સુરત શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે વિકસાવવામાં આવી રહેલા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ (MMTH)નું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સુરત રેલવે સ્ટેશન, ST બસ, BRTS, સિટી બસ અને ભવિષ્યની મેટ્રો સેવા એક જ સ્થળે જોડાશે. એટલે મુસાફરોને એક વાહન વ્યવસ્થામાંથી બીજી વ્યવસ્થામાં જવા માટે અલગ-અલગ સ્થળે જવાની જરૂર નહીં પડે. આ સમગ્ર પ્રોજેક્ટને ડિસેમ્બર 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સુરત મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબનું નિર્માણ રેલવે મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત સાહસ સુરત ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SITCO) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આશરે 2.5 લાખ ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલો આ પ્રોજેક્ટ સુરતની જાહેર પરિવહન વ્યવસ્થામાં મોટો ફેરફાર લાવી શકે છે.
MMTHમાં સુરત રેલવે સ્ટેશન સાથે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમનું ઇન્ટરસ્ટેટ બસ ટર્મિનલ (ISBT), સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સિટી બસ સેવા, BRTS કોરિડોર અને ભવિષ્યની મેટ્રો કનેક્ટિવિટીને જોડવાની યોજના છે. આ રીતે રેલવે, બસ અને મેટ્રો જેવી અલગ-અલગ પરિવહન સેવાઓ માટે એક જ સંકલિત કેન્દ્ર ઊભું થશે. હબમાં મુસાફરો અને વાહનોની અવરજવર માટે કુલ છ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બનાવવામાં આવશે. આ ઉપરાંત આશરે 5 કિલોમીટર લાંબો એલિવેટેડ રોડ કોરિડોર પણ બનાવવામાં આવી રહ્યો છે. આ રોડના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવતા મુસાફરો અને જાહેર પરિવહનનાં વાહનોને MMTH સાથે વધુ સીધી અને સરળ કનેક્ટિવિટી મળી શકશે.
આ સમગ્ર પ્રોજેક્ટને બે તબક્કામાં વિકસાવવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કાનું કામ ડિસેમ્બર 2022માં શરૂ થયું હતું અને તેના માટે રૂ. 877.78 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ તબક્કામાં ઈસ્ટ અને વેસ્ટ સાઇડ સ્ટેશન બિલ્ડિંગ, GSRTC ISBT, કોનકોર્સ, થ્રુ રૂફ, સ્કાયવોક, GSRTC વર્કશોપ, બસ પાર્કિંગ અને બાહ્ય વિકાસ જેવા કામનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કાનું અત્યાર સુધીમાં 51 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં સૌથી ઝડપી આગળ વધતા કામોમાં GSRTC ISBT બિલ્ડિંગનો સમાવેશ થાય છે. આ બિલ્ડિંગનું લગભગ 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. 33,188 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવી રહેલી આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત બે માળ હશે. ભવિષ્યમાં કોમર્શિયલ ઉપયોગ માટે વધારાના માળની પણ જોગવાઈ રાખવામાં આવી છે.
ઈસ્ટ સાઇડ સ્ટેશન બિલ્ડિંગનું આશરે 45 ટકા કામ પૂર્ણ થયું છે. જ્યારે વેસ્ટ સાઇડ સ્ટેશન બિલ્ડિંગ માટે ડિઝાઇન અને સ્ટ્રક્ચરલ ડ્રોઇંગને મંજૂરી મળી ચૂકી છે. સ્ટેશનના વિવિધ ભાગોને જોડતા કોનકોર્સનું પણ કામ ચાલી રહ્યું છે. આશરે 12,325 ચોરસ મીટર વિસ્તારમાં બનનારા કોનકોર્સનું 43 ટકા કામ પૂર્ણ થયું છે. મુસાફરોને અલગ-અલગ પ્લેટફોર્મ સાથે જોડવા માટેના માળખાકીય કામ પણ આગળ વધ્યાં છે. પ્લેટફોર્મ 4થી પ્લેટફોર્મ 2 અને 3 વચ્ચેના માળખાકીય કામ પૂર્ણ થઈ ચૂક્યાં છે. અત્યાર સુધીમાં 41 ગર્ડર લોન્ચ કરવામાં આવ્યા છે. સીડીઓ, એસ્કેલેટર અને છતનું કામ પણ ચાલી રહ્યું છે.
પ્લેટફોર્મ 2 અને પ્લેટફોર્મ 1 વચ્ચેના જોડાણનું કામ દિવાળીની ભીડ બાદ શરૂ કરવાની યોજના છે. આ ઉપરાંત થ્રુ રૂફનું લગભગ 45 ટકા કામ પૂર્ણ થયું છે. GSRTC વર્કશોપનું પણ 75 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. MMTHના બીજા તબક્કામાં સૌથી મહત્વનું કામ 5 કિલોમીટર લાંબા એલિવેટેડ રોડ કોરિડોરનું છે. આ તબક્કાનું કામ ઓગસ્ટ 2024માં શરૂ થયું હતું અને તેના માટે રૂ. 372.91 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. બીજા તબક્કાનું અત્યાર સુધીમાં 42 ટકા કામ પૂર્ણ થયું છે.
રેલવે સિવાયના આશરે 4.8 કિલોમીટર વિસ્તારમાં એલિવેટેડ રોડ માટે પાઇલિંગનું કામ પણ ઝડપથી આગળ વધ્યું છે. કુલ 795 પાઇલમાંથી 605 પાઇલનું કામ પૂર્ણ થઈ ગયું છે. 160 પાઇલ કેપમાંથી 110નું કામ પૂરું થયું છે, જ્યારે કુલ 174 પિયરમાંથી 90 પિયર તૈયાર થઈ ચૂક્યાં છે. આ ઉપરાંત 364માંથી 183 ગર્ડર કાસ્ટ થઈ ગયા છે અને 54 ગર્ડરનું ઇરેકશન પૂર્ણ થયું છે. MMTHનું કામ પૂર્ણ થયા બાદ તેની સૌથી મોટી વિશેષતા તેની મોટી પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા રહેશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આ હબમાં દરરોજ 6.25 લાખથી વધુ મુસાફરોની અવરજવર સંભાળવાની ક્ષમતા ઊભી થશે. સુરત જેવા ઝડપથી વિકસતા શહેરમાં રેલવે અને જાહેર પરિવહનનો ઉપયોગ કરતા મુસાફરોની સંખ્યા સતત વધતી હોવાથી આ પ્રકારનું સંકલિત પરિવહન કેન્દ્ર મહત્વનું બની શકે છે.
મુસાફરોને એક પરિવહન માધ્યમમાંથી બીજા માધ્યમમાં સરળતાથી ટ્રાન્સફર થઈ શકે તે માટે હબનું આયોજન કરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન પરથી બહાર નીકળીને ST બસ, સિટી બસ, BRTS અથવા ભવિષ્યમાં મેટ્રો સુધી પહોંચવા માટે મુસાફરોને સરળ માર્ગ અને કનેક્ટિવિટી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં માત્ર પરિવહનની સુવિધા જ નહીં પરંતુ મુસાફરોની સુવિધા અને સુરક્ષાને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. બિલ્ડિંગમાં દિવ્યાંગ મુસાફરો માટે અનુકૂળ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. સ્માર્ટ સ્ટેશન માટે આધુનિક સિસ્ટમ પણ વિકસાવવામાં આવશે. મુસાફરોની અવરજવર સરળ બનાવવા માટે કુલ 40 લિફ્ટ અને 70 એસ્કેલેટર બનાવવાની જોગવાઈ છે.
MMTHનો ઉપયોગ માત્ર મુસાફરોની અવરજવર પૂરતો મર્યાદિત નહીં રહે. સ્ટેશન બિલ્ડિંગ, કોનકોર્સ અને એલિવેટેડ કોરિડોર સાથેના વિસ્તારોમાં ભવિષ્યમાં કોમર્શિયલ વિકાસની પણ મોટી શક્યતા રાખવામાં આવી છે. અહીં રિટેલ સ્પેસ, ઓફિસ અને હોસ્પિટાલિટી ઝોન વિકસાવી શકાય તેવી જોગવાઈ કરવામાં આવી છે. ઈસ્ટ અને વેસ્ટ સાઇડ સ્ટેશન બિલ્ડિંગ ઉપરાંત GSRTC ISBTમાં પણ ભવિષ્યમાં કોમર્શિયલ માળ વિકસાવી શકાય તે માટે જગ્યા રાખવામાં આવી છે. આથી પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આ સમગ્ર વિસ્તાર માત્ર પરિવહનનું કેન્દ્ર જ નહીં, પરંતુ કોમર્શિયલ પ્રવૃત્તિઓ માટે પણ મહત્વનું સ્થળ બની શકે છે. હાલમાં પ્રથમ તબક્કાનું 51 ટકા અને બીજા તબક્કાનું 42 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. બાકી રહેલા કામને આગળ વધારીને સમગ્ર MMTH પ્રોજેક્ટને ડિસેમ્બર 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સુરતના રેલવે, બસ, BRTS અને મેટ્રો પરિવહનને એક જ કેન્દ્ર સાથે જોડાણ મળશે અને શહેરમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરતા લાખો મુસાફરો માટે મુસાફરી વધુ સુવ્યવસ્થિત બનવાની અપેક્ષા છે.