માધ્યમિક શિક્ષણ માટે સાંઢાસાલ જતાં 30થી વધુ વિદ્યાર્થીઓને પરિવહન સુવિધાના અભાવે ભારે હાલાકી
બસ રૂટમાં નાનો ફેરફાર કરી સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ, નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
સાવલી: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના દીપાપુરા ગામના વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે રોજબરોજ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં માધ્યમિક શાળાની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ડેસર તાલુકાના સાંઢાસાલ ગામે જવું પડે છે. પરંતુ યોગ્ય એસ.ટી. બસ સેવા ન હોવાના કારણે તેઓને દરરોજ દોઢ કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવાની ફરજ પડી રહી છે.
આ ગંભીર પ્રશ્નને લઈને તાલુકા પંચાયતના સદસ્ય અને એડવોકેટ જયેશ બાકરોલાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી તેમજ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ના ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ વિભાગોને લેખિત રજૂઆત કરી છે. તેમણે દીપાપુરા ગામના આશરે 30 વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક બસ સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આશરે 1,200ની વસ્તી ધરાવતા દીપાપુરા ગામમાં માધ્યમિક શિક્ષણની કોઈ વ્યવસ્થા નથી. જેના કારણે વિદ્યાર્થીઓને સાંઢાસાલ ગામે અભ્યાસ માટે જવું પડે છે. દીપાપુરાથી સાંઢાસાલ સુધી સીધી પરિવહન સેવા ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓને સૌપ્રથમ નારપુરા ગામ સુધી દોઢ કિલોમીટર ચાલીને જવું પડે છે. ત્યારબાદ તેઓ એસ.ટી. બસ અથવા ખાનગી વાહન મારફતે સાંઢાસાલ પહોંચે છે.
આ સમસ્યાના ઉકેલ માટે જયેશ બાકરોલાએ એક વ્યવહારુ સૂચન પણ કર્યું છે. તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે સવારે 10 વાગ્યે સાવલીથી ઉપડી નારપુરા-સાંઢાસાલ થઈ પાન્ડુ જતી બસ તેમજ સાંજે 5 વાગ્યે પાન્ડુથી સાવલી પરત આવતી બસનો રૂટ નારપુરાથી દીપાપુરા સુધી લંબાવવામાં આવે તો વિદ્યાર્થીઓની સમસ્યાનો સરળતાથી ઉકેલ આવી શકે છે. આ ફેરફારથી વિદ્યાર્થીઓનો કિંમતી સમય બચશે અને તેમની સુરક્ષામાં પણ વધારો થશે.
જયેશ બાકરોલાએ રજૂઆતમાં જણાવ્યું છે કે શિક્ષણ મેળવવું એ દરેક વિદ્યાર્થીનો બંધારણીય અધિકાર છે અને તે માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડવી રાજ્ય સરકારની પ્રાથમિક જવાબદારી છે. શિક્ષણ જેવા સંવેદનશીલ મુદ્દે તંત્રની ઉદાસીનતા ચિંતાજનક હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં ચેતવણી આપી છે કે જો વિદ્યાર્થીઓના હિતમાં આ માંગણીનો તાત્કાલિક સ્વીકાર કરવામાં નહીં આવે, તો ગામના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મળીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી શાસન અને વહીવટી તંત્રની રહેશે.
રિપોર્ટર: વિમલ પટેલ