મલેરિયા-ડેન્ગ્યુ સામે ઉધના સાઉથ ઝોનની જનજાગૃતિ રેલી
ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે મચ્છરજન્ય રોગચાળાને રોકવા માટે સુરત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોન દ્વારા વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મલેરિયા અભિયાન અંતર્ગત યોજાયેલી આ રેલીનો મુખ્ય હેતુ નાગરિકોમાં મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી ગંભીર બીમારીઓ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.ઉધના સાઉથ ઝોનના અધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ વોર્ડ નંબર 23, 24, 28 અને 29ના કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ રેલી પાંડેસરા વિસ્તારમાં આવેલા પિયુષ પોઈન્ટથી શરૂ થઈ હતી. જનજાગૃતિનો સંદેશ આપતી રેલી દક્ષેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચી હતી,જ્યાં માર્ગમાં સ્થાનિક નાગરિકોને સ્વચ્છતા અને સાવચેતી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
રેલી દરમિયાન બેનરો, પોસ્ટરો અને વિવિધ સૂત્રો દ્વારા લોકોને પોતાના ઘર અને આસપાસના વિસ્તારોમાં પાણીનો ભરાવો ન રહે તેની ખાસ કાળજી રાખવા અપીલ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓએ સમજાવ્યું હતું કે ઘરની પાણીની ટાંકી, કૂલર, ફૂલદાની, જૂના વાસણો, ધાબા તેમજ ખુલ્લી જગ્યાઓમાં ભરાયેલું સ્વચ્છ પાણી મચ્છરોના પ્રજનન માટે અનુકૂળ સ્થળ બની શકે છે.
અધિકારીઓએ નાગરિકોને દર અઠવાડિયે પાણીના સંગ્રહસ્થાનોની સફાઈ કરવાની, અનાવશ્યક પાણીનો ભરાવો દૂર કરવાની અને મચ્છરોથી બચવા જરૂરી પગલાં ભરવાની સલાહ આપી હતી. કોર્પોરેટરોએ પણ લોકોને મનપાના આરોગ્ય અભિયાનમાં સહભાગી બની પોતાના વિસ્તારને સ્વચ્છ અને રોગમુક્ત બનાવવા માટે સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
આ રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ જોડાયા હતા અને સૌએ મળીને મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. “સ્વચ્છ પરિસર – સ્વસ્થ પરિવાર”ના સંદેશ સાથે યોજાયેલ આ અભિયાન દ્વારા મનપાએ ચોમાસા પહેલા જ આરોગ્ય સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરી છે.