National

દિલ્હી જંતર-મંતર પર તોડફોડ અને મંત્રીના પુત્રને હનીટ્રેપમાં ફસાવવાનું હતું કાવતરું, જૈશ-એ-મોહમ્મદના આતંકીનો પર્દાફાશ

પશ્ચિમ બંગાળ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ બર્ધમાન જિલ્લામાંથી ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદના કથિત ઓપરેટિવ હમીમ મંડલ અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. STFના જણાવ્યા મુજબ હમીમ દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસનો યુનિફોર્મ પહેરી ઘૂસવાની અને તોડફોડ મચાવવાની તૈયારી કરી રહ્યો હતો.

STFના આઈજી ગૌરવ શર્માએ જણાવ્યું કે હમીમે કેટલાક રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓને પણ નિશાન પર રાખ્યા હતા. સમગ્ર મામલે તપાસ સતત આગળ વધી રહી છે.

પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સંપર્ક હોવાનો દાવો

તપાસ દરમિયાન હમીમના મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી મહત્વની માહિતી મળી હોવાનું STFએ જણાવ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તે વોટ્સએપ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ દ્વારા માહિતી એકત્ર કરતો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર હમીમ પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં હતો અને રાજકીય નેતાઓની હિલચાલ પર પણ નજર રાખતો હોવાના સંકેતો મળ્યા છે.

ગર્લફ્રેન્ડની પણ ધરપકડ

આ કેસમાં STFએ શુક્રવારે રાત્રે અર્પિતા સરકાર નામની મહિલાની પણ ધરપકડ કરી છે. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ તે હમીમની સાથી અને ગર્લફ્રેન્ડ છે. અહેવાલો અનુસાર અર્પિતાએ પશ્ચિમ બંગાળના એક રાજ્ય મંત્રીના પુત્રને હની ટ્રેપમાં ફસાવવાની યોજના બનાવી હતી.

મંત્રીના પુત્રના અપહરણની પણ સાજિશ

તપાસમાં સામે આવ્યું છે કે હમીમ અને અર્પિતાએ મંત્રીના પુત્રનું અપહરણ કરીને તેના પરિવાર પાસેથી ખંડણી વસૂલવાની યોજના ઘડી હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધી મળેલા પુરાવા પરથી એવું લાગી રહ્યું છે કે સમગ્ર કાવતરું પાકિસ્તાની હેન્ડલર્સના માર્ગદર્શન હેઠળ ઘડાયું હોઈ શકે છે. જોકે આ તમામ આરોપોની તપાસ હજુ ચાલુ છે.

તપાસનો વ્યાપ વધારાયો

STF હવે સમગ્ર નેટવર્ક અને તેમાં સંડોવાયેલા અન્ય લોકોની ઓળખ કરવા માટે તપાસનો વ્યાપ વધારી રહી છે. ડિજિટલ પુરાવા, કોલ રેકોર્ડ અને સોશિયલ મીડિયા એક્ટિવિટીની પણ વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.

સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર

તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓની ઘટનાઓને ધ્યાનમાં રાખીને દેશભરની સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે. બંગાળ STFએ જણાવ્યું કે આ કેસ સાથે જોડાયેલા તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને જો કોઈ મોટું આતંકી કાવતરું સામે આવશે તો તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top