અમદાવાદ એરપોર્ટ પર મોડી રાત્રે પહોંચશે પાર્થિવ દેહ, રવિવારે અપાશે અંતિમ વિદાય
ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ અધૂરા રહ્યા, સમગ્ર બોરસદ પંથકમાં શોકની લાગણી
પ્રતિનિધિ, આણંદ તા. 6
કેનેડામાં હત્યાનો ભોગ બનેલી બોરસદની આશાસ્પદ યુવતી વિધિ મેઘાનો પાર્થિવ દેહ આખરે 21 દિવસ બાદ વતન પરત આવી રહ્યો છે. શનિવારે મોડી રાત્રે વિધિનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે, જ્યાં જરૂરી કાનૂની અને વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ પરિવારજનોને સોંપવામાં આવશે. ત્યારબાદ રવિવારે બોરસદમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, વિધિ મેઘાના પાર્થિવ દેહને ભારત લાવવા માટે છેલ્લા ત્રણ અઠવાડિયાથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં સાંસદ મિતેષ પટેલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું જાણવા મળ્યું છે. તેમના સતત અનુસંધાન અને સંબંધિત ભારતીય તેમજ કેનેડિયન તંત્ર સાથેના સંકલનના પરિણામે મૃતદેહને વતન લાવવાની કાર્યવાહી પૂર્ણ થઈ શકી છે.
વિધિ મેઘા પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપનાઓને સાકાર કરવા માટે ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દીની તકો મેળવવા કેનેડા ગઈ હતી. જોકે વિદેશની ધરતી પર તેમની હત્યાની દુઃખદ ઘટના સામે આવતા પરિવારજનો સહિત સમગ્ર બોરસદ પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. છેલ્લા 21 દિવસથી પરિવાર પોતાના લાડકી દીકરીના અંતિમ દર્શનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો.
અમદાવાદ એરપોર્ટ પર તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ પાર્થિવ દેહને બોરસદ લાવવામાં આવશે. રવિવારે વહેલી સવારે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે, જેમાં મોટી સંખ્યામાં સ્વજનો, મિત્રો, સમાજના આગેવાનો અને સ્થાનિક નાગરિકો જોડાય તેવી શક્યતા છે.
એક યુવાન દીકરીના અધૂરા રહી ગયેલા સપનાઓ અને કરુણ અંતને લઈને સમગ્ર વિસ્તાર શોકમગ્ન બની ગયો છે. વિધિ મેઘાના અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે બોરસદ પંથક પણ આ ઘટનાથી વ્યથિત બન્યો છે. રવિવારે યોજાનારી અંતિમ વિદાય દરમિયાન સમગ્ર વિસ્તારમાં ભાવુક અને ગમગીન માહોલ સર્જાય તેવી શક્યતા છે.