દેશમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક મેન્યુફેક્ચરિંગને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે સ્માર્ટફોન, લેપટોપ, કમ્પ્યુટર, સ્માર્ટ ટીવી, સ્માર્ટવોચ, ફિટનેસ બેન્ડ અને વાયરલેસ ચાર્જર જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં વપરાતા અનેક મહત્વપૂર્ણ પાર્ટ્સ પર લાગતી બેઝિક કસ્ટમ ડ્યુટી (BCD) સંપૂર્ણપણે હટાવી દીધી છે. આ સાથે જ આ ડ્યુટી મુક્તિની સમયમર્યાદા 31 માર્ચ, 2029 સુધી લંબાવવામાં આવી છે. સરકારનો આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. સરકારના આ પગલાથી દેશમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનનો ખર્ચ ઘટશે અને સ્થાનિક કંપનીઓને વધુ સ્પર્ધાત્મક બનવામાં મદદ મળશે. નિષ્ણાતોનું માનવું છે કે જો કંપનીઓ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડશે તો આગામી સમયમાં મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.
નવી જાહેરાત મુજબ ડિસ્પ્લે મોડ્યુલ, સ્માર્ટફોનના વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા પાર્ટ્સ તેમજ લિથિયમ-આયન બેટરી બનાવવા માટે જરૂરી અનેક મહત્વપૂર્ણ કોમ્પોનન્ટ્સ પર હવે કસ્ટમ ડ્યુટી નહીં લાગે. આ નિર્ણયથી ભારતમાં હાઈ-ટેક ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારના નિર્ણયથી ખાસ કરીને ઓટોમોટિવ, મેડિકલ ડિવાઇસ અને ઇન્ડસ્ટ્રિયલ ઇક્વિપમેન્ટ માટે ડિસ્પ્લે એસેમ્બલી બનાવતી કંપનીઓને મોટો ફાયદો થશે. ડિસ્પ્લે સેલ, બેકલાઇટ યુનિટ, ફ્લેક્સિબલ પ્રિન્ટેડ સર્કિટ એસેમ્બલી (FPCA), ફ્રેમ અને એનિસોટ્રોપિક કંડક્ટિવ ફિલ્મ (ACF) જેવા મહત્વપૂર્ણ આયાતી પાર્ટ્સ હવે ડ્યુટી મુક્ત બનશે. આ ઉપરાંત સ્માર્ટફોનના વાયરલેસ ચાર્જિંગ મોડ્યુલમાં વપરાતા NFC કોમ્પોનન્ટ, કંડક્ટર કોઈલ, નેનો-ક્રિસ્ટલાઈન એસેમ્બલી, E-શીલ્ડ, PET લાઇનર અને NdFeB મેગ્નેટ જેવા અનેક પાર્ટ્સ પર પણ કસ્ટમ ડ્યુટીમાંથી રાહત આપવામાં આવી છે. આ નિર્ણયનો સીધો લાભ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓને મળશે.
જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ રાહત માત્ર કાચા માલ અને અલગ-અલગ કોમ્પોનન્ટ્સ માટે જ લાગુ પડશે. વિદેશમાંથી સીધી આયાત થતા તૈયાર ડિસ્પ્લે એસેમ્બલી અથવા અન્ય સંપૂર્ણ તૈયાર પાર્ટ્સને આ છૂટનો લાભ મળશે નહીં. એટલે કે સરકારનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં જ વધુ વેલ્યૂ એડિશન અને મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાનો છે. આ નીતિ દ્વારા સરકાર સ્થાનિક ઉત્પાદન વધારવા, આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને ભારતને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવાનો પ્રયાસ કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. હવે આ નવી રાહતથી સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રિક વ્હીકલ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં વધુ રોકાણ આવવાની શક્યતા છે.
ઉદ્યોગ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી સ્થાનિક સપ્લાય ચેઇન વધુ મજબૂત બનશે અને નવી રોજગારીની તકો પણ ઊભી થશે. સાથે જ વિદેશી કંપનીઓ પણ ભારતમાં ઉત્પાદન એકમો સ્થાપવા માટે વધુ રસ દાખવી શકે છે. ગ્રાહકો માટે પણ આ નિર્ણય સકારાત્મક માનવામાં આવી રહ્યો છે. જોકે મોબાઇલ, લેપટોપ અથવા સ્માર્ટ ટીવીની કિંમતોમાં કેટલો ઘટાડો થશે તે સંપૂર્ણપણે ઉત્પાદક કંપનીઓની કિંમત નક્કી કરવાની નીતિ પર નિર્ભર રહેશે. તેમ છતાં, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાને કારણે ભવિષ્યમાં ગ્રાહકોને તેનો લાભ મળવાની સંભાવના વધી છે.