સોશિયલ મીડિયા પરથી ચર્ચામાં આવેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) હવે મેદાનમાં સક્રિય બની છે. બુધવારે દિલ્હીમાં પાર્ટીએ પોતાની પ્રથમ સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં ત્રણ પ્રવક્તાઓએ શિક્ષણ વ્યવસ્થાથી જોડાયેલા મુદ્દાઓ પર સરકાર સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો હતો. પાર્ટીએ ફરી એકવાર કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી અને જણાવ્યું હતું કે આ મુદ્દે તેઓ સરકાર તેમજ વિપક્ષ બંને સાથે ચર્ચા કરવા તૈયાર છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન CJPના પ્રવક્તા સૌરવ દાસે CBSE ચેરમેન રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની બદલીને માત્ર દેખાવ પૂરતું પગલું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે શિક્ષણ ક્ષેત્રમાં જે સમસ્યાઓ ઊભી થઈ રહી છે તેની જવાબદારી સ્પષ્ટપણે નક્કી થવી જોઈએ. માત્ર અધિકારીઓની બદલી કરીને સરકાર પોતાની જવાબદારીમાંથી બચી શકે નહીં. તેમના જણાવ્યા મુજબ શિક્ષણ વ્યવસ્થામાં સુધારા માટે મૂળભૂત સ્તરે જવાબદારી નક્કી કરવી જરૂરી છે.
પાર્ટીના સ્થાપક અભિજીત દિપક 6 જૂને અમેરિકાથી દિલ્હી પહોંચવાના છે. તેમના આગમન બાદ જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન માટે પરવાનગી મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ માટે તેઓ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં અરજી કરશે. CJPએ દેશભરના વિદ્યાર્થીઓ અને યુવાનોને આ અભિયાન સાથે જોડાવા માટે અપીલ પણ કરી છે. પાર્ટીએ દાવો કર્યો છે કે જાણીતા જળવાયુ કાર્યકર્તા સોનમ વાંગચુક પણ આ પ્રદર્શનમાં સામેલ થઈ શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. CJPના નેતાઓનું કહેવું છે કે દેશના યુવાનોમાં શિક્ષણ વ્યવસ્થા અને રાજકીય તંત્ર પ્રત્યે વધતી જતી નારાજગી હવે આંદોલનનું સ્વરૂપ લઈ રહી છે.
કોકરોચ જનતા પાર્ટી છેલ્લા કેટલાક મહિનાઓમાં સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિય બની છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની એક ટિપ્પણી બાદ આ પ્લેટફોર્મ ચર્ચામાં આવ્યું હતું. હાલમાં CJPના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 2 કરોડથી વધુ ફોલોઅર્સ છે, જેના કારણે તે દેશના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા સામાજિક-રાજકીય પ્લેટફોર્મમાં સામેલ થઈ ગયું છે. પાર્ટીના સ્થાપક અભિજીત દિપક મહારાષ્ટ્રના સંભાજીનગરના રહેવાસી છે અને વ્યવસાયે ડિજિટલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે જાણીતા છે. તેમણે પુણેથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે અને હાલમાં અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશનમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યા છે.
અભિજીત દિપક અગાઉ 2020થી 2022 દરમિયાન આમ આદમી પાર્ટી માટે સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે કાર્યરત રહ્યા હતા. દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન તેઓ પાર્ટી માટે વાયરલ મીમ્સ અને ડિજિટલ પ્રચાર અભિયાન તૈયાર કરતા હતા. બાદમાં તેમણે વ્યક્તિગત વિકાસ અને શૈક્ષણિક કારકિર્દી માટે અમેરિકા જવાનો નિર્ણય લીધો હતો. સોશિયલ મીડિયા પર સક્રિય અભિજીત દિપક ખેડૂત આંદોલન, મોંઘવારી અને અન્ય રાજકીય મુદ્દાઓ પર સતત પોતાના વિચારો વ્યક્ત કરતા રહ્યા છે. હવે તેમની આગેવાની હેઠળ કોકરોચ જનતા પાર્ટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી આગળ વધી મેદાનમાં આંદોલનના માર્ગે આગળ વધી રહી છે. આગામી 6 જૂનના પ્રદર્શન પર હવે સૌની નજર રહેશે. ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓ તરફથી કેટલો પ્રતિસાદ મળે છે અને સરકાર આ માંગણીઓ પર શું વલણ અપનાવે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.