લીમખેડાના ઝેરજીતગઢ અને હાથિયાવાનમાં સ્થળ નિરીક્ષણ; ગુણવત્તા અને કામગીરીની ગતિ અંગે અધિકારીઓ-કોન્ટ્રાક્ટરોને તાકીદ
2024ની સમયમર્યાદા છતાં પ્રોજેક્ટ અધૂરો; સંસાધનો વધારી ઝડપથી કામ પૂર્ણ કરવા કેન્દ્રીય મંત્રીનો આદેશ
લીમખેડા: કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દાહોદ જિલ્લામાંથી પસાર થતા મહત્ત્વાકાંક્ષી દિલ્હી–મુંબઈ નેશનલ કોરિડોરના નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી. વર્ષ 2024 સુધીમાં પૂર્ણ થવાનો લક્ષ્યાંક ધરાવતા આ પ્રોજેક્ટમાં 2026ના મધ્ય સુધી પણ વિલંબ થતા મંત્રીએ ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોને કામગીરીમાં ઝડપ લાવવા કડક સૂચનાઓ આપી હતી.
લીમખેડા તાલુકાના ઝેરજીતગઢ ગામે ગડકરીએ હાઈવેના નિર્માણ કાર્યનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. રોડની ગુણવત્તા, કામગીરીની પ્રગતિ અને ટેકનિકલ પાસાઓ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ હાથિયાવાન ગામે પહાડી વિસ્તારમાં ચાલી રહેલી પહાડ કાપવાની કામગીરીનું પણ નિરીક્ષણ કરી, નિર્માણમાં આવતા અવરોધો અંગે ચર્ચા કરી હતી. ધીમી ગતિએ ચાલી રહેલા કામ અંગે તેમણે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
નિરીક્ષણ બાદ યોજાયેલી બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI)ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને પ્રોજેક્ટને પ્રાથમિકતા આપીને ઝડપથી પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. ગડકરીએ જણાવ્યું હતું કે દિલ્હી–મુંબઈ નેશનલ કોરિડોર દેશના આર્થિક વિકાસ માટે અત્યંત મહત્ત્વનો પ્રોજેક્ટ છે અને તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે વિલંબ સ્વીકાર્ય નહીં બને. તેમણે જરૂરી સંસાધનો વધારવા, મશીનરી અને માનવબળમાં વધારો કરવા તેમજ કામના કલાકો વધારી સમયસર કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
મુલાકાત દરમિયાન દાહોદ જિલ્લા કલેક્ટર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ગડકરીએ સ્થાનિક સ્તરે જમીન સંપાદન, ટેકનિકલ અને વહીવટી સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવી નિર્માણ કાર્યમાં અવરોધ ન આવે તેની ખાતરી કરવા સૂચના આપી હતી.
દિલ્હી–મુંબઈ નેશનલ કોરિડોર કાર્યરત બન્યા બાદ દાહોદ અને પંચમહાલ સહિત પૂર્વ ગુજરાતના વિકાસને નવી ગતિ મળશે. સાથે જ માલસામાન અને મુસાફરોના પરિવહનનો સમય ઘટશે, ઔદ્યોગિક રોકાણોને પ્રોત્સાહન મળશે અને સમગ્ર વિસ્તારની આર્થિક પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રિપોર્ટર– દિનેશ શાહ, લીમખેડા