આસામમાં આવેલા વિનાશક પૂરના કારણે લાખો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને હજારો પરિવારોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે. આવી કપરા સમયે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે. તેમણે પોતાની ચેરિટેબલ સંસ્થા ‘Being Human’ અને આસામના સત્તાવાર ફેન ક્લબ સાથે મળીને રાહત અભિયાન શરૂ કર્યું છે. અહેવાલો મુજબ, સલમાન ખાન હાલ મુંબઈમાં પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવા છતાં આસામની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
રાહત અભિયાનના પ્રથમ તબક્કામાં સૌથી વધુ અસરગ્રસ્ત શિવસાગર અને આસપાસના વિસ્તારો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ગુવાહાટીથી જરૂરી સામગ્રી અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહી છે. સ્થાનિક સ્વયંસેવકો લોકો સુધી સીધી મદદ પહોંચાડવા માટે મેદાનમાં સતત કાર્યરત છે. પૂરના કારણે અનેક વિસ્તારોમાં રસોઈ બનાવવી શક્ય ન હોવાથી લોકોને તરત ઉપયોગમાં લઈ શકાય તેવા ખાદ્યપદાર્થો આપવામાં આવી રહ્યા છે. રાહત કિટમાં બિસ્કિટ, ગોળ, પૌઆ, મમરા, બ્રેડ, ચીઝ અને જામ જેવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રયત્ન એ છે કે દરેક અસરગ્રસ્ત પરિવારને ઓછામાં ઓછા ત્રણ દિવસ પૂરતું ભોજન મળી રહે.
ભોજન ઉપરાંત પીવાનું શુદ્ધ પાણી, પાણી શુદ્ધ કરવાની ટેબ્લેટ્સ, મચ્છરોથી બચવા માટેની સામગ્રી અને મહિલાઓ માટે સેનિટરી પેડ્સનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેથી પૂર બાદ ફેલાઈ શકે તેવા રોગચાળાને રોકવામાં મદદ મળી શકે. સલમાન ખાનની આ પહેલ માત્ર તાત્કાલિક રાહત પૂરતી મર્યાદિત નથી. આગામી તબક્કામાં અસરગ્રસ્ત પરિવારોને રાશન કિટ અને જરૂરી દવાઓ પહોંચાડવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ત્યારબાદ પૂરના પાણી ઓસર્યા પછી નુકસાન પામેલી શાળાઓ અને હોસ્પિટલોના પુનઃનિર્માણ માટે પણ ‘Being Human’ દ્વારા સહયોગ આપવામાં આવશે, જેથી અસરગ્રસ્ત વિસ્તારો ફરીથી સામાન્ય સ્થિતિમાં આવી શકે. સલમાન ખાનની આ માનવતાવાદી પહેલ બાદ બોલિવૂડના અન્ય કલાકારો પણ આસામના પૂર પીડિતોની મદદ માટે આગળ આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પહેલને સોશિયલ મીડિયા પર પણ લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.