Karjan

નર્મદામાં ગયો કિશોરનો જીવ: રણાપુર નજીક બે યુવકો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો

અંધારું થતાં રેસ્ક્યુ ઓપરેશન સ્થગિત, બીજા યુવકની શોધખોળ આજે ફરી શરૂ થઈ
15 વર્ષીય જયરામભાઈ રબારીનું કરુણ મોત, સમગ્ર પંથકમાં શોકની લાગણી

કરજણ : કરજણ તાલુકાના રણાપુર ગામ નજીક નર્મદા નદીમાં બુધવારે એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં બે યુવકો નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનામાં એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બીજા યુવકની શોધખોળ હજુ પણ ચાલુ છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી માહિતી મુજબ, બુધવારે બપોરે આશરે 4 વાગ્યાના સુમારે રણાપુર ગામ નજીક નર્મદા નદીમાં ત્રણ યુવકો ન્હાવા માટે ઉતર્યા હતા. દરમિયાન બે યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
ફાયર વિભાગ દ્વારા કલાકો સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, સૂર્યાસ્ત બાદ અંધારું ઘેરાઈ જતાં અને ડૂબી ગયેલા યુવકોની કોઈ ભાળ ન મળતાં કામગીરીને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી હતી. ફાયર વિભાગે જણાવ્યું છે કે બીજા ગુમ થયેલા યુવકની શોધખોળ માટે આવતીકાલે સવારે ફરીથી યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવશે.
આ દુર્ઘટનામાં ગોવાભાઈ નાગજીભાઈ રબારી ઉર્ફે વિરાજભાઈનો આબાદ બચાવ થયો હતો. જ્યારે 15 વર્ષીય જયરામભાઈ બિજલાજી રબારીનો મૃતદેહ મળી આવ્યો હતો. કિશોરના મોતના સમાચાર મળતા પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો.
નર્મદા નદીના ઊંડા પાણીમાં બનેલી આ ઘટનાએ સમગ્ર રણાપુર સહિત આસપાસના ગામોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ફાયર વિભાગ, સ્થાનિક તંત્ર અને ગ્રામજનો દ્વારા બીજા યુવકને શોધી કાઢવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રિપોર્ટર : મુકેશ અથોરા

Most Popular

To Top