ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. હાલ ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિધાનસભા સંકુલને ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે. કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ પોલીસે સમગ્ર વિધાનસભા સંકુલમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા વિધાનસભા સંકુલના અલગ-અલગ વિસ્તારોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે તપાસ દરમિયાન અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે સુરક્ષા તંત્ર દ્વારા સમગ્ર પરિસરની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
આ ધમકી એવા સમયે મળી છે જ્યારે આજે જ અમદાવાદ અને ગાંધીનગરની કેટલીક શાળાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેઇલ મળ્યા હતા. શાળાઓને મળેલી ધમકીઓ બાદ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો દોડતી થઈ હતી. અનેક સ્થળોએ સાવચેતીના ભાગરૂપે પરિસર ખાલી કરાવવામાં આવ્યા હતા. આ ઘટનાઓ વચ્ચે હવે ગુજરાત વિધાનસભાને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાં સુરક્ષા તંત્ર વધુ સતર્ક બન્યું છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી ઝાયડસ સ્કૂલના ઈમેઇલ આઈડી પર સવારે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતો ઈમેઇલ મળ્યો હતો. શાળા સંચાલકોને ધમકીની જાણ થતાં જ તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વેજલપુર પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો શાળાએ પહોંચી હતી. સાવચેતીના ભાગરૂપે શાળા ખાલી કરાવવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.
બીજી તરફ, બોપલની DPS સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઇલ મળ્યો હોવાનું સામે આવ્યું હતું. ધમકીની જાણ થતાં જ શાળા પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું. આ સમાચાર ફેલાતાં જ મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોની સલામતીને લઈને ચિંતિત બન્યા હતા અને શાળાએ પહોંચી ગયા હતા. અનેક વાલીઓ પોતાના બાળકોને ઘરે લઈ ગયા હતા. શાળાઓ બાદ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને પણ ઈમેઇલ મારફતે બોમ્બની ધમકી મળતાં કોર્ટ પરિસરમાં પણ દોડધામ મચી હતી. સુરક્ષાના કારણોસર કોર્ટમાં હાજર વકીલો, પક્ષકારો અને સ્ટાફને પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટ પરિસરમાં પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.
હવે આ જ કડીમાં ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સમગ્ર સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. વિધાનસભાની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ સંકુલની અંદર અને આસપાસ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષા કર્મચારીઓ દ્વારા દરેક જગ્યાએ ચકાસણી કરવામાં આવી રહી છે. આ ધમકીભર્યા ઈમેઇલ પાછળ કોણ છે અને ઈમેઇલ ક્યાંથી મોકલવામાં આવ્યો છે તે શોધવા માટે સાયબર ક્રાઈમની ટીમ પણ તપાસ કરી રહી છે. ઈમેઇલની ટેક્નિકલ વિગતોના આધારે મોકલનાર સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અગાઉ પણ વિવિધ કોર્ટ અને મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટ અને સુરત કોર્ટ સહિતના સ્થળોને પણ આવી ધમકીઓ આપવામાં આવી હતી. કેટલીક ઘટનાઓમાં તપાસ બાદ ધમકી આપનારા લોકો સુધી પોલીસ પહોંચી હતી. જેના કારણે હાલની ધમકીઓને લઈને પણ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કોઈ જોખમ લેવા માંગતી નથી. હાલ તમામ સ્થળોએ સાવચેતીના ભાગરૂપે સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. જોકે ધમકી વાસ્તવિક છે કે માત્ર અફવા ફેલાવવા અથવા સુરક્ષા તંત્રને ગેરમાર્ગે દોરવા માટે કરવામાં આવી છે તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. હાલ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.