SURAT

શ્રીજીના આગમન સાથે બ્રાહ્મણો પણ વ્યસ્ત: સુરતમાં ગણેશ સ્થાપના માટે અગાઉથી સમય બુક કરાવવો પડ્યો

સુરતમાં ગણેશોત્સવ દરમિયાન 80 હજારથી વધુ ગણેશ પ્રતિમાની સ્થાપના થતાં કર્મકાંડી બ્રાહ્મણોની ડિમાન્ડમાં નોંધપાત્ર વધારો થયો છે. ગણેશજીની સ્થાપના માટે શુભ મુહૂર્તમાં વિધિ કરાવવા માટે ભક્તો અને ગણેશ મંડળોએ અગાઉથી જ બ્રાહ્મણોનો સંપર્ક કરીને સમય બુક કરાવવો પડ્યો હતો. શહેરમાં ગણેશ સ્થાપનાની સંખ્યા મોટી હોવા સામે કર્મકાંડી બ્રાહ્મણોની સંખ્યા પ્રમાણમાં ઓછી હોવાથી અનેક બ્રાહ્મણોનું આખા દિવસનું શેડ્યૂલ પહેલેથી જ નક્કી થઈ ગયું હતું. ઘણા મંડપોમાં શ્રીજીની પ્રતિમા પહોંચી ગઈ હતી, શણગાર પણ પૂર્ણ થઈ ગયો હતો અને પૂજા માટેની તમામ સામગ્રી સાથે આયોજકો અને ભક્તો તૈયાર હતા. જોકે, ગણેશજીની સ્થાપના કરાવવા માટે બ્રાહ્મણની રાહ જોવી પડી હતી. કેટલાક સ્થળે બ્રાહ્મણને અગાઉથી સમય આપેલો હોવા છતાં અન્ય મંડપમાં પૂજા ચાલી રહી હોવાથી થોડો વિલંબ થયો હતો. તેમ છતાં ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓ બાપ્પાની સ્થાપના માટે ધીરજપૂર્વક રાહ જોતા જોવા મળ્યા હતા.

ઉત્સવપ્રિય સુરતમાં ઘરો ઉપરાંત વિવિધ વિસ્તારોમાં ગણેશ મંડળો દ્વારા પણ મોટી સંખ્યામાં શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. દરેક મંડપ અને ઘરમાં શુભ મુહૂર્ત પ્રમાણે વિધિપૂર્વક સ્થાપના કરાવવા માટે કર્મકાંડી બ્રાહ્મણની જરૂર રહે છે. ખાસ કરીને જે ગણેશ મંડળો વર્ષોથી એક જ બ્રાહ્મણ પાસે સ્થાપના કરાવે છે, તેમણે આ વખતે પણ અગાઉથી સંપર્ક કરીને સમય નક્કી કરી લીધો હતો. એક જ બ્રાહ્મણને શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા મંડપોમાં પહોંચવાનું હોવાથી તેમના માટે પણ સમયનું ચોક્કસ આયોજન કરવું પડ્યું હતું. કર્મકાંડી બ્રાહ્મણ રૂપેશ પંડ્યાના જણાવ્યા મુજબ ગણેશોત્સવ દરમિયાન અનેક ગણેશ મંડળો સ્થાપના માટે અગાઉથી બ્રાહ્મણનો સંપર્ક કરે છે. સુરતમાં ગણેશ સ્થાપનાની સંખ્યા મોટી હોવાથી તેની સરખામણીએ કર્મકાંડી બ્રાહ્મણોની સંખ્યા ઓછી છે. જેના કારણે એક જ બ્રાહ્મણને એક દિવસમાં 8થી 10 જેટલી ગણેશ સ્થાપના કરાવવી પડે છે. આ વખતે સવારે 7 વાગ્યાથી સ્થાપનાનો દોર શરૂ કરીને રાતના 9 વાગ્યા સુધી અલગ અલગ સ્થળે પહોંચીને વિધિ કરાવવાનું આયોજન હતું.

એક સ્થળે પૂજા પૂર્ણ થયા બાદ બીજા સ્થળે પહોંચવા માટે વાહનવ્યવહાર અને અંતરના કારણે સમય લાગી શકે છે. જો એક મંડપમાં પૂજા થોડા સમય માટે લંબાય તો તેની અસર બીજા સ્થળના કાર્યક્રમના સમય પર પણ પડે છે. આ કારણે બ્રાહ્મણો માટે ગણેશોત્સવના દિવસે માત્ર પૂજા કરાવવાની જ નહીં પરંતુ એક સ્થળેથી બીજા સ્થળે સમયસર પહોંચવાની પણ મોટી જવાબદારી રહે છે. કર્મકાંડી બ્રાહ્મણ હાર્દિક ઉપાધ્યાયના જણાવ્યા મુજબ સવારે કેવડા ત્રીજની વિધિ પૂર્ણ થયા બાદ ગણેશ સ્થાપનાનો દોર શરૂ થયો હતો. અગાઉથી નક્કી કરાયેલા સમય પ્રમાણે અલગ અલગ મંડપ અને ઘરોમાં પહોંચીને સ્થાપના કરાવવાની હતી. એક જ દિવસે અનેક સ્થળે કાર્યક્રમ હોવાથી સમયનું આયોજન કરીને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવું પડતું હતું. કેટલાક સ્થળે બ્રાહ્મણ પહોંચે ત્યાં સુધી ભક્તો પૂજા સામગ્રી તૈયાર રાખીને રાહ જોઈ રહ્યા હતા. સમય થોડો આગળ વધ્યો હોવા છતાં બાપ્પાની સ્થાપના માટે રાહ જોતા ભક્તોમાં ઉત્સાહ યથાવત જોવા મળ્યો હતો.

ગણેશોત્સવ દરમિયાન માત્ર ગણેશજીની સ્થાપના માટે જ નહીં પરંતુ સત્યનારાયણ કથા માટે પણ કર્મકાંડી બ્રાહ્મણોની ડિમાન્ડ વધી છે. ગણેશોત્સવના દસ દિવસ દરમિયાન અનેક ઘરો અને ગણેશ મંડળો દ્વારા સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવે છે. તેમાં પણ રવિવારના દિવસે કથા કરાવવાનો આગ્રહ વધુ રહેતો હોવાથી આ દિવસે બ્રાહ્મણોનું અગાઉથી બુકિંગ કરાવવું પડી રહ્યું છે. રવિવાર રજાનો દિવસ હોવાથી ગણેશ મંડળના સભ્યો ઉપરાંત પરિવારજનો અને આસપાસના લોકો પણ કથામાં મોટી સંખ્યામાં જોડાઈ શકે છે. તેથી અનેક મંડળો અને મહોલ્લાઓમાં રવિવારે જ કથા રાખવાનું પસંદ કરવામાં આવે છે. પરિણામે એક જ દિવસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં કથાના કાર્યક્રમોનું આયોજન થતાં બ્રાહ્મણોની વ્યસ્તતા વધુ વધી જાય છે.

કર્મકાંડી બ્રાહ્મણોના જણાવ્યા મુજબ એક સત્યનારાયણ કથા માટે સામાન્ય રીતે લગભગ બે કલાક જેટલો સમય ફાળવવો પડે છે. આ ઉપરાંત એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાનો સમય પણ જરૂરી હોવાથી એક બ્રાહ્મણ રવિવારે વધુમાં વધુ ત્રણથી ચાર કથા જ કરાવી શકે છે. તેથી કથા માટે પણ અગાઉથી સમય નક્કી કરાવવો જરૂરી બની ગયો છે. ગણેશોત્સવના દસ દિવસ દરમિયાન કથા માટે સતત માંગ રહેતી હોવાથી ઘણા આયોજકો પહેલેથી જ બ્રાહ્મણોનો સંપર્ક કરીને દિવસ અને સમય નક્કી કરી રહ્યા છે. ખાસ કરીને રવિવારના કાર્યક્રમો માટે વહેલી બુકિંગ થઈ જતી હોવાથી છેલ્લી ઘડીએ બ્રાહ્મણ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. ગણેશજીની સ્થાપના અને સત્યનારાયણ કથા બંનેના કાર્યક્રમોમાં વધારો થતાં ગણેશોત્સવના દિવસોમાં કર્મકાંડી બ્રાહ્મણો માટે વ્યસ્તતા ચરમસીમાએ પહોંચી છે.

શહેરમાં એક તરફ ગણેશ મંડળો અને ઘરોમાં બાપ્પાના આગમનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ગણેશજીની સ્થાપના અને ધાર્મિક વિધિઓ કરાવતા બ્રાહ્મણો માટે આ દિવસો સતત દોડધામભર્યા બની ગયા છે. વહેલી સવારથી શરૂ થતી પૂજાની પ્રક્રિયા રાત સુધી ચાલતી હોવાથી અનેક બ્રાહ્મણો માટે ગણેશોત્સવનો સમય ધાર્મિક વિધિઓની સાથે સતત પ્રવાસ અને સમયના ચોક્કસ આયોજનનો પણ બની ગયો છે.

Most Popular

To Top