અભિનેતા ઇમરાન ખાન ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ, તે તેના અંગતા જીવન વિષે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકતો રહે છે અને એ રીતે તેના ફેન્સને તેના વિષે માહિતી મળતી રહે છે. ઇમરાન અને અવંતિકા માલિક ૨૦૨૪માં અલગ થઇ ગયા હતા અને ત્યારથી તેઓ તેમની પુત્રી ઈમારાની જવાબદારી સરખે હિસ્સે વહેંચીને ઉછેરી રહ્યા હતા. ઇમરાન જણાવે છે કે તેના છૂટાછેડાના વર્ષો દરમિયાન તે જે માનસિક સંઘર્ષમાંથી પસાર થઇ રહ્યો હતો. તેમા ઈમારા આશાના કિરણ સમાન હતી. ઇમરાન હાલમાં લેખા વોશિંગ્ટન સાથે ડેટ કરી રહ્યો છે અને તેણે આ વાત તેની દીકરી ઈમારાને પણ જણાવી દીધી છે.
ઇમરાન જણાવે છે કે, ‘લેખા સાથે ડેટ કરતા પહેલાથી જ તે તેમના પરિવારનો હિસ્સો બની ગઈ હતી એટલે ઈમારાને તેના વિષે વાત કરવી અને ઇમારા માટે તેનો સ્વીકાર કરવાનું વધુ સરળ રહ્યું. તેમ છતાં તે જણાવે છે કે તેમના સંબંધમાં જે પરિવર્તન આવ્યું તે ઈમારને જણાવવું જરૂરી છે. તમારે સંબંધમાં પારદર્શિતા રાખવી જરૂરી છે. તમારા બાળકથી કઈ પણ છુપાવવું એ યોગ્ય નથી. એક હેલ્ધી રીલેશન બનાવવા માટે પારદર્શિતા મહત્વની છે.’

ઇમરાન કહે છે કે જેમે જેમ ઈમારા મોટી થઇ ગઈ તેમ તેમ તેમનો સંબંધ કુદરતી રીતે વિકસિત થતો ગયો. હસતા હસતા તેણે સ્વીકાર્યું કે તે હવે તેના મિત્રોની સામે ‘કુલ’ પેરન્ટ રહ્યો નથી. ‘અમે અમારા સંબંધના એવા તબક્કામાં પહોંચી ગયા છીએ કે જ્યાં હું તેના મિત્રો સામે ‘અનકુલ’ છું. હું હજી પણ ‘આઈ લવ યુ’ની બૂમ પાડું છું પરંતુ, તેના મિત્રો સાથે ફરવા માટે પુરતો કુલ નથી.’ ઇમરાન તેની પુત્રી સાથે કાર્ટુન કે કિડ્સ મુવીઝ જુએ છે ત્યારે તેમાં ફીમેલ કેરેક્ટરને જે રીતે દર્શાવામાં આવે છે તેનાથી તે નાખુશ છે અને સાથે સાથે તેને સ્ત્રીના દ્રષ્ટિકોણની પણ સમજ આવતી ગઈ. ઇમરાન કહે છે, ‘મેં દુનિયાને તેના દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કર્યું છે, તેના વાળમાં શેમ્પૂ કરવું, કંડીશન કરવું અને બ્લોડ્રાયર કરવું આ બધું શીખવું એક અલગ જ અનુભવ રહ્યો. શરૂઆતમાં હું ખરાબ ચોટલીઓ વાળતો હતો, પણ હવે મને તે આવડી ગયું છે. એ એક સુખદ અનુભવ રહ્યો હતો.’ •