National

મુંબઈમાં દૂધના વેપારીઓ માટે સંજય નિરુપમની મોટી માંગ: FDA ના કડક નિયમોના પાલન માટે સમય આપવા કરી અપીલ

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મિલાવટી દૂધ અને કેમિકલયુક્ત સિન્થેટિક દૂધના નેટવર્કને તોડી પાડવા માટે મહારાષ્ટ્ર FDA દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી અને કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કડક એક્શન વચ્ચે શિવસેનાના નેતા સંજય નિરુપમે શુક્રવારે એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે મહારાષ્ટ્ર FDAને વિનંતી કરી છે કે મુંબઈના દૂધના વેપારીઓ અને નાના ડેરી ઓપરેટરો પર એકાએક દબાણ લાવવાને બદલે તેમને નવા નિયમો અપનાવવા માટે થોડો વધુ સમય આપવામાં આવે. નિરુપમે ચેતવણી આપી છે કે જો આ નિયમો અચાનક અને બળપૂર્વક લાગુ કરાશે, તો મુંબઈમાં દૂધનો પુરવઠો ખોરવાઈ જશે અને સામાન્ય ગ્રાહકો માટે દૂધના ભાવ આસમાને પહોંચી શકે છે.

વેપારીઓ નિયમોની સાથે પણ અચાનક પગલાંનો વિરોધ

સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા સંજય નિરુપમે સ્પષ્ટ કર્યું કે ડેરી ઓપરેટરો અને વેપારીઓ સરકારના આ સેફ્ટી નિયમોની વિરુદ્ધમાં નથી, પરંતુ વ્યવસાયમાં જરૂરી માળખાકીય ફેરફારો કરવા માટે તેમને યોગ્ય સમય મળવો જોઈએ.

  • નવા નિયમો અનુસાર માત્ર તબેલામાંથી સીધું મેળવેલું દૂધ જ પ્લાસ્ટિકની કોથળીઓમાં વેચી શકાશે. જ્યારે ટેન્કર દ્વારા ટ્રાન્સપોર્ટ થતા દૂધને બજારમાં વેચતા પહેલા તેનું પ્રોપર પેકેજિંગ કરવું ફરજિયાત રહેશે.
  • જે રીતે સમગ્ર તંત્ર દ્વારા તાબડતોબ લાયસન્સ રદ કરવાની અને દરોડા પાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને નિરુપમે જોખમી ગણાવી છે. તેમણે કહ્યું કે સરકારનો હેતુ સારો છે પણ કાયદો પાળનારાઓને પૂરતો સમય આપવો જ જોઈએ.
  • જો દૂધના વિતરકોનો ધંધો અચાનક બંધ થશે તો તેની સીધી અસર ઘરોમાં થતા રોજિંદા સપ્લાય પર પડશે અને અછતના કારણે સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડશે.

શું છે FDA ના નવા કડક નિયમો?

  • છૂટા દૂધ પર સંપૂર્ણ પ્રતિબંધ: સમગ્ર મહારાષ્ટ્રમાં ખુલ્લા કે છૂટા દૂધના વેચાણ પર પ્રતિબંધ છે. ગ્રાહકો સુધી પહોંચતું તમામ દૂધ ફરજિયાતપણે સીલ કરેલું, યોગ્ય લેબલવાળું અને છેડછાડ ન થઈ શકે તેવા પેકેજિંગમાં હોવું જોઈએ. નિયમભંગ બદલ રૂ.3 લાખ સુધીના દંડની જોગવાઈ છે.
  • રો-મિલ્ક અને પાશ્ચરાઇઝ્ડ દૂધનું વર્ગીકરણ: જે દૂધ પ્રોસેસ કર્યા વગર સીધું તબેલામાંથી વેચાય છે, તેના કન્ટેનર પર સ્પષ્ટ અક્ષરે “RAW MILK” અને ‘ઉપયોગ કરતા પહેલા ઉકાળવું’ એવી ચેતવણી લખવી ફરજિયાત છે. જ્યારે પાશ્ચરાઇઝ્ડ દૂધ માત્ર માન્ય પ્લાન્ટમાં પેક થયેલી સીલબંધ કોથળીઓમાં જ વેચી શકાશે.
  • ટ્રેસેબિલિટી રેકોર્ડ અને કોલ્ડ ચેઈન: ડેરી માલિકો અને કલેક્શન સેન્ટરોએ દૂધ ક્યાંથી આવ્યું અને કોને વેચાયું તેનો સંપૂર્ણ લેખિત રેકોર્ડ રાખવો પડશે. દૂધ બગડી ન જાય તે માટે પરિવહન અને સ્ટોરેજ દરમિયાન નિયત તાપમાન જાળવવું ફરજિયાત છે.
  • ફૂડ-ગ્રેડ સાધનો અને હેલ્થ સર્ટિફિકેટ: દૂધના સંગ્રહ માટે માત્ર ફૂડ-ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલના વાસણો જ વાપરી શકાશે. કોઈપણ વિક્રેતા માન્ય FDA લાયસન્સ વગર ધંધો કરી શકશે નહીં અને કર્મચારીઓ પાસે માન્ય હેલ્થ સર્ટિફિકેટ હોવું જરૂરી છે.
  • ભારે દંડની જોગવાઈ: લાયસન્સ વગર બિઝનેસ કરવો, દૂધમાં ભેસળ કરવી કે ભ્રામક જાહેરાતો આપવા બદલ વેપારીઓને મહત્તમ રૂ.10 લાખ સુધીના દંડ અને કાયદાકીય કડક કાર્યવાહીની જોગવાઈ છે.

FDA દ્વારા હોટલો પર ત્રાટકતા કડક કાર્યવાહી

દૂધના વિવાદ સિવાય ચાલુ સપ્તાહે મહારાષ્ટ્ર FDA એ મુંબઈની જાણીતી ખાણીપીણીની દુકાનો પર પણ કડક સકંજો કસ્યો છે. એફડીએની ટીમે મુંબઈના ભીંડી બજાર અને ઉમરખાડી વિસ્તારમાં 6 જગ્યાએ આકસ્મિક તપાસ કરી હતી, જેમાં ગંભીર બેદરકારી બદલ 3 હોટલોના ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયા છે.

એક આઉટલેટ પર 13 જુલાઈના રોજ ફરીથી તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, ગત 16 એપ્રિલની તપાસમાં જે 25 મોટી ખામીઓ મળી હતી તેને 28 એપ્રિલની નોટિસ છતાં સુધારવામાં આવી નહોતી, જેથી 14 જુલાઈએ તેનું લાયસન્સ રદ કરાયું હતું. તપાસ દરમિયાન હોટલોના રસોડાના ભોંયતળિયા ભીના અને લપસણા જોવા મળ્યા હતા, કાચા માલની ખરીદીના કોઈ રેકોર્ડ નહોતા અને પીવાના પાણી તેમજ રાંધણ તેલની ગુણવત્તાના રિપોર્ટ પણ ગાયબ હતા. આ સિવાય રસોડામાં શાકાહારી અને માંસાહારી ખોરાકને અલગ રાખવાની કોઈ વ્યવસ્થા નહોતી અને બારીઓ ખુલ્લી હોવાથી જીવાતો અંદર આવવાનું જોખમ ખૂબ વધારે હતું.

Most Popular

To Top