Sankheda

ટેકાના ભાવે મકાઈ ખરીદીમાં ઘટાડો: 28 ક્વિન્ટલના બદલે 15 ક્વિન્ટલ ખરીદીથી ખેડૂતોમાં રોષ

નવા પરિપત્રથી ખેડૂત દીઠ ખરીદી મર્યાદા ઘટતા સંખેડામાં ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા વિરોધ

“તમામ મકાઈ ખરીદો”ની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર, ખેડૂતો દેવાના બોજ અને વરસાદી જોખમ વચ્ચે ચિંતિત

પ્રતિનિધિ, સંખેડા | તા. 4 જૂન, 2026

સરકાર દ્વારા ટેકાના ભાવે મકાઈ ખરીદી માટે અગાઉ જાહેર કરાયેલી મર્યાદામાં અચાનક ઘટાડો કરવામાં આવતા સંખેડા પંથકના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. અગાઉ રજિસ્ટ્રેશન કરાવનાર ખેડૂતો પાસેથી 28 ક્વિન્ટલ (60 કટ્ટા) સુધી મકાઈ ખરીદવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ નવા પરિપત્ર અનુસાર હવે માત્ર 15 ક્વિન્ટલ (30 કટ્ટા) મકાઈ જ ખરીદવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, ભારે મહેનતથી તૈયાર કરેલા પાકને યોગ્ય ભાવ મળે તે માટે તેઓ સરકારની ટેકા ખરીદી યોજનામાં જોડાયા હતા. બજારમાં પૂરતો ભાવ ન મળતા અને વરસાદી મોસમ નજીક હોવાથી ખેડૂતોને સરકારની ખરીદી પર આશા હતી. પરંતુ ખરીદી મર્યાદામાં અચાનક ઘટાડો થતાં મોટી માત્રામાં મકાઈનો જથ્થો પરત ઘરે લઈ જવાની ફરજ પડી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર દ્વારા ખેડૂત દીઠ 60 કટ્ટા મકાઈ ખરીદવાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. જેના આધારે ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી ગોડાઉન ખાતે મકાઈ વેચવા પહોંચ્યા હતા. જોકે, 1 જૂનથી અમલમાં આવેલા નવા પરિપત્ર બાદ મર્યાદા ઘટાડીને 30 કટ્ટા કરવામાં આવી છે. પરિણામે અનેક ખેડૂતોને વધારાની મકાઈ પરત લઈ જવા કહેવામાં આવતા તેઓ ભારે મૂંઝવણમાં મુકાયા છે.

આ મુદ્દે સંખેડા કોંગ્રેસ પ્રમુખ યોગેશ વરનામીયા, કોંગ્રેસના કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. તેમણે સરકારને તમામ ખેડૂતોની મકાઈ ટેકાના ભાવે ખરીદવાની માંગ કરી હતી.

યોગેશ વરનામીયાએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોના હિતોની રક્ષા કરવાની વાત કરે છે, ત્યારે હાલના સંજોગોમાં પણ ખેડૂતોની વ્હારે આવવું જરૂરી છે. તેમણે માંગણી કરી હતી કે ખરીદી મર્યાદામાં ઘટાડાનો નિર્ણય પરત ખેંચી તમામ મકાઈની ખરીદી કરવામાં આવે.

બીજી તરફ ગોડાઉન મેનેજરે જણાવ્યું હતું કે સરકારના પરિપત્ર અને ઓનલાઈન લોગિન સિસ્ટમ મુજબ જ ખરીદી થઈ શકે છે. અગાઉ 60 કટ્ટા સુધી ખરીદી થતી હતી, પરંતુ નવા સુધારા બાદ સિસ્ટમમાં ખેડૂત દીઠ માત્ર 15 ક્વિન્ટલ જ સ્વીકારવામાં આવે છે અને તેનાથી વધુ ખરીદી શક્ય નથી.

ખેડૂતોનું કહેવું છે કે સરકાર ટેકાના ભાવે તેમની સંપૂર્ણ મકાઈ ખરીદે, જેથી તેઓને આર્થિક નુકસાન અને વરસાદી મોસમમાં પાકના સંગ્રહની સમસ્યાનો સામનો ન કરવો પડે.

રિપોર્ટર: સુરેન્દ્રસિંહ ચાવડા

Most Popular

To Top