ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ટોયોટા ફોર્ચ્યુનર લાંબા સમયથી ફૂલ-સાઈઝ SUV સેગમેન્ટમાં લોકોની પહેલી પસંદ રહી છે. હવે કંપની આ લોકપ્રિય SUV ના નેક્સ્ટ જનરેશન મોડેલ પર ઝડપથી કામ કરી રહી છે. તાજેતરના મીડિયા અહેવાલો મુજબ, નવી ફોર્ચ્યુનર આવતા વર્ષના અંત સુધીમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે. આ નવી SUV ને નેક્સ્ટ જનરેશન હાઈલક્સ (Hilux) ના પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવશે, અને ભારતના રસ્તાઓ પર તેની ટેસ્ટિંગ દરમિયાનની તસવીરો પણ વારંવાર સામે આવી રહી છે.
અગાઉ કરતાં વધુ મસ્ક્યુલર અને આકર્ષક ડિઝાઈન
ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થયેલી નવી ફોર્ચ્યુનર ભલે પૂરી રીતે કવર થયેલી હતી, પરંતુ તેના કેટલાક મુખ્ય ડિઝાઈન એલિમેન્ટ્સ સ્પષ્ટપણે જોવા મળ્યા છે:
- ફ્રન્ટ લૂક: નવી કારમાં આઈબ્રો સ્ટાઈલ LED DRLs, પહેલા કરતાં મોટી ફ્રન્ટ ગ્રીલ, નવું ફ્રન્ટ બમ્પર અને સ્પિલટ LED હેડલેમ્પ્સ જોવા મળશે, જે તેને વધુ એગ્રેસિવ લૂક આપે છે.
- રિયર લૂક: પાછળના ભાગમાં નવી ડિઝાઈનની ટેલલાઈટ્સ, વધુ ચોરસ પ્રોફાઈલ અને મસ્ક્યુલર બોડી પ્રોફાઈલ મળશે, જેનાથી તેની રોડ પ્રેઝન્સ પહેલા કરતાં પણ દમદાર બનશે.
કેબિન અને ઈન્ટિરિયરમાં મોટા ફેરફારો
નવી ફોર્ચ્યુનરનું ઈન્ટિરિયર પહેલા કરતાં વધુ પ્રીમિયમ અને ટેક-સેવી બનાવવામાં આવી રહ્યું છે. હાઈલક્સ જેવું નવું કેબિન લેઆઉટ જોવા મળી શકે છે. મનોરંજન અને સેફ્ટી માટે તેમાં નીચે મુજબના હાઈ-ટેક ફીચર્સ મળશે:
- 12.3 ઇંચની મોટી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ
- 12.3 ઇંચનું ફુલ્લી ડિજીટલ ડ્રાઈવર ડિસ્પ્લે
- એડવાન્સ્ડ ડ્રાઈવર અસિસ્ટન્સ સિસ્ટમ (ADAS)
- નવું ઈલેક્ટ્રિક પાવર સ્ટીયરીંગ અને OTA (ઓવર-ધ-એર) સોફ્ટવેર અપડેટ્સ
એન્જિન ઓપ્શન્સમાં મોટા ફેરફારની શક્યતા ઓછી
ગ્લોબલ માર્કેટમાં હાઈલક્સને પેટ્રોલ, ડીઝલ, હાઈબ્રિડ અને હાઈડ્રોજન ફ્યુઅલ સેલ જેવા અનેક વિકલ્પો સાથે રજૂ કરાઈ છે. પરંતુ ભારતીય વેરિઅન્ટમાં એન્જિનને લઈને મોટા ફેરફારો થવાની શક્યતા ઓછી છે.
હાલની ફોર્ચ્યુનરમાં મળતું 2.8 લીટર ડીઝલ એન્જિન (મેન્યુઅલ અને ઓટોમેટિક) અને 2.7 લીટર પેટ્રોલ એન્જિન (ઓટોમેટિક) જ નવા મોડેલમાં પણ જાળવી રાખવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. કંપની આ વખતે પાવરટ્રેન કરતા ડિઝાઈન, કેબિન કમ્ફર્ટ અને નવી ટેકનોલોજી પર વધુ ફોકસ કરી રહી છે.