાં કરાયેલો કાપ પાછો ખેંચવા અથવા લાંબા ગાળાની હડતાળનો સામનો કરવા અલ્ટિમેટમ આપ્યું હતું. સરકારી ખર્ચમાં પ્રસ્તાવિત કાપ અને વેતન સ્થગિતતાના વિરોધમાં ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સમગ્ર ફ્રાન્સમાં જાહેર ક્ષેત્રનાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ દેશવ્યાપી હડતાળ પાડીને રસ્તાઓ રોક્યા હતા. સરકારે ૨ અબજ યુરો બચાવવા માટે ૨૦૨૭ માટે સરકારી કર્મચારીઓના મૂળ વેતનવધારાને સ્થગિત રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુનિયનો જણાવે છે કે ઊંચા ફુગાવા અને બળતણના ભાવ વચ્ચે સતત વાર્ષિક વેતન સ્થગિતતાને કારણે ખરીદશક્તિમાં બે આંકડાનો ઘટાડો થયો છે.

કરકસરના સરકારનાં પગલાંઓને કારણે શાળાઓની અને શિક્ષણની હાલત પણ બગડી રહી છે તેથી વિદ્યાર્થીઓ પણ મેદાને પડ્યાં છે, બીજી તરફ કામદાર વર્ગની તો કફોડી હાલત છે જ. દેશભરમાં હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓએ વર્ગખંડોમાં અતિશય ભીડ, શિક્ષકોની અછત અને શિક્ષણ ક્ષેત્રે ફંડિંગની કમી સામે વિરોધ નોંધાવતાં ડઝનબંધ શાળાઓની નાકેબંધી કરી છે. શિક્ષણ મંત્રાલયના અહેવાલો મુજબ દેશની આશરે ૧૦ ટકાથી વધુ હાઈસ્કૂલો આ આંદોલનથી પ્રભાવિત થઈ છે.

પેરિસ અને લીલ જેવાં શહેરોમાં વિદ્યાર્થીઓએ શાળાઓના પ્રવેશદ્વાર રોકીને પોલીસ દમન અને નાણાંકીય કાપ સામે બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે પ્રદર્શનો કર્યાં હતાં. સરકારી કર્મચારીઓ અને ટ્રેડ યુનિયનો પણ આ આંદોલનમાં સક્રિય રીતે જોડાયાં છે. સરકાર દ્વારા ૨૦૨૭ના બજેટમાં આશરે ૫૪ અબજ યુરોની બચત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેના અંતર્ગત સરકારી કર્મચારીઓના મૂળભૂત પગારવધારાને સ્થગિત કરવાનો પ્રસ્તાવ છે. યુનિયનોનો દાવો છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સતત પગારવધારો સ્થગિત રહેવાને કારણે કામદારોની ખરીદશક્તિમાં બે આંકડાનો ઘટાડો થયો છે. આ વિરોધ પ્રદર્શનમાં શિક્ષકો, હોસ્પિટલ કર્મચારીઓ તેમજ વ્યાવસાયિક ફાયરફાઇટર્સ પણ જોડાયાં છે.

ફાયરફાઇટર્સનું કહેવું છે કે ઉનાળા દરમિયાન લાગેલી ભીષણ આગ વખતે સાધનો અને સંસાધનોની ભારે અછત છતી થઈ હતી. આ સામાજિક અસંતોષે ફ્રાન્સની રાજકીય સ્થિતિને વધુ નાજુક બનાવી દીધી છે. પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને વડા પ્રધાન સેબસ્ટિયન લેકોર્નૂની સરકાર સામે જનતાનો અસંતોષ સતત વધી રહ્યો છે. ઓપિનિયન પોલ્સ દર્શાવે છે કે મેક્રોન સરકારની લોકપ્રિયતા તળિયે પહોંચી ગઈ છે. દેશની રાજકોષીય ખાધ નિયંત્રણ બહાર જઈ રહી છે અને આર્થિક વૃદ્ધિ દર અપેક્ષા કરતાં ધીમો રહેવાની શક્યતા છે, જેના કારણે સરકાર માટે આર્થિક સંતુલન જાળવવું મુશ્કેલ બની રહ્યું છે.

બીજી તરફ, વિપક્ષી નેતાઓ આ સ્થિતિનો રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કટ્ટર-ડાબેરી નેતા જીન-લ્યુક મેલેન્ચોને સરકાર પર જાહેર સેવાઓને નષ્ટ કરવાનો આરોપ લગાવીને બજેટ પ્લાન સામે લોકોને એકજૂથ થવા હાકલ કરી છે. આગામી પ્રમુખપદની ચૂંટણીનાં સર્વેક્ષણો દર્શાવે છે કે અતિ જમણેરી નેશનલ રેલીના નેતા મરીન લે પેન અને મેલેન્ચોન પ્રમુખપદની રેસમાં આગળ ચાલી રહ્યા છે, જેમાં લે પેન સૌથી મજબૂત દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે. 

બીજી તરફ ઈરાન સાથેના સંઘર્ષને કારણે ઊર્જાના ભાવમાં થયેલા વધારા સામે સરકારે રાહત આપવાના પ્રયાસો કર્યા છે, પરંતુ તે જનતાના આક્રોશને શાંત કરવામાં નિષ્ફળ રહ્યા છે. ફ્રાન્સ હાલમાં આર્થિક શિસ્ત જાળવવા માટે બજેટમાં કાપ મૂકવાની મજબૂરી અને બીજી તરફ જનતા તથા કામદાર વર્ગના આક્રોશ વચ્ચે ઝૂલી રહ્યું છે. આમ પણ ફ્રાન્સમાં આર્થિક અસમાનતાનું પ્રમાણ ઊંચું છે અને તેને કારણે સામાન્ય કામદાર વર્ગમાં અજંપો સર્જાતો રહે છે. યલો વેસ્ટ પ્રદર્શનો પછી ફ્રાન્સ ફરી એક વાર કામદાર અજંપાની સ્થિતિનો સામનો કરી રહ્યું છે અને આ વખતે તેમાં વિદ્યાર્થી અજંપો પણ ઉમેરાયો છે.

Most Popular

To Top