અમેરિકાના જાણીતા અલ્ટ-પોપ ગાયક અને ઇન્ટરનેટ પર્સનાલિટી ઓલિવર ટ્રીનું બ્રાઝિલમાં થયેલા ભયાનક હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. રિયો ડી જેનેરોના આકાશમાં બે હેલિકોપ્ટર હવામાં જ એકબીજા સાથે અથડાયા હતા. આ દુર્ઘટનામાં કુલ 6 લોકોના મોત થયા હોવાનું સ્થાનિક મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. ઓલિવર ટ્રીના નિધનની ખબર સામે આવતા તેમના ચાહકો અને સંગીત જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર, અકસ્માત એટલો ગંભીર હતો કે ટક્કર બાદ એક હેલિકોપ્ટર નિયંત્રણ ગુમાવીને સીધું જમીન પર પડ્યું હતું. તે એક કાર ડીલરશીપના પાર્કિંગ વિસ્તારમાં ખાબક્યું હતું, જેના કારણે ત્યાં પાર્ક કરાયેલા અનેક વાહનોમાં આગ લાગી ગઈ હતી. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં હેલિકોપ્ટર આકાશમાંથી ઝડપથી નીચે પડતું અને પછી આગની જ્વાળાઓ સાથે કાળો ધુમાડો ઉડતો જોવા મળે છે.

સ્થાનિક સત્તાવાળાઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે હેલિકોપ્ટરો કેવી રીતે અથડાયા અને તેના પાછળનું કારણ શું હતું તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. તપાસ ટીમ અકસ્માતના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. આ દુર્ઘટના રવિવારે સવારે બની હોવાનું જણાવવામાં આવ્યું છે. રિયો ડી જેનેરોના મિલિટરી ફાયર વિભાગના જણાવ્યા મુજબ, સવારે લગભગ 9 વાગ્યે અકસ્માતની જાણ થતાં જ બચાવ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. જોકે, અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં સવાર લોકોના જીવ બચાવી શકાયા નહોતા. અહેવાલો મુજબ, અકસ્માતગ્રસ્ત હેલિકોપ્ટરમાં આર્જેન્ટિનાના લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર ગેસ્પર પ્રિમ ડાયઝ પણ સવાર હતા. સોશિયલ મીડિયા પર તેઓ ‘ગેસ્પી’ તરીકે જાણીતા હતા. તેમની પણ આ અકસ્માતમાં મૃત્યુ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હેલિકોપ્ટરમાં અન્ય મુસાફરો તરીકે લુકાસ બ્રિટો ચાવેઝ, લુકાસ વિગ્નાલે અને પાયલોટ એલેક્ઝાન્ડ્રે સૌઝા સવાર હતા. જ્યારે બીજા હેલિકોપ્ટરમાં પાયલોટ ચાર્લ્સ માર્સિલેક હોવાનું જણાવાયું છે.
ઓલિવર ટ્રીનો જન્મ વર્ષ 1993માં અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેન્ટા ક્રુઝ શહેરમાં થયો હતો. તેઓ માત્ર ગાયક જ નહીં પરંતુ ગીતકાર, પ્રોડ્યુસર અને સોશિયલ મીડિયા સ્ટાર તરીકે પણ જાણીતા હતા. વર્ષ 2016માં સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો, જેના કારણે તેમને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી હતી. તેમની અનોખી સ્ટાઇલ અને ખાસ પ્રકારની હેરસ્ટાઇલને કારણે પણ તેઓ હંમેશા ચર્ચામાં રહેતા હતા. ઓલિવર ટ્રીએ પોતાના સંગીત કારકિર્દી દરમિયાન અનેક લોકપ્રિય ગીતો આપ્યા હતા. ‘Life Goes On’, ‘Miss You’ અને ‘Alien Boy’ જેવા ગીતો વિશ્વભરમાં ખૂબ લોકપ્રિય બન્યા હતા. ખાસ કરીને યુવાનોમાં તેમના ગીતોને મોટી સંખ્યામાં પસંદ કરવામાં આવતા હતા. વર્ષ 2024માં તેમના હિટ ગીત ‘Miss You’ માટે તેમને પ્રતિષ્ઠિત બ્રિટ એવોર્ડ્સમાં નોમિનેશન પણ મળ્યું હતું. સંગીત ઉપરાંત ઓલિવર ટ્રી પોતાના અનોખા પ્રયોગો માટે પણ જાણીતા હતા. વર્ષ 2020માં તેમણે વિશ્વનું સૌથી મોટું કિક સ્કૂટર બનાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ સ્કૂટર લગભગ 4.16 મીટર ઊંચું અને 3.13 મીટર લાંબું હતું. આ સિદ્ધિએ તેમને સંગીતની બહાર પણ ખાસ ઓળખ અપાવી હતી. તાજેતરમાં જ ઓલિવર ટ્રી પોતાની વર્લ્ડ ટૂર પર નીકળ્યા હતા. થોડા દિવસો પહેલાં જ તેમણે બ્રાઝિલના સાઓ પાઉલોમાં લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. તેમના આગામી કાર્યક્રમો પોર્ટુગલ, બ્રિટન અને યુરોપના અન્ય શહેરોમાં યોજાવાના હતા. પરંતુ આ દુર્ઘટનાએ તેમના જીવનનો અચાનક અંત લાવી દીધો.
તેમના નિધનના સમાચાર સામે આવ્યા બાદ દુનિયાભરના કલાકારો અને ચાહકોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પ્રખ્યાત યુટ્યુબર અને બ્રિટન્સ ગોટ ટેલેન્ટના જજ KSIએ પણ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું કે, ઓલિવર ટ્રી ખૂબ જ પ્રતિભાશાળી કલાકાર હતા અને તેમની વિદાય પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. ‘જેકઆસ’ ફેમ સ્ટાર સ્ટીવ-ઓએ પણ ઓલિવર ટ્રી સાથેની પોતાની જૂની તસવીર શેર કરીને તેમને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે ઓલિવર ખૂબ જ સારા મિત્ર હતા અને હંમેશા લોકોની ચિંતા કરતા હતા. ઓલિવર ટ્રીના અચાનક નિધનથી તેમના લાખો ચાહકોને મોટો આઘાત લાગ્યો છે. સંગીત જગતે એક પ્રતિભાશાળી કલાકાર ગુમાવ્યો છે અને તેમના ગીતો દ્વારા તેઓ હંમેશા પોતાના ચાહકોના દિલમાં જીવંત રહેશે.