સુરત: દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે જાહેર કરેલા ‘રેડ એલર્ટ’ બાદ સુરત જિલ્લા પ્રશાસને તકેદારીના ભાગરૂપે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળવા માટે સુરતના પ્રખ્યાત ડુમસ બીચ તેમજ ડભારી બીચને સહેલાણીઓ માટે આગામી આદેશ સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે.
ભારે વરસાદ અને દરિયામાં ઊંચા મોજાંની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા બીચ વિસ્તારની સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે. ડુમસ બીચ તરફ જતા મુખ્ય માર્ગો પર બેરિકેટ્સ ગોઠવી દેવામાં આવ્યા છે, જેથી પ્રવાસીઓ બીચ સુધી પહોંચી ન શકે. સ્થળ પર પોલીસ અને હોમગાર્ડના જવાનોને સતત પેટ્રોલિંગ અને દેખરેખ માટે તૈનાત કરવામાં આવ્યા છે. પ્રશાસન દ્વારા જાહેર સંબોધન (એનાઉન્સમેન્ટ) મારફતે પણ લોકોને ડુમસ અને ડભારી બીચ તરફ ન જવા તેમજ પોતાની અને પરિવારની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરવામાં આવી રહી છે. વરસાદી માહોલ અને દરિયાની જોખમી સ્થિતિને કારણે બીચ વિસ્તારમાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ ઉપરાંત જિલ્લા પ્રશાસને નદી અને દરિયાકિનારાનાં તમામ ધાર્મિક સ્થળો તેમજ પ્રવાસન સ્થળો પર પણ પ્રતિબંધ જાહેર કર્યો છે. ભારે વરસાદ અને પાણીના પ્રવાહમાં અચાનક વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તંત્રે જણાવ્યું છે. આ પ્રતિબંધના અસરકારક અમલ માટે જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓને સત્તા આપવામાં આવી છે. તેઓ પોતાના વિસ્તારની પરિસ્થિતિ મુજબ જરૂરી પગલાં લઈ શકશે તેમજ પ્રતિબંધનું કડક પાલન કરાવશે.
જિલ્લા પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ હવામાન વિભાગ અને સરકારી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરે, અફવાઓથી દૂર રહે અને વરસાદી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી દરિયાકિનારા, નદીકાંઠા અને અન્ય જોખમી સ્થળોની મુલાકાત લેવાનું ટાળે.
દરિયા કિનારે અને દરિયાના પાણીમાં જવા પર પ્રતિબંધ ફરમાવ્યો
સુરત: શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને હવામાન વિભાગ કરવામાં આવેલી આગાહીને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકોની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપતાં સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા શહેરના દરિયા કિનારાના વિસ્તારોમાં પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ તકેદારીના પગલાં દરિયામાં થતી સંભવિત દુર્ઘટનાઓ, જાનહાનિ અને અન્ય અનિષ્ટ બનાવોને રોકવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યા છે.
આદેશ અનુસાર, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (BNSS)ની કલમ-૧૬૩ અન્વયે ડુમસ બીચ, સુવાલી બીચ તથા સી-ફેસ વિસ્તારમાં લોકોને દરિયા કિનારે ફરવા અને દરિયાના પાણીમાં જવા પર તા. ૨૫ જુલાઈ ૨૦૨૬થી તા. ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધી સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયુક્ત સમયગાળા દરમિયાન કોઈપણ સામાન્ય નાગરિક કે પ્રવાસી આ વિસ્તારોમાં દરિયા કિનારે અથવા દરિયાના પાણીમાં જઈ શકશે નહીં. સરકારી કે અર્ધસરકારી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે અથવા અનાદર કરશે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ કાનૂની કાર્યવાહી અને સજા કરવામાં આવશે. સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીરે આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, નાગરિકોની જાનમાલની સુરક્ષા સૌથી મહત્વની છે. સતત વરસાદ અને તોફાની હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને જ આ સુરક્ષાત્મક નિર્ણય લેવાયો છે. અંતમાં, તેમણે શહેરના તમામ નાગરિકો અને પ્રવાસીઓને અપીલ કરી છે કે તેઓ આ સરકારી આદેશનું ચુસ્તપણે પાલન કરે, દરિયાકિનારે જવાનું ટાળે અને સુરક્ષિત રહે.