National

મમતાનો બળવાખોરોને ખુલ્લો પડકાર: “મને રોકવી હોય તો મારવી પડશે, હિંમત હોય તો BJPમાં જોડાઈ જાઓ”

પશ્ચિમ બંગાળમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક વિખવાદ હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. પાર્ટીના મોટા ભાગના ધારાસભ્યો અને અનેક સાંસદો અલગ જૂથ બનાવી ચૂક્યા છે. આ રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જીએ બળવાખોર નેતાઓ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. મમતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “જો મને રોકવી હોય તો પહેલા મને મારવી પડશે. પાર્ટીનું ચૂંટણી ચિહ્ન કોઈ છીનવી શકશે નહીં. હું લોકો વચ્ચે જઈશ અને મારો અવાજ કોઈ દબાવી શકશે નહીં.”

તેમણે બળવાખોર નેતાઓને ખુલ્લો પડકાર આપતા કહ્યું કે, જો તેઓ ખરેખર TMC છોડવા માંગતા હોય તો છુપાઈને રાજકારણ કરવાની જગ્યાએ ખુલ્લેઆમ ભાજપમાં જોડાઈ જાય. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક નેતાઓ હવે પરોક્ષ રીતે ભાજપ માટે કામ કરી રહ્યા છે. મમતાએ કહ્યું કે, “ગદ્દારીની પણ એક હદ હોય છે. જે નેતાઓ પાર્ટીના ચૂંટણી ચિહ્ન પર જીત્યા, આજે એ જ લોકો પાર્ટી સામે ઊભા છે. પક્ષે જ તેમને ઓળખ આપી હતી, પરંતુ હવે તેઓ એ જ પક્ષ સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે.” આ સમગ્ર વિવાદ વચ્ચે શનિવારે TMCના પશ્ચિમ બંગાળ અધ્યક્ષ ચંદ્રિમા ભટ્ટાચાર્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ તેઓ બળવાખોર જૂથના નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા ઋતબ્રત બેનર્જી સાથે જોવા મળ્યા, જેના કારણે રાજકીય અટકળો વધુ તેજ બની ગઈ છે.

પાર્ટીમાં બળવો જૂન મહિનાથી શરૂ થયો હતો. 3 જૂને TMCના કુલ 80 ધારાસભ્યોમાંથી 58 ધારાસભ્યોએ મમતા બેનર્જીના નેતૃત્વ સામે બળવો જાહેર કરીને અલગ જૂથ બનાવ્યો હતો. આ જૂથે પાર્ટીના નામ અને ચૂંટણી ચિહ્ન પર પણ પોતાનો દાવો કર્યો હતો. ત્યારબાદ 15 જૂને TMCના 20 લોકસભા સાંસદોએ પણ પાર્ટી છોડીને ત્રિપુરાની નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી (NCPI)માં વિલય કરી લીધો હતો. જોકે, આ બળવાખોર નેતાઓ હજુ સુધી સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા નથી. મમતાએ આરોપ લગાવ્યો કે કેટલાક બળવાખોરોએ કેન્દ્રીય સુરક્ષા દળોની મદદથી તૃણમૂલ ભવન પર કબજો કર્યો છે. તેમણે જણાવ્યું કે આ ઇમારતનું ભાડું ઓક્ટોબર 2027 સુધી ચૂકવવામાં આવ્યું છે અને દર મહિને પાર્ટી તરફથી લગભગ 1 લાખ રૂપિયા ભાડું આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, “તૃણમૂલ ભવન કોઈ વ્યક્તિની મિલકત નથી. તે ‘મા, માટી, માનુષ’ની સંપત્તિ છે. ઇમારત પર કબજો કરી શકાય, પરંતુ લોકોના દિલ પર નહીં.”

મમતાએ ભાજપ પર પણ ગંભીર આરોપ લગાવ્યા. તેમણે દાવો કર્યો કે ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા, મતદાર યાદી અને મતગણતરીને અસર પહોંચાડવામાં આવી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય દળોની મદદથી મતગણતરી કેન્દ્રો પર નિયંત્રણ મેળવી સમગ્ર પ્રક્રિયાને પ્રભાવિત કરવામાં આવી. તેમ છતાં લોકશાહીનું સન્માન રાખીને તેમણે નવી સરકારને સ્વીકારી હોવાનું જણાવ્યું. બળવાખોર જૂથે વિધાનસભામાં ઋતબ્રત બેનર્જીને પોતાનો નેતા જાહેર કર્યો છે. 58 ધારાસભ્યોએ વિધાનસભાના સ્પીકરને સમર્થનપત્ર આપીને તેમને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવા માંગ કરી હતી, જેને સ્પીકરે સ્વીકારી લીધી હતી. 22 જૂને યોજાયેલી બેઠકમાં બળવાખોર જૂથે નવા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 30 સભ્યોની નવી રાષ્ટ્રીય કાર્યકારિણીની પણ રચના કરી હતી. ત્યારબાદ 2 જુલાઈએ તેમના પ્રતિનિધિમંડળે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મળીને પોતાને જ અસલી TMC તરીકે માન્યતા આપવા રજૂઆત કરી હતી. સાથે જ પક્ષમાં થયેલા સંગઠનાત્મક ફેરફારોની માહિતી પણ ચૂંટણી પંચને સોંપવામાં આવી હતી.

આ બળવા બાદ મમતા બેનર્જીની રાજકીય સ્થિતિ પણ નબળી બની છે. લોકસભામાં TMCના 28 સાંસદોમાંથી હવે માત્ર 8 સાંસદો તેમની સાથે રહ્યા છે, જ્યારે રાજ્યસભામાં 13માંથી માત્ર 9 સાંસદો બાકી રહ્યા છે. વિધાનસભામાં પણ સ્થિતિ બદલાઈ ગઈ છે. ચૂંટણીમાં જીતેલા 80 ધારાસભ્યોમાંથી 58 અલગ થઈ જતાં હવે મમતા બેનર્જી પાસે માત્ર 22 ધારાસભ્યોનું સમર્થન બચ્યું છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે TMCના ઇતિહાસમાં આ સૌથી મોટો આંતરિક વિવાદ છે. હવે આગામી દિવસોમાં ચૂંટણી પંચ પક્ષના નામ અને ચૂંટણી ચિહ્ન અંગે શું નિર્ણય લે છે અને બળવાખોર નેતાઓનું આગળનું રાજકીય પગલું શું રહેશે તેના પર સમગ્ર દેશની નજર રહેશે.

Most Popular

To Top