Vadodara

વડોદરા : સસ્તા સ્ટોકના નામે 18 લાખની છેતરપિંડી, મિત્ર સહિત બે સામે ગુનો

સસ્તા ભાવે બલ્ક સ્ટોક અપાવવાની લાલચ આપી એસ્ટેટ બ્રોકર પાસેથી રૂ.18 લાખ પડાવ્યા, રકમ મળ્યા બાદ બંને આરોપીઓએ ફોન બંધ કરી દીધા

વડોદરા તા.10
વડોદરામાં ઝડપથી નફો કમાવવાની લાલચમાં એક રિયલ એસ્ટેટ બ્રોકર રૂ.18 લાખની છેતરપિંડીનો ભોગ બન્યો છે. સસ્તા ભાવે બલ્ક સ્ટોક અપાવવાના બહાને મિત્રે જ વિશ્વાસઘાત કરતાં રોકડ રકમ લઈને ફરાર થઈ જતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
આજવા રોડ પર આવેલી દર્શનમ હાઇટ્સ સોસાયટીમાં રહેતા અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા રાહુલ કમલેશભાઈ વૈષ્ણવે બાપોદ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં વિશ્વજીતસિંહ સોલંકી અને મેહુલ સાટીયા સામે રૂ.18 લાખની છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે.
ફરિયાદ મુજબ, ક્રિકેટ રમવા દરમિયાન રાહુલ વૈષ્ણવની ઓળખાણ મોહિત અગ્રવાલ સાથે થઈ હતી. બંને વચ્ચે મિત્રતા વિકસતા શેરબજાર અને અન્ય વ્યવસાયિક તકો અંગે ચર્ચાઓ થતી રહેતી હતી. દરમિયાન મોહિત અગ્રવાલે સસ્તા ભાવે બલ્ક સ્ટોક ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે રાહુલે તેની મુલાકાત વિશ્વજીતસિંહ સોલંકી સાથે કરાવી હતી. વિશ્વજીતસિંહ બજારભાવ કરતાં ઓછા ભાવે સ્ટોક ઉપલબ્ધ કરાવી આપતો હોવાનો દાવો કરતો હતો.
ત્યારબાદ રૂ.18 લાખના સ્ટોકનો સોદો નક્કી થયો હતો. વિશ્વજીતસિંહે રોકડ રકમ આજવા ચોકડી નજીક આવેલી રામાધણી કલેક્શન ખાતે મેહુલ સાટીયાને સોંપવા જણાવ્યું હતું. નક્કી મુજબ મોહિત અગ્રવાલ રૂ.18 લાખની રોકડ રકમ લઈને રાહુલ વૈષ્ણવની ઓફિસે પહોંચ્યો હતો. ત્યાંથી મોહિત અગ્રવાલ, જયદીપ વૈષ્ણવ અને રમણદીપ સિંહ રામાધણી કલેક્શન ખાતે ગયા હતા, જ્યાં મેહુલ સાટીયાએ રકમ સ્વીકારી હતી.
રકમની ગણતરી પૂર્ણ થયા બાદ મેહુલ સાટીયા અને રમણદીપ સિંહ સ્કોર્પિયો કારમાં નીકળ્યા હતા. જોકે, કાન્હા સિટી નજીક પહોંચતા મેહુલે સિગારેટ લેવા માટે રમણદીપને કારમાંથી ઉતરવા જણાવ્યું હતું. રમણદીપ નીચે ઉતરતાં જ મેહુલ સાટીયા રૂ.18 લાખની રોકડ રકમ સાથે સ્કોર્પિયો કાર હંકારી ફરાર થઈ ગયો હતો.
ઘટના બાદ મેહુલ સાટીયાનો સંપર્ક કરવાનો અનેકવાર પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહોતો. બીજી તરફ વિશ્વજીતસિંહ સોલંકીએ શરૂઆતમાં મામલો ઉકેલી દેવાની ખાતરી આપી હતી, પરંતુ બાદમાં તેણે પણ સંપર્ક તોડી દીધો હતો.

Most Popular

To Top