National

હવે નાનપણથી જ AIનું શિક્ષણ, CBSEએ શાળામાં ધોરણ 3થી 8માં AI અને Computational Thinking ફરજિયાત ભણાવાશે

CBSEએ શાળા શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને આધુનિક ટેક્નોલોજીને વધુ મહત્વ આપતા એક મોટો નિર્ણય લીધો છે. બોર્ડે ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે ‘કોમ્પ્યુટેશનલ થિંકિંગ’ અને AI આધારિત નવું અભ્યાસક્રમ માળખું જાહેર કર્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નાનપણથી જ તાર્કિક વિચારશક્તિ, સમસ્યાનું નિરાકરણ કરવાની ક્ષમતા અને ડિજિટલ ટેક્નોલોજી અંગેની સમજ વિકસાવવાનો છે. CBSEના જણાવ્યા અનુસાર, આ નવું કરિકુલમ માત્ર વિદ્યાર્થીઓને ટેક્નોલોજીનો ઉપયોગ શીખવવા પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે અને તેની પાછળનું તર્ક શું છે તેની પણ સમજ આપશે. વિદ્યાર્થીઓમાં લોજિકલ થિંકિંગ, પેટર્ન ઓળખવાની ક્ષમતા, અલ્ગોરિધમિક વિચારસરણી, સર્જનાત્મકતા અને વ્યવસ્થિત રીતે સમસ્યાનું સમાધાન શોધવાની કુશળતા વિકસાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

નવા અભ્યાસક્રમ હેઠળ બાળકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મૂળભૂત ખ્યાલો, રોજિંદા જીવનમાં તેના ઉપયોગ અને જવાબદાર રીતે ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી આપવામાં આવશે. CBSEનું માનવું છે કે આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ માત્ર ટેક્નોલોજીના વપરાશકર્તા જ નહીં, પરંતુ ભવિષ્યમાં તેના સર્જક પણ બની શકે તે માટે આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થશે. આ પહેલને વધુ અસરકારક બનાવવા માટે CBSEએ IIT ગાંધીનગરના સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ સાથે મળીને ‘3030 એકલવ્ય કોમ્પ્યુટેશનલ થિંકિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ નામની ઓનલાઈન શ્રેણી પણ શરૂ કરી છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રવૃત્તિ આધારિત અભ્યાસ સામગ્રી, ઇન્ટરેક્ટિવ સત્રો અને STEM શિક્ષણ સંબંધિત નવીનતાઓ વિશે માહિતી આપવામાં આવશે. તેનો હેતુ AI અને Computational Thinking જેવા વિષયો સરળ અને પ્રાયોગિક રીતે સમજાવવાનો છે.

રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો IIT ગાંધીનગરના એકલવ્ય પોર્ટલ પર નોંધણી કરાવી શકશે. આ કાર્યક્રમના લાઈવ સત્રો 15 ઓગસ્ટથી શરૂ થશે. દર રવિવારે સાંજે 4 વાગ્યે કુલ આઠ ઓનલાઈન સત્રો યોજાશે. CBSE સંલગ્ન શાળાઓના શિક્ષકોને આ કાર્યક્રમ અંતર્ગત દરેક એપિસોડ માટે 3 CPD (Continuous Professional Development) કલાકનો લાભ મળશે. નિર્ધારિત શરતો પૂર્ણ કરનારને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આ ઓનલાઈન શ્રેણીમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કુલ 8 એપિસોડ માટે 200ની ફી ચૂકવવાની રહેશે.

CBSEએ વધુમાં જણાવ્યું છે કે NCERT સાથે મળીને એવો અભ્યાસક્રમ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં સરળતાથી અભ્યાસ કરી શકે અને વિષયને વધુ સારી રીતે સમજી શકે. આ પહેલ નવી શિક્ષણ નીતિના ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે AI અને Computational Thinking જેવા વિષયોનો પ્રારંભિક ધોરણોથી સમાવેશ થવાથી વિદ્યાર્થીઓ ભવિષ્યની ટેક્નોલોજી આધારિત દુનિયા માટે વધુ સારી રીતે તૈયાર થઈ શકશે અને તેમની વિશ્લેષણાત્મક તથા સર્જનાત્મક વિચારશક્તિમાં પણ વધારો થશે.

Most Popular

To Top