
સિંગવડ, તા. 15
સિંગવડ તાલુકાના કેસરપુર ગામ પાસે હડફ નદી પર આવેલા સ્ટેટ હાઇવેના બ્રિજની હાલત અત્યંત જર્જરિત બનતાં વાહનચાલકોમાં ચિંતા વ્યાપી છે. બ્રિજના મધ્ય ભાગે મોટો ખાડો પડી જતાં તેની અંદરના લોખંડના સળિયા અને એંગલ બહાર દેખાવા લાગ્યા છે, જેના કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
પીપલોદ અને સંજેલીને જોડતો આ મુખ્ય સ્ટેટ હાઇવે માર્ગ હોવાથી રોજિંદા હજારો વાહનો અહીંથી પસાર થાય છે. તેમાં કાર, મોટરસાયકલ, મુસાફર બસો, માલસામાન ભરેલી ટ્રકો, રેતી ભરેલા ડમ્પરો તેમજ સ્કૂલબસોનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને નાના બાળકોને લઈ જતી સ્કૂલબસો માટે બ્રિજની હાલત ચિંતાજનક બની છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ બ્રિજ પર પડેલો ખાડો દિવસેને દિવસે વધુ મોટો બની રહ્યો છે. રાત્રિના સમયે પૂરતા પ્રકાશના અભાવે અકસ્માતની શક્યતા વધી જાય છે. તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ અસરકારક મરામત કામગીરી હાથ ધરવામાં આવી નથી.
ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક બ્રિજનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવી જરૂરી મરામત હાથ ધરવાની માંગ કરી છે. ઉપરાંત, અકસ્માતનું જોખમ ટાળવા માટે ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા ગોઠવવા પણ રજૂઆત કરવામાં આવી છે.
સ્થાનિકોમાં એવી લાગણી જોવા મળી રહી છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં જ તંત્ર જાગૃત બની જરૂરી પગલાં ભરે અને વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરે.