Vadodara

ગંદકીના વચ્ચે તળાઈ રહ્યા હતા સમોસા! ગુપ્તા સમોસા અને મદ્રાસ ભવનને રૂ. 10-10 હજારનો દંડ

72 ખાદ્ય નમૂના લેબમાં મોકલાયા; 43 એકમો સામે કાર્યવાહી, રૂ. 3.20 લાખનો દંડ વસૂલાયો
વડોદરા, તા. 9: શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ સામે વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે લાલ આંખ કરી છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચના તેમજ ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી મેગા ચેકિંગ ઝુંબેશ દરમિયાન અનેક ચોંકાવનારી બેદરકારીઓ સામે આવી હતી. ખાસ કરીને માંજલપુર નાકા વિસ્તારમાં આવેલી ગુપ્તા સમોસા ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટમાં ભારે ગંદકી અને અસ્વચ્છતા જોવા મળતાં વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી રૂ. 10,000નો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત ભાયલી કેનાલ રોડ પર આવેલી મદ્રાસ ભવન રેસ્ટોરન્ટમાં પણ અનહાઈજેનિક પરિસ્થિતિ બદલ રૂ. 10,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
શહેરના ખોડીયારનગર, સરદાર એસ્ટેટ, ડભોઈ રોડ અને સુસેન-નોવિનો તરસાલી રોડ સહિતના વિસ્તારોમાં ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને નોન-પેકેજ્ડ પીવાના પાણીના 10 એકમો, કેરીના રસના 12 તંબુ અને 5 આઈસ ફેક્ટરી સહિત કુલ 27 એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત સમા-સાવલી રોડ, ન્યુ સમા રોડ, છાણી, નિઝામપુરા, રાવપુરા, વાઘોડિયા રોડ, અમિતનગર, ગોત્રી, ગોરવા, ગેંડા સર્કલ, સેવાસી, ભાયલી કેનાલ રોડ, ફતેગંજ, સદર બજાર, હાથીખાના, અટલાદરા, સનફાર્મા રોડ, મુજમહુડા સર્કલ, બાજવા-કરોડિયા રોડ અને મકરપુરા જીઆઇડીસી સહિતના વિસ્તારોમાં વ્યાપક તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન 27 રિટેલર્સ, 12 રેસ્ટોરન્ટ્સ, 1 ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ, 1 કેન્ટીન, 1 ઉત્પાદક પેઢી અને 1 હોલસેલર સહિત કુલ 43 ખાદ્ય એકમોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિવિધ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે 72 નમૂનાઓ એકત્રિત કરીને ફતેગંજ સ્થિત પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
નમૂનાઓમાં દૂધ, પનીર, ઘી, વનસ્પતિ, કપાસિયા, પામોલિન અને સનફ્લાવર તેલ, મેંદો, લસ્સી, બદામ શેક, મેંગો મિલ્ક શેક, સિન્થેટિક શરબત, પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર તેમજ વિવિધ ફ્લેવરના આઈસ્ક્રીમનો સમાવેશ થાય છે. ઉપરાંત દૂધી-ચણાનું શાક, પનીર તવા, પનીર બટર મસાલા, ચીઝ ગાર્લિક બ્રેડ, પનીર લવાબદાર અને સેવ મસાલા જેવા તૈયાર ખાદ્ય પદાર્થોના નમૂનાઓ પણ લેવામાં આવ્યા હતા.
કાર્યવાહી દરમિયાન માંજલપુરના દીપ ચેમ્બર નજીક આવેલી ન્યુ મહાલક્ષ્મી પ્રોવિઝન સ્ટોરમાંથી રૂ. 2,930ની કિંમતનો 9 કિલો અખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ સેફ્ટી વિભાગ અને સંયુક્ત વોર્ડ ઓફિસોની ટીમો દ્વારા હાથ ધરાયેલી આ સમગ્ર ઝુંબેશમાં અસ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોના ભંગ બદલ કુલ રૂ. 3.20 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર અને સ્વચ્છતાના ધોરણોનું પાલન ન કરનાર એકમો સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

Most Popular

To Top