સુરત શહેરમાં સવારથી અવિરત વરસાદ વરસતાં જનજીવન પર તેની સીધી અસર જોવા મળી હતી. વહેલી સવારથી નોકરી-ધંધા અને અન્ય કામ માટે ઘરેથી નીકળેલા લોકો માટે વરસાદી પાણી અને ટ્રાફિકજામ મુશ્કેલીનું કારણ બન્યા હતા. શહેરના કેટલાક મુખ્ય માર્ગો પર પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વરસાદના કારણે કેટલાક રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોએ ધીમી ગતિએ પસાર થવું પડ્યું હતું, જેના કારણે ટ્રાફિકનું દબાણ પણ વધ્યું હતું. રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ સવારથી શહેર અને જિલ્લામાં હળવાથી ભારે વરસાદના ઝાપટાં ચાલુ રહ્યા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અગાઉ વરસાદમાં વિરામ પડતાં ગરમી અને બફારાથી લોકો પરેશાન થયા હતા, ત્યારે ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
સવારે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ સમય જતાં શહેરના કેટલાક વિસ્તારોમાં વધુ જોરદાર બન્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારો તેમજ વાહનવ્યવહારના કેટલાક મુખ્ય માર્ગો પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. સહારા દરવાજા ગરનાળાથી લઈને ઉધના-નવસારી રોડ સુધી વરસાદી પાણીના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક સ્થળોએ રસ્તા પર પાણીનું પ્રમાણ વધતાં વાહનચાલકોએ વાહનો ધીમે ચલાવવાની ફરજ પડી હતી. વરસાદ અને પીક અવર્સમાં વધેલા વાહનવ્યવહારના કારણે રિંગરોડ પર પણ એક તબક્કે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. મુખ્ય માર્ગો પર વાહનોની સંખ્યા વધતા વરસાદી પાણી સાથે ટ્રાફિકનું દબાણ પણ વધ્યું હતું. નોકરી-ધંધા માટે નીકળેલા લોકો ટ્રાફિકમાં અટવાતા તેમના રોજિંદા કામકાજ પર પણ અસર પડી હતી. કેટલાક લોકોને પોતાના ગંતવ્ય સુધી પહોંચવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગ્યો હતો.
સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધીમાં સુરતના વિવિધ ઝોનમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સેન્ટ્રલ ઝોનમાં 15 મીમી, રાંદેરમાં 3 મીમી, કતારગામમાં 8 મીમી, વરાછા ઝોન-એમાં 17 મીમી, વરાછા ઝોન-બીમાં 13 મીમી, લિંબાયતમાં 12 મીમી, અઠવામાં 12 મીમી અને ઉધના ઝોનમાં 10 મીમી વરસાદ નોંધાયો હતો. શહેરમાં એક તરફ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગરમી તથા બફારામાંથી લોકોને રાહત મળી હતી, તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યાએ વાહનચાલકોની મુશ્કેલી વધારી હતી. ખાસ કરીને વહેલી સવારના સમયે કામકાજ માટે નીકળેલા લોકો માટે વરસાદ અને ટ્રાફિક બંને પડકારરૂપ બન્યા હતા. વરસાદનું જોર યથાવત રહેતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પર પણ નજર રાખવામાં આવી રહી છે. જો વરસાદ સતત ચાલુ રહે તો આગામી કલાકોમાં વધુ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. હાલ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે જનજીવન ધીમું પડ્યું છે, જ્યારે વાહનચાલકોને પાણી ભરાયેલા રસ્તાઓ અને ટ્રાફિકજામના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.