Vadodara

વડોદરામાં ગુંડાગીરી બેકાબૂ! લિસ્ટેડ બુટલેગર અલ્પુ સિન્ધી ગેંગ સાથે જોડાયેલા વેપારી પર જીવલેણ હુમલો

નટુભાઈ સર્કલ પાસે જૂની અદાવતમાં બુટલેગર હરિ સિન્ધી સહિત ત્રણ શખ્સોએ પથ્થર મારી જીવલેણ હુમલો કર્યો

વેપારી લોહીલુહાણ, અકોટા પોલીસે 3 સામે ગુનો નોંધ્યો

વડોદરા તા 5
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલી અલ્પુ સિન્ધી અને હરિ સિન્ધી ગેંગ વચ્ચેની ગેંગવોર હવે પોશ વિસ્તાર સુધી પહોંચી ગઈ છે. શહેરના રેસકોર્સ નજીક આવેલા નટુભાઈ સર્કલ પાસે અલ્પુ સિન્ધી ગેંગ સાથે સંકળાયેલા હોવાનું કહેવાતા એક વેપારી પર જીવલેણ હુમલો થતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર બનાવમાં અકોટા પોલીસે હરિ સિન્ધી સહિત ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.
હરણી વારસિયા રીંગ રોડ પર આવેલી દાજીનગર સોસાયટીમાં રહેતા અને બ્રેડના વ્યવસાય સાથે સંકળાયેલા રવિ બીમનદાસ દેવજાની 25 જૂનની વહેલી સવારે પોતાના મિત્ર અર્જુન સાથે નટુભાઈ સર્કલ પાસે નાસ્તો કરવા ગયા હતા. તે દરમિયાન અર્જુને જણાવ્યું કે હરિ સિન્ધી તેમને બોલાવે છે. રવિ હરિ સિન્ધી પાસે પહોંચતા ત્યાં સાહિલ રાજપૂત અને વિવેક ઉર્ફે બન્ની કેવલાણી પણ હાજર હતા.
વિવેક અને સાહિલ સાથે અગાઉ થયેલી માથાકૂટની અદાવત રાખીને ત્રણેય આરોપીઓએ રવિ સાથે બોલાચાલી શરૂ કરી હતી. રવિએ મામલો શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન સાહિલ રાજપૂતે પાછળથી રવિના માથામાં પથ્થરથી હુમલો કરતાં તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. હુમલા બાદ ત્રણેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
પોલીસે ફરિયાદના આધારે બુટલેગર હરિ સિન્ધી, સાહિલ રાજપૂત અને વિવેક ઉર્ફે બન્ની કેવલાણી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરમાં બે ગેંગ વચ્ચે ચાલી રહેલી દુશ્મનીને કારણે સતત હિંસક ઘટનાઓ સામે આવતાં સામાન્ય નાગરિકો અને વેપારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે પોલીસ આરોપીઓને ઝડપવા માટે વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે.

Most Popular

To Top