Vadodara

ચકચારી શેખ બાબુના કસ્ટોડિયલ ડેથ કેસની એડવોકેટ અતુલ વ્યાસને સોંપાઈ જવાબદારી

એડવોકેટ શૈલેન્દ્રસિંહ ઘારિયાની નિમણૂક રદ કરાઈ

ફતેહગંજ કસ્ટોડિયલ ડેથ કેસમાં સરકારે બદલ્યા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર

વડોદરા તા.15
વડોદરાના બહુચર્ચિત ફતેગંજ કસ્ટોડિયલ ડેથ કેસમાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેસની સુનાવણી માટે અગાઉ નિયુક્ત કરાયેલા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (SPP)ને બદલીને નવા SPPની નિમણૂક કરવામાં આવી છે. પોલીસ કસ્ટડીમાં શેખ બાબુના મૃત્યુના આક્ષેપોને લઈને ચર્ચામાં રહેલા આ કેસમાં સરકારના આ નિર્ણયને કેસની સુનાવણી માટે મહત્વપૂર્ણ વિકાસ માનવામાં આવી રહ્યો છે.
વડોદરા શહેરના ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019 દરમિયાન ચોરીના શકમંદ તરીકે ઝડપાયેલા શેખ બાબુ શેખ નિશારને પોલીસ કસ્ટડી દરમિયાન શારીરિક યાતના આપવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થયા હતા. ફરિયાદ મુજબ પોલીસ દ્વારા કરવામાં આવેલી યાતનાના કારણે તેનું મૃત્યુ થયું હતું. એટલું જ નહીં, ઘટનાને લગતા મહત્વના પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ મામલે કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. તાજેતરમાં અદાલતે કેસના ત્રણ આરોપીઓની જામીન અરજી પણ ફગાવી દીધી હતી.
આ દરમિયાન ગુજરાત સરકારના ગૃહ વિભાગે ફતેહગંજ પોલીસ સ્ટેશનના ચકચારી શેખ બાબુ કસ્ટોડિયલ ડેથ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર બદલવાનો નિર્ણય કર્યો છે. ગૃહ વિભાગ દ્વારા તા. 2 જૂન, 2026ના રોજ જાહેર કરાયેલા ઠરાવ મુજબ આ ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યો છે.અગાઉ 2 એપ્રિલ, 2024ના લીગલ ડિપાર્ટમેન્ટના ઠરાવ મુજબ એડવોકેટ શૈલેન્દ્રસિંહ આઈ. ઘારિયાની આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જોકે સરકારની નવી વિચારણા બાદ તેમની નિમણૂક તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.
તેમના સ્થાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023ની કલમ-18(8) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને વડોદરાના એડવોકેટ અતુલ વ્યાસને નવા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે તેઓ આ ચર્ચાસ્પદ કેસમાં સરકાર તરફથી કોર્ટમાં દલીલો રજૂ કરશે.
સરકારી ઠરાવ મુજબ એડવોકેટ અતુલ વ્યાસને સબઓર્ડિનેટ કોર્ટ અને સેશન્સ કોર્ટમાં અસરકારક સુનાવણી દીઠ રૂ.20,000 તથા બિન-અસરકારક સુનાવણી દીઠ રૂ.2,000 મહેનતાણું ચૂકવવામાં આવશે.
આ આદેશ ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે ગૃહ વિભાગના નાયબ સચિવ અમૃત પટેલ દ્વારા જારી કરવામાં આવ્યો છે. આદેશની નકલ એડવોકેટ અતુલ વ્યાસ, એડવોકેટ શૈલેન્દ્રસિંહ ઘારિયા, ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન, ડીઆઈજી (લો એન્ડ ઓર્ડર), જિલ્લા ન્યાયાધીશ વડોદરા તેમજ જિલ્લા સરકારી વકીલને મોકલવામાં આવી હોવાનું સરકારી ઠરાવમાં જણાવાયું છે.

Most Popular

To Top