સંગીતકાર આરોહી અને ગૌતમ ડાભીની ટીમ દ્વારા ૪ નવા ગરબા લોન્ચ; સાક્ષાત્ ચાચર ચોક જેવો ભક્તિમય માહોલ ઊભો કરાશે
વડોદરા:
સંસ્કારી નગરી વડોદરામાં નવરાત્રીના મહાપર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ગરબાપ્રેમીઓ અને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે યોજાનારા ‘વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ૨૦૨૬’ ( vnf) માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આયોજકો દ્વારા આ વખતની વિશેષ થીમ અને તૈયારીઓની વિગતો જાહેર કરવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્ષે ‘વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ’માં ડેકોરેશન માટે પ્રકૃતિ અને સંસ્કૃતિના સુમેળ સમી કેસુડાના ફૂલ ની થીમ પસંદ કરવામાં આવી છે . આ થીમ આધારિત આકર્ષક ડેકોરેશનની પ્રથમ ઝાંખી સત્તાવાર રીતે ખુલ્લી મૂકવામાં આવી હતી. દર વર્ષે VNFના અનોખા અને ભવ્ય ડેકોરેશન માટે ગરબાપ્રેમીઓમાં જે ઉત્સુકતા અને અપેક્ષા હોય છે, તેને ધ્યાનમાં રાખીને આ વખતે કેસુડાના ફૂલોની મનોહર થીમથી આખું મેદાન સજાવવામાં આવશે, જેથી માઇભક્તો અને ખેલૈયાઓને એક અનોખો અનુભવ પ્રાપ્ત થાય.

ગરબા ઉત્સવમાં સંગીત અને સ્વરોનું પણ વિશેષ મહત્વ હોય છે. આ પ્રસંગે ગાયક વૃંદ આરોહી, ગૌતમ ડાભી અને તેમની ટીમે ખાસ નવરાત્રી માટે ચાર નવા ગરબાની રચના કરી છે. આ ચારેય ગરબાનું લાઈવ પરફોર્મન્સ પણ રજૂ કરવામાં આવ્યું હતું. વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના ૨૦૦થી વધુ બ્રાન્ડ એમ્બેસેડરોએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને આ નવા ગરબાના તાલે લાઈવ પરફોર્મન્સ સાથે ગરબે ઘૂમીને વાતાવરણને ભક્તિમય અને ઉત્સવમય બનાવી દીધું હતું.

વડોદરાવાસીઓ ને VNF ના આયોજક મયંક પટેલે ખાતરી આપતાં જણાવ્યું છે કે આ વખતનું આયોજન અત્યંત સુચારુ, સુવ્યવસ્થિત અને સુરક્ષિત રહેશે. સમગ્ર ગરબા મેદાનમાં સાક્ષાત્ મા અંબાનો ચાચર ચોક હોય અને ભક્તિનો ભાવ જાગૃત થાય તેવા પવિત્ર અને ભવ્ય વાતાવરણનું નિર્માણ કરવામાં આવશે.
નવલખી મેદાન ખાતે ખુલ્લી મૂકાયેલી આ ઝાંખી અને તૈયારીઓને જોતાં સ્પષ્ટ થાય છે કે આ વર્ષે પણ વડોદરામાં નવરાત્રી ઉત્સવ એક અનોખી રંગત અને ભવ્યતા સાથે ઉજવાશે.