Vadodara

યુવકને ફાર્મહાઉસમાં નિર્વસ્ત્ર કરી માર મારવાના ગુનામાં વોન્ટેડ આરોપી આકાશ થાપાનું મોત

ભાયલીમાં રહેતા મિત્રોના ઘરે ગયો હોય છાતીમાં દુખાવો થતા ગોત્રી હોસ્પિટલમાં લઈ જવાયો હતો

વડોદરા, તા. 6

વડોદરા શહેરના સનફાર્મા રોડ વિસ્તારમાં યુવકનું અપહરણ કરી તેને હરણીના ફાર્મહાઉસમાં લઈ જઈ નિર્વસ્ત્ર કરી ઢોર માર મારવાના ચર્ચાસ્પદ કેસમાં ફરાર આરોપી આકાશ થાપાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. પોલીસ દ્વારા અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આકાશ થાપા નાસતો ફરતો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મોબાઇલ ફોન અને કલર કામના રૂપિયા સંબંધિત વિવાદને લઈ આરોપીઓએ 20 વર્ષીય યુવકનું કારમાં અપહરણ કર્યું હતું. બાદમાં તેને હરણી વિસ્તારમાં આવેલા ફાર્મહાઉસ પર લઈ જઈ નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો તેમજ તેને નિર્વસ્ત્ર કરી વીડિયો પણ બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે અટલાદરા પોલીસે લૂંટ અને અપહરણ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ઝડપી કાર્યવાહી કરી પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા.
દરમિયાન ફરાર આરોપી આકાશ થાપા ભાયલી વિસ્તારમાં તેના મિત્રના ઘરે રોકાયો હતો. ત્યાં તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા મિત્ર તેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલ લઈ જઈ રહ્યો હતો. જોકે રસ્તામાં જ તેની તબિયત વધુ બગડતા હૃદયરોગનો હુમલો આવતા તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top