રાજ્યમાં ચોમાસાએ જોરદાર જમાવટ કરી છે અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અસર જૂનાગઢ જિલ્લામાં જોવા મળી છે, જ્યાં માંગરોળ, માળિયા હાટીના, કેશોદ અને માણાવદર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે, તો બીજી તરફ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં માત્ર ચાર તાલુકામાં કુલ 62 ઈંચ જેટલો વરસાદ નોંધાતા નદીઓ અને જળાશયો છલકાઈ ગયા છે. માંગરોળમાં છેલ્લા ત્રણ દિવસમાં જ 22 ઈંચથી વધુ વરસાદ પડતાં સમગ્ર સીઝનનો સરેરાશ વરસાદ પૂર્ણ થઈ ગયો છે. માત્ર ત્રણ દિવસમાં જ અહીં 103 ટકા વરસાદ નોંધાયો છે, જેના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાના કુલ 22 ગામોનો સંપર્ક તૂટી ગયો છે. તેમાં માંગરોળના 9, કેશોદના 10 અને માણાવદરના 3 ગામોનો સમાવેશ થાય છે. અનેક ગામોમાં જવા-આવવાના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે ઘેડ પંથકના હજારો એકર ખેતી વિસ્તારમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ ઉભી થઈ છે. સાબલી ડેમના દરવાજા ખોલવામાં આવતા મઘરવાડા ગામમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે ગામનો બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. માંગરોળ શહેરના બંદર સોસાયટી, હુશેનાબાદ, કામનાથ રોડ, બાસર રોડ અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને હોડીઓ દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ભારે વરસાદ વચ્ચે મેંદરડા નજીક સમઢિયાળા ગામમાં એક કાર, રિક્ષા અને વાન રસ્તા પર પાણીમાં ફસાઈ ગયા હતા. તેમાં સવાર 19 લોકો જીવના જોખમે પાણીમાં અટવાઈ ગયા હતા. જાણ થતાં જ જૂનાગઢ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. જેસીબી અને અન્ય સાધનોની મદદથી તમામ 19 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ સિવાય માણાવદર તાલુકાના બૂરી ગામે ONGCના 10 કર્મચારીઓ પણ પૂરના ધસમસતા પાણીમાં ફસાઈ ગયા હતા. હોમગાર્ડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
માળિયા હાટીના તાલુકાનો ભાખરવડ ડેમ પણ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. ડેમ ભરાઈ જતાં ભાખરવડ, વડાળા, જાનડી, ઘુમટી, આબેચા, નાની ધનેજ, ઝડકા, સમઢિયાળા અને ગડું સહિતના ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. લોકોને નદીના પટમાં ન જવા અને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેશોદમાં NDRFની 30 સભ્યોની ટીમ અને જૂનાગઢ શહેરમાં SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. પોલીસ, મહેસૂલ વિભાગ, પંચાયત અને ફાયર બ્રિગેડની ટીમો સતત બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલી છે. ઉપરાંત, નજીકની પ્રસૂતિ તારીખ ધરાવતી સગર્ભા મહિલાઓને આગોતરા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ભારે વરસાદની અસર સુરતમાં પણ જોવા મળી છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે તાપી નદીમાં પાણીની આવક વધી છે. પરિણામે રાંદેર અને કતારગામને જોડતો કોઝ-વે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પાણીનું સ્તર ભયજનક સપાટી વટાવી 6.79 મીટર સુધી પહોંચી ગયું છે. કોઝ-વે બંધ થતાં હજારો વાહનચાલકોને 7થી 8 કિલોમીટરનો વધારાનો ચક્કર લગાવીને મુસાફરી કરવી પડી રહી છે. મહેસાણા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. કડી-જોટાણામાં લગભગ 4 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ઊંઝા, સતલાસણા, ખેરાલુ, બેચરાજી અને વિજાપુરમાં પણ સારો વરસાદ થયો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પાટણ જિલ્લામાં પણ ગત રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો. પાટણ અને સરસ્વતી તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. અનેક રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા હતા. રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓને જોખમી રીતે પાણીમાંથી પસાર થવું પડ્યું હતું.
બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં લાંબા વિરામ બાદ સારો વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જ્યારે મહીસાગરના લુણાવાડામાં મધરાતથી ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અમદાવાદમાં પણ રાત્રે વીજળીના ચમકારા અને પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડતાં ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી. રાજ્યમાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે વહીવટી તંત્રે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા, પાણી ભરાયેલા રસ્તાઓ અને કોઝ-વે પાર ન કરવા તેમજ જરૂર પડે ત્યારે કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરી છે.