સમયસર પ્રક્રિયા પૂર્ણ નહીં કરનારી શાળાઓનું સીધું બાહ્ય-મૂલ્યાંકન થશે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.3
નેપ 2020 અંતર્ગત રાજ્યમાં અમલી બનેલા ગુજરાત સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક ના ઓનલાઇન સ્વ-મૂલ્યાંકન માટેની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. અગાઉ 31 ઓગસ્ટ હતી તે તારીખ હવે વધારીને 8 સપ્ટેમ્બર 2026 કરવામાં આવી છે.
રાજ્ય સરકારને આ ફ્રેમવર્ક અંગે શાળાઓ અને સંચાલક મંડળો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. 1 સપ્ટેમ્બર સુધીના આંકડા મુજબ રાજ્યની કુલ શાળાઓ પૈકી 76 ટકા એટલે કે 40,678 શાળાઓએ સ્વ-મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરી દીધી છે, જ્યારે 18 ટકા શાળાઓમાં પ્રક્રિયા ચાલુ છે. હજુ પણ 5 ટકા એટલે કે 2,714 શાળાઓમાં કામગીરી શરૂ જ થઈ નથી. કાર્યરત અને બિન-કાર્યરત શાળાઓ તેમજ શિક્ષક-સંચાલક મંડળોની રજૂઆતોને ધ્યાને લઈ સરકારે મુદત લંબાવી છે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સુધારેલી સમયમર્યાદામાં પણ કામગીરી પૂર્ણ નહીં કરનારી શાળાઓનું શિક્ષણ વિભાગ દ્વારા નિમાયેલા નિષ્ણાત વેરીફાયર્સ દ્વારા સીધું બાહ્ય-મૂલ્યાંકન હાથ ધરવામાં આવશે. નિયત સમયમાં જોડાનારી ન હોય તેવી શાળાઓ સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. જેમાં પ્રાથમિક શાળાઓ માટે આરટીઈ નિયમો અને ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 હેઠળ ડીપીઈઓ દ્વારા માન્યતા રદ કરવા સુધીના પગલાં, જ્યારે ધો. 9 થી 12 ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જીએસએચએસઈબીના નિયમો અનુસાર નોંધણી પ્રમાણપત્ર રદ, બોર્ડ પરીક્ષા કેન્દ્રની માન્યતા રોકવી અને નવા વર્ગો શરૂ કરવાની મંજૂરી સ્થગિત કરવા જેવા પગલાં લેવામાં આવશે.