SURAT

સુરતમાં 25 દિવસમાં ત્રીજીવાર ખાડી પૂર, રસ્તા, ઘરો અને વેપારધંધા પાણીમાં ડૂબ્યા, સારોલી-ખાડીપુર પાણીમાં ગરકાવ

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવી રહેલા પાણીના કારણે સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાડીઓમાં પાણીનું સ્તર સતત વધતાં ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે, જેના કારણે સારોલી અને ખાડીપુર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. છેલ્લા માત્ર 25 દિવસમાં આ ત્રીજી વખત ખાડી પૂર આવતા સ્થાનિક રહીશો અને વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખાડીનું પાણી ફરી એકવાર સારોલી ગામ અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયું છે. અનેક રહેણાંક વિસ્તારોમાં 3થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ જતાં લોકોના ઘરોમાં રાખેલો ઘરવખરીનો સામાન, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને અન્ય ચીજવસ્તુઓને ભારે નુકસાન થયું છે. ઘણા પરિવારોને ઘરમાં જ રહેવું મુશ્કેલ બન્યું છે, જ્યારે કેટલાક લોકોને સલામત સ્થળે જવાની ફરજ પડી છે.

પૂરની અસર માત્ર રહેણાંક વિસ્તારો સુધી મર્યાદિત રહી નથી. સારોલીના બજાર વિસ્તારમાં આવેલી અનેક દુકાનોમાં પણ પાણી ઘૂસી જતાં વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે. દુકાનોમાં રહેલો માલસામાન પાણીમાં પલળી જતાં વેપારીઓ ચિંતામાં મુકાયા છે. સતત ત્રીજી વખત આવી સ્થિતિ સર્જાતા વેપાર-ધંધા પર પણ ગંભીર અસર પડી રહી છે. આ વખતે પણ સારોલી પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું છે. છેલ્લા 25 દિવસમાં ત્રીજી વખત પોલીસ મથકમાં પાણી ભરાતા રોજિંદી કામગીરી પર અસર પડી છે. પોલીસ સ્ટેશનમાં પાણી ઘૂસતાં દસ્તાવેજો, સાધનો અને અન્ય કામગીરીમાં મુશ્કેલીઓ ઉભી થઈ છે.

પૂરના પાણી ભરાયાને બીજા દિવસમાં પણ પાણી ઓસર્યું નથી. પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા ન હોવાથી સમગ્ર વિસ્તાર હજુ પણ પાણીમાં ડૂબેલો છે. અનેક રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવાથી વાહનવ્યવહાર લગભગ ઠપ થઈ ગયો છે. લોકો માટે ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. સ્થાનિક રહીશોને દૂધ, શાકભાજી, દવાઓ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા માટે પણ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતાં લોકોના રોજિંદા જીવન પર ગંભીર અસર પડી છે.

માત્ર 25 દિવસમાં ત્રણ વખત પૂર જેવી સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં આ જ સમસ્યા સર્જાય છે, છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. લોકોનો આરોપ છે કે પ્રી-મોન્સૂન કામગીરી અને ખાડીઓની સફાઈ માત્ર કાગળ પર જ કરવામાં આવે છે, જેના કારણે વરસાદ પડતા જ ખાડીઓ ઓવરફ્લો થઈ જાય છે અને પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જાય છે. સ્થાનિક વેપારીઓનું પણ કહેવું છે કે વારંવાર પૂર આવવાને કારણે તેમને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. દર વખતે માલસામાન બગડે છે, વેપાર બંધ રાખવો પડે છે અને સામાન્ય સ્થિતિમાં પરત ફરવામાં ઘણો સમય લાગી જાય છે. તેમણે તંત્ર પાસે અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા અને ખાડીઓની યોગ્ય સફાઈ કરવાની માંગ કરી છે. રહીશોએ માંગ કરી છે કે દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાય તે પહેલાં તંત્ર કાયમી આયોજન કરે, પાણીના નિકાલની વ્યવસ્થા મજબૂત બનાવે અને ખાડીઓની સમયસર સફાઈ કરીને લોકોને વારંવાર પૂરનો સામનો કરવો ન પડે તેની ખાતરી કરે.

Most Popular

To Top