સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ થયો છે. કિંગ ચાર્લ્સ ત્રીજાએ રંગારંગ સમારોહ દરમિયાન 23મી કોમનવેલ્થ ગેમ્સને સત્તાવાર રીતે ખુલ્લી જાહેર કરી હતી. આગામી 11 દિવસ સુધી ચાલનારી આ રમતોમાં 74 દેશો અને પ્રદેશોના 3,000થી વધુ ખેલાડીઓ વિવિધ રમતોમાં પોતાની પ્રતિભા અજમાવશે. ભારતે પણ 124 સભ્યોના દળ સાથે પોતાની ઝુંબેશ શરૂ કરી છે અને આજે 5 અલગ-અલગ રમતોમાં ભારતીય ખેલાડીઓ મેદાનમાં ઉતરશે.
કિંગ ચાર્લ્સની હાજરીમાં ભવ્ય ઉદ્ઘાટન
ગ્લાસ્ગોના ધ હાઇડ્રોમાં યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં કિંગ ચાર્લ્સ ત્રીજા અને ક્વીન કેમિલા ઉપસ્થિત રહ્યા હતા. સ્કોટલેન્ડમાં ચોથી વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે. સમારોહ દરમિયાન વિશાળ કર્વ્ડ LED ડિસ્પ્લે પર લોચ નેસ, કેલ્પીઝ અને એડિનબર્ગ કાસલ સહિત સ્કોટલેન્ડના જાણીતા પ્રતિકો રજૂ કરવામાં આવ્યા હતા. રાજપરિવારે પણ સોશિયલ મીડિયા પર આ સમારોહને “અવિસ્મરણીય સાંજ” ગણાવ્યો હતો.
આજે ભારતના ખેલાડીઓ પર રહેશે નજર
- પેરા પાવરલિફ્ટિંગમાં ભારતને પ્રથમ મેડલની સૌથી મોટી આશા.
- જિમ્નાસ્ટિક્સમાં પુરુષ ટીમ અને વ્યક્તિગત સ્પર્ધાની શરૂઆત.
- સ્વિમિંગમાં શ્રીહરી નટરાજ અને પેરા સ્વિમર બુડિગીનાની સ્પર્ધા.
- લોન બાઉલ્સમાં ભારતીય મહિલા અને પુરુષ ખેલાડીઓની મહત્વપૂર્ણ મેચ.
- બોક્સિંગમાં જાદુમણી સિંહનો પ્રથમ મુકાબલો.
પેરા પાવરલિફ્ટિંગમાં મેડલની મોટી આશા
ભારત માટે આજે સૌથી વધુ અપેક્ષા પેરા પાવરલિફ્ટિંગમાંથી છે. અશોક કુમાર મલિક, પરમજીત કુમાર, જસપ્રીત કૌર, સુમન દેવી, કસ્તુરી રાજામણી, ઝંડુ કુમાર અને સુધીર વિવિધ વેઈટ કેટેગરીમાં સ્પર્ધા કરશે.
લોન બાઉલ્સમાં રૂપા રાણી તિર્કી અને પિંકી દક્ષિણ આફ્રિકાની જોડી સામે ટકરાશે. બીજી તરફ, પ્રથમ દિવસે વિશ્વ ચેમ્પિયન રાયન બેસ્ટરને હરાવીને મોટો અપસેટ સર્જનાર પુતુલ સોનોવાલ હવે ફૉકલેન્ડ આઇલેન્ડ્સના સેસિલ એલેક્ઝાન્ડર સામે રમશે.
જિમ્નાસ્ટિક્સમાં તપેશ્વરનાથ દાસ, સ્વાથિશ KP, તપન મહાન્તિ અને યોગેશ્વર સિંહ. સ્વિમિંગમાં ઓલિમ્પિયન શ્રીહરી નટરાજ પુરુષોની 50m બેકસ્ટ્રોક હીટ્સમાં જ્યારે પેરા સ્વિમર બુડિગીના 100m ફ્રીસ્ટાઇલ S13 હીટ્સમાં ઉતરશે.
બોક્સિંગમાં જાદુમણી સિંહ પુરુષોની 55kg કેટેગરીના રાઉન્ડ ઑફ 32માં સ્કોટલેન્ડના એરોન કુલેન સામે રમશે.
2030 યજમાનીની તૈયારી વચ્ચે ભારતનો મોટો સંદેશ
કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કોમનવેલ્થ સેક્રેટરી જનરલ શર્લી આયોર્કોર બોચ્વે સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ખેલો ભારત નીતિ, ASMITA લીગ્સ, મહિલા ભાગીદારી, ગ્રાસરૂટ્સ સ્પોર્ટ્સ અને ભારતની 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની તૈયારી અંગે ચર્ચા થઈ હતી.
ભારત કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી 19મી વખત ભાગ લઈ રહ્યું છે. 2002 પછીની દરેક આવૃત્તિમાં ભારત ટોચના 5 દેશોમાં સ્થાન મેળવતું આવ્યું છે અને છેલ્લી સતત 6 આવૃત્તિઓમાં 50થી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. તેથી ગ્લાસ્ગોમાં પણ ભારત પાસેથી વધુ એક સફળ અભિયાનની અપેક્ષા રાખવામાં આવી રહી છે.