Gujarat

“જય મા તાપી” : સુરત અને દક્ષિણ ગુજરાતના જીવનની ધબકાર તાપીમૈયાનો જન્મોત્સવ આજે ધામધૂમથી ઉજવાશે

ઉકાઈ ડેમથી 2.52 લાખથી વધુ ખેડૂતોને સિંચાઈનો લાભ, એક કરોડથી વધુ લોકોને મળે છે પીવાનું પાણી; તાપી માત્ર નદી નહીં, દક્ષિણ ગુજરાતની જીવનદાયિની તરીકે પૂજાય છે

દક્ષિણ ગુજરાતના જનજીવન, કૃષિ, ઉદ્યોગ અને પીવાના પાણીનો મુખ્ય આધાર ગણાતી માતા તાપીના જન્મોત્સવની આજે સુરત શહેર અને જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે અષાઢ સુદ સાતમના પવિત્ર દિવસે ઉજવાતા આ તહેવારને લઈને તાપી કિનારે આવેલા વિવિધ ઘાટો, મંદિરો અને ધાર્મિક સ્થળોએ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ ભક્તો દ્વારા માતા તાપીનું પૂજન-અર્ચન, મહાઆરતી, ચૂંદડી અર્પણ, કલશયાત્રા, ભજન-કીર્તન અને ધાર્મિક વિધિઓ યોજાશે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે ભક્તિમય વાતાવરણ જોવા મળશે.
તાપી નદી માત્ર એક જળસ્ત્રોત નથી, પરંતુ દક્ષિણ ગુજરાતના લાખો લોકો માટે જીવનદાયિની છે. સુરત, તાપી, નવસારી, વલસાડ અને ભરૂચ જેવા જિલ્લાઓના કૃષિ વિકાસથી લઈને પીવાના પાણી અને ઔદ્યોગિક વિકાસ સુધી દરેક ક્ષેત્રમાં તાપી નદીનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. તાપી માતાને માત્ર નદી તરીકે નહીં, પરંતુ માતાના સ્વરૂપે પૂજવામાં આવે છે.

આ વર્ષે પણ ગાયપગલાં સહિત સુરત શહેરના વિવિધ તાપી ઘાટો પર હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. ભક્તો માતા તાપીને ફૂલ, ફળ, નારિયેળ, ચૂંદડી અને પ્રસાદ અર્પણ કરીને પરિવારની સુખ-સમૃદ્ધિ, સારા વરસાદ, સારા પાક અને સમાજના કલ્યાણ માટે પ્રાર્થના કરશે. અનેક સ્થળોએ સાંજે મહાઆરતી બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો, ભજન સંધ્યા અને પ્રસાદ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાતની અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ છે ઉકાઈ ડેમ
તાપી નદી પર આવેલો ઉકાઈ ડેમ રાજ્યની સૌથી મહત્વપૂર્ણ સિંચાઈ પરિયોજનાઓમાંનો એક છે. આ ડેમના કારણે દક્ષિણ ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે. ઉકાઈ-કાકરાપાર સિંચાઈ પરિયોજનાના માધ્યમથી સુરત, ભરૂચ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના ખેડૂતોને વર્ષોથી સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહ્યું છે. સરકારી આંકડા મુજબ, ઉકાઈ સિંચાઈ પરિયોજનાનો લાભ કુલ 2,52,444 ખેડૂત ખાતેદારોને મળે છે. આ યોજના અંતર્ગત લાખો ખેડૂતો પોતાની જમીનમાં વર્ષ દરમિયાન વિવિધ પાકોનું ઉત્પાદન કરી રહ્યા છે. પાણીની સુવિધાને કારણે ખેતીમાં ઉત્પાદન વધ્યું છે અને ખેડૂતોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

3.31 લાખ હેક્ટરથી વધુ જમીનમાં પહોંચે છે સિંચાઈનું પાણી
ઉકાઈ-કાકરાપાર સિંચાઈ યોજના હેઠળ અંદાજે 3,31,557 હેક્ટરથી વધુ ખેતીની જમીન સુધી સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે છે. પાણીના યોગ્ય વિતરણને કારણે દક્ષિણ ગુજરાતમાં શેરડી, ધાન, કેળા, શાકભાજી, ફળો અને અન્ય રોકડ પાકોના ઉત્પાદનમાં સતત વધારો નોંધાયો છે.આ સિંચાઈ યોજના માત્ર ખેતી પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર કૃષિ અર્થતંત્રને મજબૂત બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. હજારો પરિવારોનું જીવન અને રોજગાર આ પાણી પર નિર્ભર છે.

21 તાલુકા અને 4300થી વધુ ગામોને લાભ
ઉકાઈ-કાકરાપાર સિંચાઈ પરિયોજના રાજ્યની સૌથી વિશાળ સિંચાઈ યોજનાઓમાંની એક માનવામાં આવે છે. આ યોજના હેઠળ પાંચ જિલ્લાનાં 21 તાલુકાઓ અને અંદાજે 4300 જેટલા ગામો આવરી લેવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ ગામોમાં 810 જેટલા આદિજાતિ ગામોનો પણ સમાવેશ થાય છે, જ્યાં ખેતી અને જીવન માટે આ યોજના આશીર્વાદરૂપ બની છે.સિંચાઈના પાણીથી આદિવાસી વિસ્તારોમાં ખેતીને નવી દિશા મળી છે. અગાઉ વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો હવે વર્ષ દરમિયાન એકથી વધુ પાક લઈ રહ્યા છે, જેના કારણે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે.

550 સિંચાઈ સહકારી મંડળીઓ કરે છે સંચાલન
આ વિશાળ સિંચાઈ યોજનાના અસરકારક અમલીકરણ માટે 550 જેટલી સિંચાઈ પિયત સહકારી મંડળીઓ કાર્યરત છે. આ મંડળીઓ ખેડૂતો સુધી પાણીનું યોગ્ય અને સમયસર વિતરણ કરે છે તેમજ પાણીના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.સરકાર અને ખેડૂતો વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે પણ આ સહકારી મંડળીઓ સતત કાર્યરત રહે છે. પાણીનો બગાડ અટકાવવા અને સમાન વિતરણ માટે પણ વિવિધ પ્રયાસો કરવામાં આવે છે.

એક કરોડથી વધુ લોકોને મળે છે પીવાનું પાણી
ઉકાઈ ડેમ માત્ર ખેડૂતો માટે જ નહીં પરંતુ સામાન્ય નાગરિકો માટે પણ જીવનરેખા સમાન છે. સુરત શહેર અને જિલ્લાના એક કરોડથી વધુ લોકોને પીવાનું શુદ્ધ પાણી આ જ પરિયોજનામાંથી ઉપલબ્ધ થાય છે.ઝડપથી વિકસતા સુરત શહેરમાં વધી રહેલી વસ્તી અને ઉદ્યોગોની જરૂરિયાતને પહોંચી વળવામાં પણ ઉકાઈ ડેમ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. ઘરગથ્થુ ઉપયોગ ઉપરાંત ઉદ્યોગોને પણ જરૂરી પાણી પૂરું પાડવામાં આવે છે, જેના કારણે દક્ષિણ ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ સતત આગળ વધી રહ્યો છે.

તાપી નદીથી સુરતનો વિકાસ શક્ય બન્યો
તાપી નદીના કારણે સુરત આજે દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં સ્થાન ધરાવે છે. હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ, ઔદ્યોગિક એકમો અને શહેરી વિકાસ પાછળ તાપીના પાણીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. કૃષિ, ઉદ્યોગ, વેપાર ,રોજગાર દરેક ક્ષેત્રમાં તાપી નદી જીવનદાયિની તરીકે કાર્ય કરી રહી છે. નદીના પાણીથી માત્ર વિકાસ જ નહીં પરંતુ પર્યાવરણનું સંતુલન પણ જળવાઈ રહ્યું છે. હજારો પક્ષીઓ, જળચર જીવો અને પ્રાકૃતિક સંપત્તિનું અસ્તિત્વ પણ તાપી નદી સાથે જોડાયેલું છે.

ગાયપગલાં ખાતે મુખ્ય ઉજવણી
આજે તાપી માતાના જન્મોત્સવ નિમિત્તે સુરતના ગાયપગલાં ઘાટ ખાતે મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં વહેલી સવારથી જ ભક્તો માતા તાપીની વિશેષ પૂજા-અર્ચના કરશે. મહાઆરતી, ચૂંદડી અર્પણ, ફૂલોથી શણગાર, ધાર્મિક પ્રવચન, ભજન-કીર્તન અને પ્રસાદ વિતરણ જેવા કાર્યક્રમો યોજાશે.વિવિધ સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા પણ મોટી સંખ્યામાં ભક્તોને જોડીને તાપી માતાના જન્મોત્સવની

ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
તાપી માત્ર નદી નહીં, દક્ષિણ ગુજરાતની આસ્થા અને સમૃદ્ધિનું પ્રતિક,તાપી નદી દક્ષિણ ગુજરાત માટે માત્ર પાણીનો સ્ત્રોત નથી, પરંતુ આસ્થા, સંસ્કૃતિ, સમૃદ્ધિ અને વિકાસનું પ્રતિક છે. લાખો લોકોની આજીવિકા, ખેડૂતોના પાક, ઉદ્યોગોનો વિકાસ અને શહેરોની પાણીની જરૂરિયાતો પૂરી કરવામાં તાપી નદીનું યોગદાન અવિસ્મરણીય છે.

આજે ઉજવાતો તાપીમૈયાનો જન્મોત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ કુદરત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને જળસંરક્ષણનો સંદેશ આપતો એક મહત્વપૂર્ણ અવસર પણ છે. તાપી માતાના આશીર્વાદથી દક્ષિણ ગુજરાત સતત પ્રગતિના માર્ગે આગળ વધે અને સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના સાથે આજે સમગ્ર પ્રદેશમાં ભક્તિ અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળશે.

Most Popular

To Top