Vadodara

ન્યૂ એરા સ્કૂલમાં વિદ્યાર્થીના વીજ કરંટથી મોત મામલે સંચાલકો સામે FIR કેમ નહીં?

પેરેન્ટ્સ એસોસિએશનની પોલીસને રજૂઆત

કિશોર પિલાઇ સહિતના સભ્યો ફતેગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યા
યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલન, પોલીસ કમિશનર કચેરી બહાર ધરણા અને કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારાઈ

વડોદરા તા. 17

ફતેગંજની ન્યૂ એરા સ્કૂલમાં ફૂટબોલ પ્રેક્ટિસ દરમિયાન વીજ કરંટ લાગતાં ધોરણ-11ના 15 વર્ષીય વિદ્યાર્થી દેવ પ્રશાંત શાહના મોતના મામલે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશને નિષ્પક્ષ તપાસ અને FIRની માંગ કરી છે. એસોસિએશનના કિશોર પિલાઇ સહિતના સભ્યોએ ગુરુવારે ફતેહગંજ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈને રજૂઆત કરી હતી. બાળકના મોત મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની, પોલીસ કમિશનર કચેરી બહાર ધરણા કરવાની તેમજ કોર્ટનો સહારો લેવાની ચીમકી આપવામાં આવી હતી.

ન્યૂ એરા સ્કૂલમાં 15 ઓગસ્ટના રોજ ફૂટબોલ પ્રેક્ટિસ દરમિયાન વીજ કરંટ લાગવાથી 15 વર્ષીય વિદ્યાર્થી દેવ પ્રશાંત શાહનું મોત થયું હતું. આ ગંભીર ઘટનામાં જવાબદારી નક્કી કરવા માટે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસની માંગ કરવામાં આવી છે.
મૃતકના પિતા ડો. પ્રશાંત શાહ દ્વારા ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદમાં ઘટનાની તપાસ કરી લાગુ કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે. ફરિયાદમાં MGVCL દ્વારા 16 ઓગસ્ટે કરાયેલા સ્થળ નિરીક્ષણના પંચનામાનો પણ ઉલ્લેખ છે. જેમાં શાળાના મેદાન આસપાસના વાયરિંગમાં શોર્ટ સર્કિટ તથા ઇન્સ્યુલેશનને નુકસાન થયાનું નોંધાયું હોવાનું જણાવાયું છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ વિદ્યાર્થીનું મૃત્યુ વીજ કરંટ લાગ્યા બાદ થયેલા શોક સાથે જોડાયેલ હોવાનું જણાવાયું છે. પેરેન્ટ્સ એસોસિએશને શાળાના ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનની સ્થિતિ, જાળવણી, નિયમિત નિરીક્ષણ અને વિદ્યાર્થીઓની સલામતી માટે લેવાયેલા પગલાં સહિતના મુદ્દે તપાસની માંગ કરી છે. તેમજ MGVCL પંચનામું, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય દસ્તાવેજોના આધારે જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.
17 સપ્ટેમ્બરે કિશોર પિલાઇ સહિતના સભ્યોએ ફતેહગંજ પોલીસને રજૂઆત કરી હતી. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની તેમજ પોલીસ કમિશનર કચેરી બહાર ધરણા અને કોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Most Popular

To Top