Charchapatra

બેંકોમાં કેટલા રૂપિયા જમા છે એની પરિવારને જાણ છે ખરી?

આપણે બેંકોમાં લોન લેવા જઈએ તો બેંકો આપણને ઝડપથી લોન આપતી નથી. આપણા બધા ડોક્યુમેન્ટ તૈયાર હોવાં બેંકો આપણને લોન આપવામાં આનાકાની કરે છે. હવે તમને જાણીને નવાઈ લાગશે કે બેંકો હવે સામેથી તમને પૈસા આપવા ઉતાવળી બની છે. ગુજરાતની બેંકોમાં ૫૦૦૦ કરોડ રૂપિયા એવા જમા છે જેના કોઈ લેવાલ નથી. એકથી વધુ ખાતાંઓ હોય, વિવિધ બેંકોમાં વિવિધ ખાતાંઓ હોય, ઘરે ખબર ના હોય એવાં ખાતાઓ પણ હોય છે. અચાનક ખાતેદારનું મૃત્યુ થાય ત્યારે એમના કેટલી બેંકોમાં કેટલા રૂપિયા ક્યાં ક્યાં ખાતામાં જમા છે, એફ.ડી. કેટલી રકમની છે તેની કોઈને ખબર હોતી નથી.

ખાતેદારનાં પત્ની અને બાળકો પૈસા હોવા છતાં પૈસા મેળવી શકતાં નથી. હજુ કેટલા રૂપિયા લોનના બેંકોમાં ભરવાના બાકી છે તે માહિતી પણ ઘરની વ્યક્તિઓને હોવી જરૂરી છે. આપણા ગયા પછી આપણા વિવિધ બેંકો લોકરોમાં પડેલા રોકડા સોના ચાંદી શેર સર્ટીફીકેટો આપણાં પરિવારો સુધી પહોંચે એવી વ્યવસ્થા કરવી આજના જમાનામાં ખૂબ જરૂરી છે, જેથી આપણાં માતાપિતા, પત્ની કે બાળકોને આપણા ગયા પછી કોઈની પાસે હાથ લાંબો ના કરવો પડે. કોઈની પાસે ઉધાર કે ઉછીના પૈસા લેવા ના પડે.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top